Gujarat Exclusive > દેશ-વિદેશ > ટ્રમ્પના જૂઠ પર સંસદમાં સરકારનું નિવેદન,મોદીએ કાશ્મીર મધ્યસ્થતા માટે નથી કહ્યું

ટ્રમ્પના જૂઠ પર સંસદમાં સરકારનું નિવેદન,મોદીએ કાશ્મીર મધ્યસ્થતા માટે નથી કહ્યું

0
342

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મામલે જે નિવેદન કર્યુ છે તેને લઇને સંસદમાં હંગામો થયો હતો. મંગળવાર સવારે કોંગ્રેસ તરફથી રાજ્યસભા અને લોકસભા બન્ને જગ્યાએ આ મામલાને ઉઠાવવામાં આવ્યો હતો. આ વચ્ચે વિદેશ મંત્રી એસ.જયશંકરે આ મામલે ઓફિશિયલ નિવેદન આપ્યુ છે, તેમણે કહ્યું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મુદ્દો છે, જેની પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કોઇ મધ્યસ્થતાની રજૂઆત કરવામાં આવી નથી.

રાજ્યસભામાં વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇને જે દાવો કર્યો છે તે ખોટો છે, પીએમ મોદીએ આ રીતની કોઇ માંગ નથી કરી, તેમણે કહ્યું કે હું સદનને વિશ્વાસ અપાવુ છુ કે આ દાવો પુરી રીતે ખોટો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થતાની કરી હતી રજૂઆત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘મધ્યસ્થતા’ની રજૂઆત કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે પ્રથમ વખત મુલાકાત કરી હતી જ્યાં બન્ને નેતાઓએ કેટલાક મુદ્દે ચર્ચા કરી હતી. બીજી તરફ ભારત સરકારે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના તે ચોકાવનારા દાવાને નકારી દીધો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કાશ્મીર પર મધ્યસ્થતા કરવા કહ્યું હતું.

વિપક્ષનો વોકઆઉટ

રાહુલ ગાંધીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે જો ટ્રમ્પનો દાવો સાચો છે તો વડાપ્રધાન મોદીએ ભારતના હિત અને 1972ના શિમલા સમજૂતીનો વિશ્વાસઘાત કર્યો છે.

રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યુ, એક નબળા વિદેશ મંત્રાલયનું ખંડન ઘણુ નથી, પીએમે રાષ્ટ્રને જણાવવુ જોઇએ કે ટ્રમ્પ અને તેમની વચ્ચે બેઠકમાં શું થયુ હતુ.


વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કર્યુ, ‘અમે અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા પ્રેસને આપેલા નિવેદનને જોયુ છે જેમાં કહ્યું છે કે જો ભારત અને પાકિસ્તાન અનુરોધ કરે છે તો તે કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતા માટે તૈયાર છીએ.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિને આ રીતનો કોઇ અનુરોધ કર્યો નથી.’ રવીશ કુમારે કહ્યું, ‘ભારતનું સતત આવુ જ વલણ રહ્યું છે કે પાકિસ્તાન સાથે તમામ લંબિત મુદ્દા પર માત્ર દ્વિપક્ષીય ચર્ચા થશે. પાકિસ્તાન સાથે કોઇ પણ વાતચીત માટે સરહદ પાર આતંકવાદ પર રોક જરૂરી હશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તમામ મુદ્દે સમાધાન માટે શિમલા સમજૂતી અને લાહોર મેનિફેસ્ટોના અનુપાલનનું આધાર હશે.’

ટ્રમ્પના નિવેદન પર વ્હાઇટ હાઉસે કરવી પડી સ્પષ્ટતા

કાશ્મીરમાં મુદ્દા પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે નિવેદન આપ્યુ છે તે અમેરિકા માટે મુસીબત બની ગયુ છે. પહેલા અમેરિકન વિદેશ મંત્રાલય તરફથી નિવેદન આવ્યુ અને હવે વ્હાઇટ હાઉસે પણ તેની સ્પષ્ટતા કરવી પડી છે. વ્હાઇટ હાઉસ તરફથી કહેવામાં આવ્યુ છે કે કાશ્મીર મામલો ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સમસ્યા છે, માટે આ સમસ્યા બન્ને દેશ વાતચીત દ્વારા સુલજાવી શકે છે.

