Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મંગળવારે અમદાવાદ રેલવે સ્ટેશને વધુ 16 યાત્રી કોરોના પોઝિટિવ મળી આવ્યા

મંગળવારે અમદાવાદ રેલવે સ્ટેશને વધુ 16 યાત્રી કોરોના પોઝિટિવ મળી આવ્યા

0
48
  • મંગળવારે ત્રણ ટ્રેનમાં આવેલાં 1782 મુસાફરોના ટેસ્ટ કરાયાં
  • કાલુપુર રેલવે સ્ટેશન પર દિવસ દરમિયાન  ટેસ્ટીંગની કામગીરી

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મધ્ય ઝોનના હેલ્થ વિભાગે આજે બીજા દિવસે પણ કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવતી ટ્રેનના મુસાફરોના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન આજે 1782 મુસાફરોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાંથી 16 મુસાફરોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમાંય સૈથી વધુ 13 કેસ અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસમાં આવેલા મુસાફરોના નીકળ્યાં હતા.

છેલ્લાં બે દિવસ હાથ ધરાયેલી ટેસ્ટીંગની કામગીરીમાં ગઇકાલે સોમવારે 33 કેસો મળી આવ્યા હતા. આજે તેમાં 16 કોરોના પોઝિટિવ કેસોનો ઉમેરો થતાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 49 પર પહોંચ્યો છે. તેમાંય છેલ્લાં બે દિવસમાં ટ્રેઇનમાં શોધાયેલા કોરોના પોઝિટિવ કેસોમાં અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના મુસાફરોમાં જ વધુ જોવા મળ્યું છે.

અમદાવાદ શહેરમાં નોવેલ કોરાના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેસ્ટીંગ દરમિયાન પરપ્રાંતીય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝીટીવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં સમય ઘણો વ્યતીત થતો હોવાની સાથોસાથ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરતાં હોવાથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતીય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું.

ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા 396 પ્રવાસીના ટેસ્ટ

જેના ભાગરૂપે સોમવારથી અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ કામગીરી હાથ ધરી હતી. આજના બીજા દિવસે પણ આ કામગીરી યથાવત રાખી હતી. જેમાં રાજધાની સ્પેશ્યલ ટ્રેન મારફતે આવેલા 819 મુસાફરોમાંથી 13 પોઝિટિવ જણાયા હતા. તે જ રીતે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 396 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

તેમાં એક પણ કોરોના પોઝિટિવ કેસો મળ્યા ન હતા. જયારે મુઝફરપુર સ્પેશ્યલ ટ્રેન મારફતે આવેલા 577 પ્રવાસીઓની ચકાસણીમાં 3 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આમ સરવાળે કુલ 1782 મુસાફરોનું આજે દિવસ દરમિયાન ટેસ્ટીંગ કરાયું હતું. જેમાં 16 મુસાફરો કોરોના પોઝીટીવ નીકળ્યા હતા. આ મુસાફરોને મેડિકલ ટીમે તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. તેમ જ તેઓને જરૂરી તબીબી સારવાર અર્થે કોવિડ કેર સેન્ટર/ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.

380માંથી 32 માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ વિસ્તારો દૂર કરાયા

અમદાવાદ શહેરમાં 380 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો અમલમાં છે. તેમાંથી આજે ચર્ચા વિચારણાં બાદ 32 વિસ્તારોને દૂર કરવાનો નિર્ણય કરાયો હતો. જેથી આ 32 વિસ્તારો બાદ કરાતાં 348 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો રહ્યાં હતા. તેની સામે 20 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં ઉમેરાતાં આ આંકડો ફરી પાછો 368 પર પહોંચ્યો છે. જેમાં દક્ષિણ ઝોનમાં 4, ઉત્તર ઝોનમાં 3, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 6, તથા મધ્ય ઝોનમાં 2, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 2 તથા પૂર્વ વિસ્તારમાં 2 અને પશ્ચિમ ઝોનમાં 1 વિસ્તારનો સમાવેશ થાય છે.