Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતની સુમુલ ડેરીનું સુકાન માનસિંહ પટેલના હાથમાં,  રાજુ પાઠક ઉપપ્રમુખ

સુરતની સુમુલ ડેરીનું સુકાન માનસિંહ પટેલના હાથમાં,  રાજુ પાઠક ઉપપ્રમુખ

0
114
  • ભાજપના જ બે આગેવાનો સામ-સામે હોવાથી છેવટે કુલડીમાં ગોળ ભંગાયો
  • આદિવાસીને ડેરીના પ્રમુખ બનાવવાની માંગની અવગણના કરવામાં આવી
  • પ્રમુખ-ઉપપ્રમુખ બંનેને 8-8 બેઠક મળતા રસાકસીનો માહોલ સર્જાયો હતો

સુરતઃ સુરતની 4,500 કરોડનો વહીવટ ધરાવતી સુમુલ ડેરી (Sumul Dairy) પર કોનું રાજ હશે તેના પરથી પડદો આજે બપોરે ઊંચકાઈ ગયો છે, ભાજપ પ્રદેશ મોવડી મંડળના આદેશ બાદ સુમુલનાં ચેરમેન અને વાઈસ ચેરમેન પદ કોણે મળે તે માટે સુરત સર્કિટ હાઉસ ખાતે એક બેઠક મળી હતી, જેમાં પૂર્વ ચેરમેન અને પૂર્વ સાંસદ માનસિંહ પટેલ(Mansingh Patel)ને પ્રમુખ (President) તરીકે જાહેર કરવામાં આવ્યા હતાં, જ્યારે તેમની સામેના જૂથના અને વર્તમાન પ્રમુખ રાજુ પાઠક(Raju pathak) ને ઉપપ્રમુખ (Vice president) બનાવાયા હતા. સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદારો સમાન સુરતની સુમુલ ડેરીનો વહીવટ કોના હાથમાં આવશે, તેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી મથામણ ચાલી રહી હતી.

આ પણ વાંચોઃ TRB જવાનો પાસેથી સુરત પોલીસનું ત્રણ કરોડનું ઉઘરાણું? નવા નિયમોથી રોષ

ભાજપના જ બે આગેવાનોને એકસરખી 8-8 બેઠક મળી

ગત 7 ઓગસ્ટે સુમુલના ડિરેક્ટર્સની ચૂંટણી થઇ હતી, જેમાં વર્તમાન ચેરમેન રાજુ પાઠકના સત્તાધારી પેનલ અને પૂર્વ ચેરમેન અને પૂર્વ સાંસદ માનસિંહ પટેલની સહકાર પેનલને 8-8 એટલે કે એક સરખી બેઠકો મળી હતી. આમ બંનેને સરખી બેઠક મળતાં ભારે રસાકસીનો માહોલ સર્જાયો હતો. ત્યાર બાદ સ્ટેટ રજિસ્ટ્રારે સરકાર નિયુક્ત પ્રતિનિધિઓ નીમવા 2 નામો માંગતાં માનસિંહ જૂથ તરફથી 2 નેતા નામ આગળ કરાયા હતા.  વિરોધ વચ્ચે પણ આ બંને નામોને મંજૂરી મળી હતી.

હાઇકોર્ટમાં શું થયું

જોકે સરકારી પ્રતિનિધિઓની ડેરીમાં ચૂંટણી અને મતના હકને મામલો હાઈકોર્ટમાં લઇ જવામાં આવ્યો હતો. હાઈકોર્ટમાં ચાલેલી સુનાવણી બાદ 2 સરકારી પ્રતિનિધિઓના મત અલગ જ્યારે ચૂંટાયેલા 16 ડિરેક્ટર્સ, 2 એનડીડીબીના પ્રતિનિધિ અને 1 મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પ્રતિનિધિ એમ કુલ 19 મતોને અલગ કવરમાં સીલ બંધ રાખવાનો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ દ.ગુજરાતના ઉદ્યોગપતિઓને રોકાણ માટે સા.આફ્રિકાના કોન્સ્યુલ જનરલનું આમંત્રણ

હાઇકમાન્ડ કેમ સક્રિય થયું
આજે બપોરે સુમુલ ડેરી ખાતે ચેરમેન અને વાઈસ ચેરમેન ચૂંટણી માટે મતદાન થવાનું હતું, જોકે ભાજપના જ બે નેતાઓ આમને સામને હોવાના કારણે મોવડી મંડળ તરફથી નામની જાહેરાત કરવાનું કહેવામાં આવ્યું હતું. અહીં મહત્વનું એ પણ હતું કે આદિવાસી ચેરમેન બને તેવી માંગણી સતત કરવામાં આવી રહી હતી, ત્યારે આજે ચૂંટણી થાય તે પહેલા સુરત સર્કીટ હાઉસમાં ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર​​​​, સરકારના​ મંત્રી ગણપત વસાવાની અધ્યક્ષતામાં બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ તરીકે રાજુ પાઠકનું નામ જાહેર કરાયું હતું.

નવા ચેરમેને શેની ખાતરી આપી
ચેરમેન તરીકે જાહેર થયેલા માનસિંહ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ પ્રદેશની સૂચનાથી ચેરમેન અને વાઈસ ચેરમેનના નામોની જાહેરાત કરવામાં આવી છે. મને અગાઉ પણ ચેરમેન તરીકેનો અનુભવ છે, જેથી પશુપાલકોના જે મહત્વના વિકાસના કામો કરવાના છે તે કરવામાં આવશે. આ ઉપરાંત પશુપાલકોના પડતર પશ્નોના નિકાલ કરાશે. પશુપાલકો માટે યોજનાઓનો ચોક્સાઈથી અમલ કરી તેનો આર્થિક ફાયદો તેમને મળે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાતના 4567 ગામના આદિવાસીઓ સાથે ભાજપ સરકારે કર્યો અન્યાય : આમુ સંગઠન

વાઈસ ચેરમેન તરીકે જાહેર થયેલા રાજુ પાઠકે કહ્યું હતું કે ચૂંટણીમાં ભલે એક બીજા સામે લડતા હોવ પણ અમે એક જ પરિવારના સભ્ય છીએ, જેથી સુમુલ ડેરીના વિકાસની જે જવાબદારી આપવામાં આવી છે, તે અમે સાથે મળીને નિભાવીશું. ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારનું કહેવું હતું કે સુમુલ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરો સાથે ચર્ચા કરવામાં આવી હતી. તમામ બાબતોની પાર્ટીના મોવડી મંડળને જાણ કરવામાં આવી હતી. તમામ બાબતોને તપાસી માનસિંહ પટેલને પ્રમુખ અને રાજુ પાઠકને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. બંને નેતા અમારા પરિવારના સભ્ય છે, અને બંને સાથે મળીને સુમુલ ડેરી અને પશુપાલકોનો વિકાસ કરશે.