ટ્રમ્પે દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદીએ તેમને કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવા કહ્યું હતું. અમેરિકન રાષ્ટ્રપતિએ દાવો કર્યો કે મોદી અને તેમને ગત મહિને જાપાન અને ઓસાકામાં જી-20 શિખર સમ્મેલનમાં કાશ્મીર મુદ્દા પર ચર્ચા કરી હતી જ્યાં ભારતીય વડાપ્રધાન મોદીએ તેમને કાશ્મીર પર ત્રીજા પક્ષની મધ્યસ્થતાની રજૂઆત કરી હતી. ટ્રમ્પે કહ્યું, ‘હું બે અઠવાડિયા પહેલા વડાપ્રધાન મોદી સાથે હતો અને અમે આ વિષય (કાશ્મીર) પર વાત કરી હતી. મોદીએ વાસ્તવમાં કહ્યું, ‘શું તમે મધ્યસ્થતા અથવા મધ્યસ્થ બનવા માંગશે?’ મે કહ્યું, ‘ક્યાં?’ (મોદીએ કહ્યું) ‘કાશ્મીર’. મોદીએ કહ્યું, ‘કારણ કે આ કેટલાક વર્ષથી ચાલી રહ્યું છે, મને આશ્ચર્ય છે કે આ કેટલા લાંબા સમયથી ચાલી રહ્યું છે.’ ટ્રમ્પે કહ્યું કે જો બન્ને દેશ કહેશે તો તે મદદ માટે તૈયાર છે.

ટ્રમ્પે ઓવલ ઓફિસમાં વડાપ્રધાન ઇમરાન ખાન સાથે પોતાની બેઠક દરમિયાન એક સવાલના જવાબમાં કહ્યું, ‘જો હું મદદ કરી શકુ છું, તો હું એક મધ્યસ્થ થવાનું પસંદ કરીશ. જો હું મદદ કરવા માટે કઇ પણ કરી શકુ છું, તો મને જણાવો’. ટ્રમ્પે કહ્યું, ‘મને લાગે છે કે તે (ભારતીય) તેને હલ થતા જોવા માંગશે, મને લાગે છે કે તમે (ઇમરાન ખાન) તેને હલ જોતા જોવા માંગશે. અને જો હું મદદ કરી શકુ છું, તો હું એક મધ્યસ્થ બનવાનું પસંદ કરીશ. આ થવુ જોઇએ…અમારી પાસે બે અવિશ્વસનીય દેશ છે જે હોશિયાર નેતૃત્વ સાથે ઘણા હોશિયાર છે, (અને તે) આ રીતની સમસ્યાનું સમાધાન નથી કરી શકતા પરંતુ જો તમે ઇચ્છો છો કે હું મધ્યસ્થતા કરૂ, તો હું આમ કરવા તૈયાર છું.’

ટ્રમ્પના ખુલાસા બાદ કોંગ્રેસે માંગ્યો જવાબ

ડોનાલ્ડ ટ્રમ્પના કાશ્મીર નિવેદન બાદ રાજકારણ ગરમાયુ છે.જમ્મુ-કાશ્મીરના માજી મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ હતું. ઉમર અબ્દુલ્લાએ લખ્યુ, ‘શું ભારત સરકાર ટ્રમ્પને જુઠા કહેશે કે પછી નીતિમાં બિન જાહેર ફેરફાર થઇ ગયો છે અને તે કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસ્થી માટે તૈયાર થઇ ગઇ છે.’

નટવરસિંહની ચેતવણી: નૉન ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બનશે તો પાર્ટીના થઈ જશે ટૂકડા