Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ઊંઝા: ATMમાંથી ₹ 39.53 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

ઊંઝા: ATMમાંથી ₹ 39.53 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

0
696

ઊંઝા શહેરમાં આવેલ ભારતીય સ્ટેટ બેંકના ATM મશીનમાંથી રૂપિયા 39.53 લાખની રકમ ચોરી થઈ હતી. આ રકમ બેંકના અધિકૃત પાસવર્ડ અને ચાવીના આધારે ATM મશીનના કેશબોક્સને ખોલી ચોરી કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આ ચોરીની ઘટનાને કેશવાનના ડ્રાઇવરે જ અંજામ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ બાબતે ઊંઝા પોલીસે બેન્કના તમામ કર્મચારીઓની તપાસ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ATMમાં પૈસા ભરવા લઈ જતી કેશવાનના ડ્રાઇવર પર પોલીસને શંકા જતા પોલીસે તેની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં આખરે કેશવાનના ડ્રાઇવર અલ્કેશ ઠાકોરે ચોરીનો ગુનો કબુલ્યો હતો.

પોલીસ પૂછપરછમાં આરોપી અલ્કેશે જણાવ્યું કે, તેણે પોતાના બે મિત્રો કિરણ ઝાલા અને બકો દરબારની મદદ લઈને ATM મશીનની ડુપ્લીકેટ ચાવી અને પાસવર્ડથી અનલોક કર્યુ અને ત્યાર બાદ તેમાંથી રુપિયા 39.53 લાખની ચોરીને અંજામ આપ્યો. આ બાબતે પોલીસે બેંક સાથે ઉચાપત કરવાના ગુનામાં ડ્રાઇવર સહિત 3 શખ્સોની ધરપકડ કરી રુપિયા 34.65 લાખની રોકડ રકમ રિકવર કરી છે. આરોપીઓએ આ ગુનાહિત કૃત્ય શા માટે કર્યુ તે વિશે પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.

અમદાવાદ: દરિયાપુરનો નામચીન બુટલેગર પોલીસ જાપ્તામાંથી ફરાર