Gujarat Exclusive > દેશ-વિદેશ > ચીનને ઘેરવા અમેરિકા આતુર, ભારત સહિતના દેશો સાથે મળીને બનાવી રહ્યું છે રણનીતિ

ચીનને ઘેરવા અમેરિકા આતુર, ભારત સહિતના દેશો સાથે મળીને બનાવી રહ્યું છે રણનીતિ

0
73

વૉશિંગ્ટન: કોરોના મહામારી (Corona Pandemic)ને લઈને સમગ્ર વિશ્વમાં ચીન (China) ની છબી ખરડાઈ ગઈ છે. હવે વિશ્વના મોટાભાગના દેશો ચીનની વિરુદ્ધ ઉભા થઈ રહ્યાં છે. અમેરિકા સાથે પહેલાથી ચાલી રહેલા તનાવ વચ્ચે હવે ભારત સહિત અન્ય દેશો સાથે પણ ચીનનો તનાવ ઘણોં જ વધી ગયો છે. એવામાં ચીનની શાન ઠેકાણે લાવવા માટે અમેરિકા પોતાના મિત્ર દેશો સાથે મળીને એક યોજના પર કામ કરી રહ્યું છે.

હકીકતમાં ચીનને ઘેરવા માટે અમેરિકા ઈન્ડો-પેસિફિક રિઝન (Indo-Pacific Region)માં પોતાના મિત્ર દેશ ભારત, જાપાન અને ઑસ્ટ્રેલિયા સાથે મળીને NATO જેવું ગઠબંધન બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. આ મામલે ચારેય દેશો વચ્ચેની એક મહત્વની બેઠક ટૂંક સમયમાં દિલ્હીમાં મળે તેવી સંભાવના છે.

સાઉથ ચાઈના મૉર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ, અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ એક નિવેદનમાં કહ્યું હતું કે, અમારું ધ્યેય આ ચાર દેશોની સાથે અન્ય દેશોને એક કરીને ચીનના પડકારનો સામનો કરવાનો છે. ઈન્ડો-પેસિફિક રિઝનમાં સશક્ત સૈન્ય તંત્રની કમી છે. આ ક્ષેત્ર પાસે NATO કે યુરોપિયન યુનિયન જેવું કોઈ મજબૂત સંગઠન નથી.

યુએસ-ઈન્ડિયા સ્ટેટેજિક પાર્ટનરશિપ ફોરમને સંબોધિત કરતા ભારતમાં અમેરિકાના પૂર્વ રાજદૂત રહેલા રિચર્ડ વર્મા સાથે ઓનલાઈન ચર્ચા દરમિયાન પોમ્પિયોએ કહ્યું કે, આ પ્રકારનું ગઠબંધન ત્યારે જ શક્ય બનશે, જ્યારે બીજા દેશો અમેરિકા જેટલા પ્રતિબદ્ધ હશે.

આ પણ વાંચો: ગુજરાતમાં વિરોધની અનોખી રીત: ખેતરોમાં ભરાયેલા પાણીમાં તરણ સ્પર્ધાનું આયોજન

માલાબાર નૌસેના અભ્યાસથી ચીનને પડકાર
જણાવી દઈએ કે, અમેરિકા ઈન્ડો-પેસિફિક રિઝનમાં માલાબાર નૌસેના અભ્યાસ મારફતે પણ ચીન પર દબાણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. કારણ કે, આ સૈન્ય અભ્યાસમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા પહેલાથી જ સામેલ છે. આ સૈન્ય અભ્યાસનો હેતું ચીનની વધતી જતી આક્રમક્તા પર અંકૂશ મેળવવા માટે અને ઈન્ડો-પેસિફિક રિઝનમાં શાંતિ સ્થાપવા માટે છે.

માલાબાર નૌસેના અભ્યાસની શરૂઆત 1992માં અમેરિકા અને ભારત વચ્ચે થઈ હતી. જે બાદ 2015માં આ યુદ્ધ અભ્યાસમાં જાપાન પણ સામેલ થયું હતું. અગાઉ 2007માં એક વખત ઑસ્ટ્રોલિયા પણ ભાગ લેવાનું હતુ. જો કે ત્યારે ચીને ઓસ્ટ્રેલિયા પર દબાણ વધારવા માટે વેપાર ઓછો કરવાની ધમકી આપી હતી. જે બાદ ઓસ્ટ્રેલિયા તેમાંથી પાછળ હટી ગયું હતું. જો કે હવે કોરોના મહામારીને લઈને ઓસ્ટ્રેલિયાએ પણ ચીન સામે બાંયો ચઢાવી છે.

માલાબાર યુદ્ધાભ્યાસમાં 2007માં એક વખત સિંગાપુર પણ ભાગ લઈ ચૂક્યું છે. હવે ક્વાડ્રીલેટરલ સિક્યોરિટી ડાયલૉગ (ક્વાડ) દેશોમાં વિયતનામ, સાઉથ કોરિયા અને ન્યૂઝીલેન્ડને પણ સામેલ કરવામાં આવે તેની અટકળો થઈ રહી છે.