Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

0
1890

અરબી સમુદ્ર ઉપર સાયક્લોનિક સરક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ,વડોદરા,ભરૂચ,સુરત,આણંદ,નર્મદા,ડાંગ,નવસારી સહિતના શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, અમરેલી, દેવભૂમી દ્વારકા,ભાવનગર,ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ સિઝનનો 116.59 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં સિઝનનો 38 ઇંચ જેટલો વરસાદ

ઉમરપાડામાં માત્ર 24 કલાકમાં 16 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 38 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં 461.3 મીમી સામે 678 મીમી એટલે કે 47 ટકા વધુ વરસાદ પડ્યો છે. જ્યારે અમદાવાદમાં એવરેજ 634.5 મીમી સામે 607.7 મીમી વરસાદ પડ્યો છે. એટલે કે અમદાવાદમાં 4 ટકા વરસાદની ઘટ છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચના નર્મદા નદીની સપાટી 31 ફૂટે આંબી ગઈ હતી. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કાંઠા વિસ્તારના નીચાણવાળા વિસ્તારના 1 હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરાયું હતું.