Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > સૌરાષ્ટ્રના જસદણના કુખ્યાત વસીમ કથીરીને પકડી પાડતી ગુજરાત ATS

સૌરાષ્ટ્રના જસદણના કુખ્યાત વસીમ કથીરીને પકડી પાડતી ગુજરાત ATS

0
162

અમદાવાદઃ ગુજરાત એટીએસે સૌરાષ્ટ્રના કુખ્યાત અપરાધી વસીમ કથીરીની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસે મળેલી બાતમીના આધારે વસીમ કથીરીની પિસ્તોલના બે નંગ અને આઠ જીવતા કારતૂસ સાથે ધરપકડ કરી હતી. તેને લાલ દરવાજા સાંઇબાબા મંદિરેથી પકડવામાં આવ્યો હતો. તેના પર ગેરકાયદેસર રીતે શસ્ત્ર રાખવા બદલ આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો છે.

પોલીસે તેની ધરપકડ કર્યા પછી હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં ઘણી વિગતો જાણવા મળી હતી. વસીમ કથીરીએ જસદણ ખાતે 2014માં કાનાભાઈ કાઠી દરબારનું ખૂન કર્યુ હતુ.

આ પણ વાંચોઃ યુવકને જમીન પર સૂવડાવી માર મારતો પોલીસનો VIDEO વાયરલ, કરી સ્પષ્ટતા

આ સિવાય તેને ભાવનગરના ઉબેદ કરીમ શેખ તથા વલી મોહમદ હાલારી સાથે દુશ્મનાવટ હોઈ તે પોતાની પાસે શસ્ત્રો રાખતો હતો. તેણે પોતે જ 2019માં શૂટરો મોકલીને ઉબેદ કરીમ શેખ પર નવ રાઉન્ડ ગોળીબાર કરાવ્યો હતો.

આ પહેલા પણ વસીમ કથીરી 2019માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથમાં ઝડપાયો હતો. તે સમયે તેની પાસે 18 શસ્ત્રો હતા. તેની સામે જસદણના અલ્તાફ ઉર્ફે બુટકીના અપહરણનો ગુનો પણ 2019માં નોંધાયેલો છે. તેની સામે આ સિવાયના પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત પણ પોલીસ હજી પણ તેની પૂછપરછ કરી રહી છે અને વધુને વધુ વિગતો મેળવવા પ્રયત્ન કરી રહી છે.

આ પણ વાંચોઃ CCTV: હાઈકોર્ટના વકીલ હર્ષ સુરતીની હત્યા માટે કોન્ટ્રાક્ટ કિલરને 22 લાખની સોપારી આપી

આ સિવાય પોલીસ વસીમ કોઈની સોપારી લઈને પણ હત્યા કરવા માટે આવ્યો નથીને તે એન્ગલથી પણ તપાસ કરી રહી છે, કારણ કે તાજેતરમાં જ હર્ષ સુરતીની હત્યા માટે કોન્ટ્રાક્ટ કિલરને સોપારી આપવામાં આવી હતી. જો કે કોન્ટ્રાક્ટ કિલરો રેકી કરી રહ્યા હતા તે વખતે જ તેની સીસીટીવી દ્વારા જાણ થવાના લીધે તેમની હત્યાનું કાવતરું પકડાયું હતું.

વસીમ પોતે આવા ગુનાઓમાં સંડોવાયેલો હોવાના લીધે તે આ પ્રકારની સોપારી લે તેવી પૂરેપૂરી સંભાવના પણ તેને લાગે છે. આ સિવાય એ ટી એસ દ્વારા તે પણ જોવાઈ રહ્યુ છે કે તેને કોઈના દ્વારા બોલાવવામાં આવ્યો છે કે નહી અથવા તો તે સૌરાષ્ટ્રમાં કોઈ ગુનો કરીને ભાગીને આવ્યો છે. આ અંગે નજીકના સમયમાં સૌરાષ્ટ્ર ખાતે પોલીસનો સંપર્ક કરીને તેના અંગેની વિશેષ માહિતી મેળવવામાં આવશે. અમદાવાદમાં વધી રહેલી ગુનાખોરીના લીધે પોલીસની સાથે-સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ પણ સક્રિય થઈ ઉઠી છે.