Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > વર્લ્ડકપમાં મોહમ્મદ શમી-જાડેજાને લઇને વિરાટ કોહલીથી નારાજ હતો રોહિત શર્મા, આ કારણે થયો ટકરાવ

વર્લ્ડકપમાં મોહમ્મદ શમી-જાડેજાને લઇને વિરાટ કોહલીથી નારાજ હતો રોહિત શર્મા, આ કારણે થયો ટકરાવ

0
642

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ વચ્ચે ટકરાવના સમાચાર આવતા રહે છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર ભારતીય ટીમ વર્લ્ડકપમાં બે ભાગમાં વહેંચાઇ ગઇ હતી. રોહિત શર્મા જૂથના ખેલાડીઓને વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીના નિર્ણય ખરાબ લાગ્યા હતા. જેને કારણે તેમની વચ્ચેનો ટકરાવ વધી ગયો હતો.

વિરાટ કોહલી-રોહિત શર્મા વચ્ચે ટકરાવ

ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, સેમિ ફાઇનલ મેચમાં મોહમ્મદ શમીને બહાર કરવામાં આવતા રોહિત શર્મા અને તેના ગ્રુપના સાથી નારાજ હતા, કારણ કે મોહમ્મદ શમીએ વર્લ્ડકપમાં સારી બોલિંગ કરી હતી અને 4 મેચમાં 14 વિકેટ ઝડપી હતી. બીજી તરફ રવિન્દ્ર જાડેજાને વર્લ્ડકપ મેચ દરમિયાન નજરઅંદાજ કરવામાં આવવા પર પણ મતભેદ હતા. જાડેજાને સેમિ ફાઇનલમાં તક મળતા સારી ઇનિંગ્સ રમી હતી.રોહિત શર્માએ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.

જો સેમિ ફાઇનલ મેચ પર નજર નાખવામાં આવે તો આ રીતના દાવામાં સત્ય નથી. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સેમિ ફાઇનલ મેચમાં જ્યારે રવિન્દ્ર જાડેજા ચોક્કા-સિક્સર ફટકારતો હતો ત્યારે રોહિત શર્મા ડ્રેસિંગ રૂમમાંથી તેનો ઉત્સાહ વધારતો નજરે પડતો હતો.

રોહિત શર્માની સદીએ વધારી કોહલીની મુશ્કેલી

સુત્રો અનુસાર જેમ-જેમ રોહિત શર્મા વર્લ્ડકપમાં સદી ફટકારતો હતો તેમ તેના કેમ્પની રાય મજબૂત બનતી હતી. ગલ્ફ ન્યૂઝના સમાચારની માનીએ તો સેમિ ફાઇનલમાં હાર બાદ રોહિત શર્મા જૂથે વિરાટ કોહલીને કેપ્ટન્સીમાંથી હટાવવાની પણ માંગ કરી હતી, જેને અત્યાર સુધી કોઇ આઇસીસી ટૂર્નામેન્ટ નથી જીતી, બોલિંગ કોચ ભરત અરૂણે પણ માન્યુ હતું કે કેટલાક ખેલાડી એક ટીમ યૂનિટ તરીકે કામ કરી રહ્યાં છે પરંતુ વાદ-વિવાદમાં આવી વાતો થઇ જાય છે.

કેપ્ટન્સી છીનવી જવાનો ડર

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત પહેલા એવા સમાચાર હતા કે વિરાટ કોહલીને આરામ આપવામાં આવી શકે છે અને વાઇસ કેપ્ટન રોહિત શર્માને વન ડે અને ટી-20નો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. પહેલા પણ આવુ બની ચુક્યુ છે જ્યારે વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો હોય. જોકે, આ ટકરાવને કારણે વિરાટ કોહલીએ આરામ લીધો નહતો અને સાથે જ રોહિત શર્મા પણ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જઇ રહ્યો છે.

જો રોહિત શર્માની કેપ્ટન્સીમાં વિન્ડીઝમાં ભારતીય ટીમ વન ડે અને ટી-20 સિરીઝ જીતવામાં સફળ થઇ જાત તો સ્થાયી કેપ્ટન બનાવવાનો દાવો મજબૂત બની જાત. વર્લ્ડકપ બાદ એમ પણ અલગ-અલગ ફોર્મેટ માટે અલગ કેપ્ટન બનાવવાના સમાચાર આવતા રહે છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીનો કેપ્ટન્સીનો રેકોર્ડ

રોહિત શર્માએ વિરાટ કોહલીની ગેરહાજરીમાં જ્યારે પણ કેપ્ટન્સી કરી છે તો ભારતીય ટીમને ઘણી મજબૂતી મળી છે, તેને અત્યાર સુધી 15 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં કેપ્ટન્સી કરી છે અને જેમાં ભારતે 12 જીતી છે અને 3 હારી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું હતું. બાદમાં શ્રીલંકામાં રમાયેલી નિદહાસ ટ્રોફી પણ ભારતે રોહિતની કેપ્ટન્સીમાં જીતી હતી. બીજી તરફ વન ડેમાં રોહિત શર્મા 9 વખત કેપ્ટન બન્યો છે અને 8 મેચ જીતી છે. આ રીતે બન્ને ફોર્મેટમાં તેનો રેકોર્ડ 80 ટકાની નજીક છે.

વિરાટ કોહલીએ અત્યાર સુધી 77 મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યુ છે અને જેમાંથી 56 મેચ જીતી છે અને 19 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, તેની વન ડેમાં જીતની ટકાવારી 74.34 ટકા છે, બીજી તરફ ટી-20 મેચમાં તેની કેપ્ટન્સીમાં ભારતે 22માંથી 12 મેચ જીતી છે અને 9 મેચ હારી છે, જેમાં તેની જીતની ટકાવારી 57.14ની છે.