ગાંધીનગર: ગુજરાતમાં ઉતરાયણમાં દોરીથી 11 લોકોના ગળુ કપાતા મોત થયા છે જ્યારે 130થી વધુ લોકો ઘાયલ થયા છે. રાજ્યમાં સરકારે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મુક્યો હતો પણ ચાઇનીઝ દોરી કેટલાક લોકો માટે જીવલેણ બની ગઇ હતી. પોલીસનું અનેક જગ્યાએ ચેકિંગ હતુ છતા ઉતરાયણમાં લોકોએ ચાઇનીઝ દોરીનો ભરપૂર ઉપયોગ કર્યો હતો.
Advertisement
Advertisement
રાજ્યમાં પતંગની દોરીથી 11 લોકોના મોત
પતંગની દોરીને કારણે રાજ્યમાં વડોદરા, રાજકોટ, વિસનગર, કલોલ, ભાવનગર, જામનગર, સૂરતમાં 11 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ધાબા પરથી નીચે પડી જવાના અને દોરીને લીધે ઘાયલ થવાની ઘટના પણ બની હતી. રાજ્યમાં હજારો પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયા હતા. અનેક જગ્યાએ ઘાયલ પક્ષીની સારવાર માટે વિશેષ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે.
2થી 5 વર્ષની બાળકીનું દોરીથી મોત
રાજ્યમાં 2.5 વર્ષથી 4 વર્ષની બાળકીનું પતંગની દોરી ગળામાં ભરાઇ જતા મોત થયુ હતુ. ભાવનગરમાં ઉત્તર પ્રદેશના પુનિતકુમાર યાદવ તેમના પરિવાર સાથે નવુ એક્ટિવા લઇને પરત ફરતા હતા આ દરમિયાન બાઇકમાં બેઠેલી તેમની 2.5 વર્ષની દીકરી કિર્તી યાદવના ગળાના ભાગે દોરી ઘુસી જતા લોહી વહ્યું હતું. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયુ હતુ.
બીજી તરફ મહેસાણાના વિસનગરમાં કડા દરવાજા વિસ્તારમાં રહેતા ઠાકોર રણજીત સિંહના પત્ની તેમની 4 વર્ષીય દીકરી કિસ્મતને લઇને ઉતરાયણના દિવસે બજારમાંથી ઘરે આવતા હતા આ દરમિયાન એસટી બસને વીટાયેલી ચાઇનીઝ દોરી તેમની દીકરીના ગળાના ભાગે આવી જતા ગંભીર ઇજા થઇ હતી. તે બાદ સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, ફરજ પરના ડૉક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી.
રાજકોટના લોઠડા વિસ્તારમાં પરપ્રાંતિય પરિવારના છ વર્ષના પુત્રને પતિ-પત્ની પતંગ અપાવવા બજારમાં લઇ ગયા હતા. આજી ડેમ પાસેથી પસાર થતા સમયે અચાનક તેમના પુત્ર રિષભે બુમો પાડી હતી અને તે લોહીથી લથપથ થઇ ગયો હતો. તેના ગળામાં દોરી ભરાઇ ગઇ હતી અને તેને તાત્કાલીક સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જોકે, તેને બચાવી શકાયો નહતો.
છત્રાલના યુવકનું ગળામાં દોરી ભરાતા ઘટનાસ્થળે જ મોત
કલોલના છત્રાલમાં રહેતા મૂળ ઇડરના કુવાવાના અશ્વિન ગઢવી એરેક્સ કંપનીમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. રવિવાર સવારે અશઅવિન બાઇક લઇને આટો મારવા નીકળ્યો હતો.કલોલના અંબિકાનગર હાઇવે પર અશ્વિનના ગળામાં દોરી વાગી હતી અને રસ્તા પર લોહીનું ખાબોચીયુ ભરાઇ ગયુ હતુ. યુવકનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ.
ગાંધીધામના યુવકે જીવ ગુમાવ્યો
ઉત્તર પ્રદેશના 20 વર્ષીય નરેન્દ્ર વાઘેલા ભારતનગરમાં તેના ફઇના ઘરેથી બાઇક પર પોતાના ઘરે જતો હતો આ દરમિયાન પતંગની દોરી તેના ગળામાં ફસાતા ગળુ કપાયુ હતુ જેથી લોહી લુહાણ હાલતમાં તેને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર પછી તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જઇ રહ્યા હતા આ દરમિયાન મોરબી પાસે યુવકે દમ તોડી દીધો હતો. મૃતક યુવાન તેના પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો. તે બેન્કમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતો હતો. પતંગની દોરીથી યુવકનું મોત થતા પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો.
Advertisement