Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સરકારનો તઘલકી નિર્ણય: “શિક્ષક હવે સાયકલ શોધશે”, આમાં કેવી રીતે ભણશે ગુજરાત ?

સરકારનો તઘલકી નિર્ણય: “શિક્ષક હવે સાયકલ શોધશે”, આમાં કેવી રીતે ભણશે ગુજરાત ?

1
2962

હિતેશ ચાવડા, ગાંધીનગર: રાજ્ય સરકારની પ્રાથમિક શિક્ષણની કથળતી સ્થિતિ સામે આવી છે જેમાં બહાર આવ્યું છે કે 11 વર્ષમાં 6.17 લાખ બાળકો સરકારી સ્કૂલો છોડી ખાનગી સ્કૂલોમાં ચાલ્યા ગયા જેનું કારણ છે સરકારી સ્કૂલોમાં શિક્ષકો પર શિક્ષણ સિવાયના અન્ય સરકારી કામોનું ભારણ. આવા જ નિર્ણયોમાં વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો એક તઘલકી નિર્ણય સામે આવ્યો છે જેમાં શિક્ષકોને યોજનાની સાયકલો શોધવાનું ફરમાન કરવાનું જણાવવામાં આવ્યું છે એટ્લે હવે શિક્ષકો ઘરે ઘરે યોજનાની સાયકલોની ભાળ કાઢવા જશે.

હવે સરકારની વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ સરસ્વતી સાધના યોજના હેઠળ સ્કૂલમાં અભ્યાસ કરતી છોકરીઓને આપવામાં આવેલી સાયકલો વિષે માહિતી માંગી છે અને જે છેલ્લા 10 વર્ષમાં, વર્ષ 2009-10 થી વર્ષ 2018-19 સુધી આપવામાં આવેલ સાયકલો વિષે કયારે આપવામાં આવી, ક્યારે વિતરણ કરી, હાલ ચાલુ છે, અને કઈ સ્થિતિમાં છે તેના સંદર્ભે માહિતીનો હુકમ કર્યો છે જેના અન્વયે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ધ્વારા જિલ્લાઑના તમામ આચાર્યોને એક પત્ર પાઠવવામા આવ્યો છે જેમાં લખ્યું છે કે 04/06/2019ના રોજ જાહેર હિસાબ સમિતિ, વિધાનસભાની બેઠક મળી હતી જેમાં વિના મૂલ્યે અપાતી સાયકલ યોજના(સરસ્વતી સાધના યોજનાની માહિતી પૂરી પાડવી, જેમાં સદર યોજના અંતર્ગત છેલ્લા 10 વર્ષમાં શાળા કક્ષાએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ થતા આર્થિક રીતે પછાત વર્ગની વિધાર્થિનીઓને જે સાયક્લો આપી છે તેની સંપૂર્ણ માહિતી જેવી કે શાળા કક્ષાએ ક્યારે સાયકલો મળી, લાભર્થીઓને ક્યારે સાયકલો વિતરણ કરી તથા લાભાર્થીઓએ એનો કેટલો સમય ઉપયોગ કર્યો છે ? આજે એ સાયકલ ક્યાં છે ? એનો ઉપયોગ ચાલુ છે ? જે સ્થિતિ હોય તે માહિતી મોકલી આપવી જે આચાર્યોએ અંગત રસ લઈને 10 વર્ષની માહિતી તાત્કાલિક 2 દિવસમાં સોફ્ટકોપીમાં ઇ-મેઈલ કે DVD મારફતે મોકલી આપવી.

એક આચાર્યએ જણાવ્યા મુજબ દસ વર્ષ જૂની સાયકલો છોકરીઑ ભણી ગઈ હોય અને લગ્ન કરીને સાસરે પણ જતી રહી હોય કે જેને 9માં ધોરણમાં સાયકલ આપવામાં આવી હોય. લગ્ન પછીએ 4-5 વર્ષ જૂની સાયકલ લઈને સાસરે તો જવાની નથી તો પાંચ વર્ષ પછી કાટ ખાઈ ગયેલી સાયકલ ઘરે રાખે પણ નહિ તો આ સ્થિતિમાં 10 વર્ષ જૂની સાયકલનો શિક્ષક ક્યાંથી લાવે.

શિક્ષકોને શાળાઓમાં શિક્ષણ સિવાય ચૂંટણીમાં BLO તરીકેનું કામ, ચૂંટણીનું કાર્ડ, આધાર કાર્ડનું કામ, નામ સુધારવાની કામગીરી, વસ્તી ગણતરીનું કામ કરવાનું, બાળકોને બેન્ક એકાઉન્ટ ખોલાવી આપવાના, ડ્રોપ આઉટ બાળકોની માહિતી ભેગી કરવાની જેવી કામ કરતાં હોય છે જે શિક્ષણ સિવાયના ઈતર સરકારી કામો છે જેને શિક્ષણ સાથે સીધો સબંધ નથી અને એના કારણે શિક્ષકોને બાળકોના શિક્ષણ માટે ઓછો સમય ફાળવી શકે છે અને બાળકોના શિક્ષણના ભોગે સરકાર આ બધી પ્રવૃતિઓ કરાવે છે જેના કારણે બાળકોના વાલીઓ બાળકોને ખાનગી શાળાઓ તરફ ધકેલે છે.

કેન્દ્રની મોદી સરકારની ગુજરાતને થપ્પડ, ગુજરાતે માંગેલી ગ્રાન્ટમાં કરોડો રૂપિયાનો કાપ!