Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં 60.5 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેને ઝડપાયાઃ ઈમ્તિયાઝ મુખ્ય સપ્લાયર

સુરતમાં 60.5 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેને ઝડપાયાઃ ઈમ્તિયાઝ મુખ્ય સપ્લાયર

0
51
  • સુરતના યુવાનોનું ભવિષ્ય બગાડનાર ડ્રગ્સ ખેરખાઓની હવે ખેર નથી
  • સુરત પોલીસ દ્વારા નશાયુક્ત અને માદક પદાર્થો સામે શરૂ થયેલી ચળવળ

સુરતઃ સુરતમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ(Drugs)નું વેચાણ કરી યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનું ખતરનાક કામ કેટલાક લોકો કરી રહ્યા છે, આવા લોકો સામે જ્યાંથી નવા પોલીસ કમિશ્નર (Police commissioner) અજય કુમાર તોમર આવ્યા છે ત્યારથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ડીંડોલી વિસ્તારમાંથી નશાયુકત એફેડ્રોન નામના પ્રતિબંધિત ડ્રગ્સ સાથે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

ડ્રગ્સ સામે સક્રિય બનતી સુરત પોલીસ

સુરતમાં સતત ડ્રગ્સની હેરાફેરી કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, નવા પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા સુરત શહેર વિસ્તારમાં યુવાધનને નશાના રવાડે ન ચડે તથા નશાયુકત પદાર્થનું વેચાણ અટકાવવા ઉપરાંત આવી ગેરકાયદેસરની પ્રવૃતિ સાથે જોડાયેલા લોકો વિરૂધ્ધ કેસો શોધી કાઢવા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.

ક્યાંથી વિગતો મળી

આના ભાગ રૂપે એસ.ઓ.જી.ના  ASI દિપસિંહ કાનજીભાઈને બાતમી મળી હતું કે ડીંડોલી રામપાર્કની સામે રીઝન્ટ પ્લાઝાના બીજા માળ પર આવેલી દુકાન નં .249 “ એ.જે. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની દુકાનમાં ડ્રગ્સ રાખવામાં આવ્યું છે, જેને આધારે દરોડા પાડી  દેબઆશીષ ઉર્ફે સન્ની અજીત ચૌધરી ( ઉ.વ .40 રહે.રૂમ નં .603 બિલ્ડીંગ નં.જી સુમન શ્વેત એસ.એમ.સી. આવાસ વી.આર. મોલની પાછળ ડુમસ રોડ ઉમરા સુરત અને અનિલ કાલુરામ પ્રજાપતિ ( ઉ.વ .32 રહે . ઘર નં.બી / 222 મીરાનગર સોસા . ઝાંસીની રાણી ગાર્ડન સામે ઉધના ગામ સુરત મુળ વતન ગામ ગલવા તા.રાયપુર જી.ભીલવાડા ( રાજસ્થાન ) ની અટકાયત કરી શોધખોળ કરવામાં આવી હતી.

કયુ પ્રતિબંધિત ડ્રગ્સ મળ્યુ

આ તપાસ દરમિયાન પ્રતિબંધિત એફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. એસઓજી(SOG)ને 3,02,500ની કિંમતનું 60.5 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. પૂછપરછમાં ડ્રગ્સનો જથ્થો ઈમ્તિયાઝ ઉર્ફે લાલા ફિરોજ મલેક (રહે જુની બુરહાની હોસ્પિટલની પાછળ તૈયબી મહોલ્લો ઝાંપાબજાર મહિધરપુરા સુરત) દ્વારા આપવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધમાં NDPS એકટ મુજબ ગુનો નોંધી ડીંડોલી પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી માટે આરોપીઓની કસ્ટડી આપી હતી.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે લાલા ફિરોજ મલેક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તે અગાઉ પણ ડ્રગ્સના રેકેટમાં ઝડપાઇ ચુક્યો છે. ઈમ્તિયાઝ વર્ષ 2019 માં 39 ગ્રામ ડ્રગ્સ સાથે પકડાયો હતો. હાલમાં તે પુણા પોલીસની કસ્ટડીમાં છે, એસ.ઓ.જી. એ તેની પુણા પોલીસ સ્ટેશનની હદમાંથી 100 ગ્રામ ડ્રગ્સના જથ્થા મળી આવવાના કેસમાં ધરપકડ કરી હતી.