Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજયના શિક્ષણમંત્રીની 25 ટકા ફી માફીની જાહેરાતથી સંચાલકો તથા વાલીઓમાં વિરોધ

રાજયના શિક્ષણમંત્રીની 25 ટકા ફી માફીની જાહેરાતથી સંચાલકો તથા વાલીઓમાં વિરોધ

0
126
  • આ નિર્ણય સામે બંને પક્ષો દ્વારા કોર્ટમાં જવાની તૈયારી હોવાની ચર્ચા

  • 25 ટકા ફી માફી સામે સ્કૂલ સંચાલકોને તથા વાલીઓને 50 ટકા ફી માફી જોઇએ

ગાંધીનગર: કોરોનાના કપરાકાળની અસર તમામ કક્ષાએ થઇ છે. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નવો નિર્ણય ન લેવાય ત્યાં સુધી 25 ટકા ફી માફીનો અમલ ચાલુ રહેશે તેવી કરેલી જાહેરાત બાદ સંચાલકોની સાથે વાલીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. સંચાલકોએ 25 ટકા ફી માફીના નિર્ણય સામે ખુલ્લો વિરોધ વ્યક્ત કર્યો છે. જ્યારે વાલી મંડળ દ્વારા પણ 25 ટકાના બદલે 50 ટકા ફી માફીનો નિર્ણય લેવામાં આવે તે માટે માગણી કરવામાં આવી છે. આ મુદ્દે બંને પક્ષો દ્વારા કોર્ટમાં જવાની તૈયારી કરવામાં આવી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. આમ શાળાની ફીનો મામલો વણસે તેવી શક્યતા દેખાઇ રહી છે.

રાજ્યમાં ગતવર્ષે કોરોનાના આગમન બાદ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. જેના પગલે વાલીઓ દ્વારા ફી માફીની રજૂઆતો કરવામાં આવી હતી. આ રજુઆતોના પગલે સરકાર દ્વારા ફીમાં 25 ટકાની રાહત આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ સંચાલકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. જોકે, તેમ છતાં સંચાલકો દ્વારા વાલીઓને 25 ટકા ફી માફીનો લાભ આપ્યો હતો. ત્યારબાદ ચાલુ વર્ષે પણ સ્કૂલો ઓનલાઈન જ ચાલી રહી છે ત્યારે વાલીઓ દ્વારા ફરી ફી માફીની માગ કરવામાં આવી હતી. જોકે, આ દરમિયાન રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નવો નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી 25 ટકા ફી રાહતનો અમલ ચાલુ રહેશે તેવી જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે જ વાલીઓ અને સંચાલકોમાં રોષ ફેલાયો હોવાનું જાણવા મળે છે.

સંચાલકોના જણાવ્યા અનુસાર, 25 ટકા ફી માફીના અમલના પગલે ગતવર્ષે અનેક સ્કૂલોને ભારે આર્થિક નુકશાન સહન કરવો પડ્યો હતો. ઉપરાંત ઘણા વાલીઓએ બાકીની ફી પણ ચુકવી ન હોવાથી સ્કૂલોની સ્થિતિ કફોડી બની હતી. તો સરકારના આ પગલાં તેમજ ફાયરસેફ્ટીની સુવિધાના મુદ્દે કેટલીય નાની નાની શાળાઓએ બંધ કરવાનું વિચાર્યું છે. બીજી તરફ જો આ વખતે પણ સરકાર દ્વારા 25 ટકા ફી માફીની જાહેરાતનો સંચાલકો વિરોધ કરશે અને આ મુદ્દે કોર્ટમાં જવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે.

જયારે વાલીઓ પણ સરકારના આ નિર્ણયથી નારાજ છે. છેલ્લા ઘણા સમયથી સ્કૂલો બંધ હોવાથી સ્કૂલોના વિવિધ ખર્ચાઓ અટકી ગયા છે. જેમાં સ્કૂલોનો લાઈટ બિલ ખર્ચ, સ્ટેશનરી ખર્ચ સહિતનો ખર્ચ બચી ગયો હોવાથી સરકારે વાલીઓને આ વખતે 25 ટકાના બદલે 50 ટકા ફી માફીનો લાભ આપવો જોઈતો હતો. પરંતુ સરકારે 25 ટકા ફી રાહતનો જ અમલ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જેનાથી વાલીઓ નારાજ છે અને આ મુદ્દે વાલીઓએ પણ કોર્ટમાં જવાની તૈયારીઓ કરી છે.

મોટાભાગની સ્કૂલોએ ફીના ચેક લીધા બાદ ફી રાહતની જાહેરાત

રાજ્યમાં 7 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. નવા સત્રના પ્રારંભ સાથે જ સ્કૂલોએ વાલીઓ પાસેથી ફીના એડવાન્સ ચેક લઈ લીધા હોવાનું જાણવા મળે છે. આમ, મોટાભાગની સ્કૂલોએ તો વાલીઓ પાસેથી સમગ્ર વર્ષની ફીના એડવાન્સમાં ચેક લઈ લીધા છે. ત્યારે સરકાર દ્વારા ફી રાહતનો અમલ ચાલુ રાખવાની જાહેરાત કરતા આ ફી માફીનો લાભ વાલીઓને નવા વર્ષે મળે તેમ લાગી રહ્યું છે. વાલીઓએ આ મુદ્દે પણ સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat