Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > ‘જો એક્ઝામમાં વિલંબ થયો તો..!’ વિશ્વભરના 150 શિક્ષણવિદોનો PM મોદીને પત્ર

‘જો એક્ઝામમાં વિલંબ થયો તો..!’ વિશ્વભરના 150 શિક્ષણવિદોનો PM મોદીને પત્ર

0
94
  • JEE/NEET મામલે કેટલાક લોકો પોતાનો રાજનીતિક એજન્ડા સેટ કરી રહ્યાં છે

  • પોતાના રાજકીય રોટલા શેકવા વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવા કેટલા યોગ્ય?

નવી દિલ્હી: ભારત અને વિદેશોમાં વિવિધ યુનિવર્સિટીના 150થી વધુ શિક્ષણવિદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા JEE Main અને NEET યોજવામાં વિલંબ કરવામાં આવશે, તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડશે.

વધતા જતાં કોરોના સંક્રમણના કેસને ધ્યાનમાં રાખીને સપ્ટેમ્બરમાં આ પરીક્ષાઓના આયોજન વિરુદ્ધ થઈ રહેલા ઉગ્ર વિરોધનો ઉલ્લેખ કરતા શિક્ષણવિદોએ પત્રમાં કહ્યું છે કે, કેટલાક લોકો પોતાનો રાજનીતિક એજન્ડા સેટ કરવા માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંદી રમત રમવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “યુવા અને વિદ્યાર્થીઓ રાષ્ટ્રનું ભવિષ્ય છે, પરંતુ COVID-19 મહામારીના કારણે તેમના કેરિયર પર અંધકારના વાદળ છવાઈ રહ્યાં છે. પ્રવેશ અને અભ્યાસ વિશે અનેક આશંકાઓ છે, જેનો જલ્દીથી ઉકેલ લાવવાની જરૂરિયાત છે. 

દરવર્ષની જેમ આ વર્ષે પણ લાખો વિદ્યાર્થીઓએ પોતાની ધોરણ-12ની પરીક્ષાઓ આપી છે અને હવે એન્ટરન્સ એક્ઝામની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં છે. ”

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “સરકારે JEE મેઈન અને NEETની તારીખોની જાહેરાત કરી છે. પરીક્ષાઓ યોજવામાં કોઈ પણ પ્રકારનો વિલંબથી વિદ્યાર્થીઓનું કિમતી વર્ષ બરબાદ થઈ જશે. આપણે યુવાઓ અને વિદ્યાર્થીઓના સપના અને ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારની સમજૂતિ ના કરી શકીએ. જો કે કેટલાક લોકો બસ પોતાના રાજકીય રોટલા શેકવા અને સરકારનો વિરોધ કરવા માટે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.”

આ પત્રમાં દિલ્હી યુનિવર્સિટી, ઈગ્નૂ, લખનઉ યુનિવર્સિટી, JNU, BHU, IIT-દિલ્હી અને લંડન યુનિવર્સિટી, કેલિફોર્નિયા યુનિવર્સિટી, હિબ્રુ યુનિવર્સિટી ઑફ યરુશલમ અને ઈઝરાયલની બેન ગુરિયન યુનિવર્સિટીના ભારતીય શિક્ષણવિદોના હસ્તાક્ષર સામેલ છે.