27 વર્ષીય સિંગલ મધર બાળકનો ઉછેર અને ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. પરંતુ સાચી પરીક્ષા તો ઉપરવાળો જ લે છે. આ કસોટીમાં માણસની હિમ્મત, ખંત, શ્રદ્ધા અને કુશાગ્ર બુદ્ધિથી માપણી થઈ જાય છે. એક તરફ પરિવાર, બીજી તરફ સંતાન અને ત્રીજી બાજુ જીવનમાં કશુંક હાંસલ કરવાની ખેવના ધરાવતા વડોદરાના આજવા રોડ પર રહેતા ફરહીન વોહરા પ્રેરણાસ્ત્રોત છે. 27 વર્ષીય ફરહીન વોહરા જેઓ સિંગલ મધર છે અને સાત વર્ષના દીકરાની સંભાળ પણ રાખે છે. તેઓ ઘર કામ કરીને ગુજરાન ચલાવે છે અને હાલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. તેઓ કહે છે કે, મેં ધોરણ 8 પછી અભ્યાસ છોડી દીધો હતો. આગળ જતા મારી અભ્યાસની ઈચ્છા જીવંત થઈ. 20 વર્ષે મારા લગ્ન થયા હતા અને તેના એક વર્ષ બાદ મારા પુત્રનો જન્મ થયો હતો. લગ્ન બાદ સાસરામાં સર્જાયેલા મતભેદોના કારણે હું મારા પતિથી અલગ થઈ હતી. ત્રણ વર્ષ પહેલાં જ મારા છૂટાછેડા થયા. અલગ થવાનો નિર્ણય કપરો હતો. કારણ કે એક બાળકની સંભાળ રાખવી સિંગલ મધર માટે ખૂબ કપરી છે. મેં ગયા વર્ષે જ નક્કી કર્યું કે, ગમે તે થાય પણ ધોરણ 10ની પરીક્ષા આપીશ. મારા ભવિષ્યમાં ધોરણ 12 અને નર્સિંગનું શીખીને મેડીકલ જગતમાં કરિયર બનાવવાની ઈચ્છા છે. હાલ હું અંગ્રેજી માધ્યમમાં સ્કૂલ ટીચર તરીકે ફરજ બજાવું છું.
Advertisement
Advertisement
Advertisement