Gujarat Exclusive > દેશ-વિદેશ > લોન EMIમાં રાહતનો કેસઃ સુપ્રીમ કોર્ટની લોનધારકોને 28 સપ્ટેમ્બર સુધી રાહત

લોન EMIમાં રાહતનો કેસઃ સુપ્રીમ કોર્ટની લોનધારકોને 28 સપ્ટેમ્બર સુધી રાહત

0
75
  • લોન ડિફોલ્ટરોની એનપીએ ઘોષિત ન કરવાનો વચગાળાનો આદેશ જારી રહેશે
  • 28મી સપ્ટેમ્બર સુધી હપ્તા ન ચૂકવનારને ડિફોલ્ટર નહી જાહેર કરાય
  • એનપીએમાં જંગી રકમ જતી કરનારી બેન્કોને વ્યાજનું વ્યાજ લેવુ છેઃ સુપ્રીમ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે (Supreme court) લોન (Loan) ઇએમઆઇ(EMI)માં માફીની સુનાવણી કરતા જણાવ્યું હતું કે આ મામલાને વારંવાર ટાળવામાં આવે છે. હવે આ મામલાની સુનાવણી માટે બધા પોતાનો જવાબ દાખલ કરે અને મજબૂત યોજના સાથે કોર્ટમાં બે સપ્તાહમાં આવે.

તેની સાથે કોર્ટે જણાવ્યું હતું કે 31 ઓગસ્ટ સુધી એનપીએ (NPA) ન થયેલા લોન ડિફોલ્ટરોને (Defaulter) એનપીએ ઘોષિત ન કરવાનો વચગાળાનો આદેશ જારી રહેશે. સુપ્રીમ કોર્ટે જવાબ દાખલ કરવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. તેની સાથે તેણે જણાવ્યું હતું કે 28મી સપ્ટેમ્બર સુધી લોનને એનપીએ ગણવામાં નહીં આવે.

કેન્દ્રએ સુનાવણીમાં કોર્ટને શું જણાવ્યું

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે (Central government)કોર્ટને જણાવ્યું છે કે ઉચ્ચસ્તરે વિચાર થઈ રહ્યો છે. રાહત માટે બેન્કો અને અન્ય હિતધારકો વચ્ચે બેથી ત્રણ તબક્કાની બેઠક થઈ ચૂકી છે અને તકલીફોની વિગત મેળવાઈ રહી છે.

કેન્દ્રએ બે સપ્તાહનો સમય માંગ્યો હતો, તેના પર કોર્ટે જણાવ્યું હતું કે બે અઠવાડિયામાં શું થવાનું છે. તમારે બધા ક્ષેત્રો માટે કંઇક કરવુ પડશે, વિડીયો કોન્ફરન્સ દ્વારા મામલાની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમ આર શાહની ત્રણ સભ્યોની બેન્ચે સુનાવણી કરી હતી.

અરજદારોની રજૂઆત

છેલ્લી સુનાવણી વખતે અરજદારો તરફથી કહેવામાં આવ્યું હતું કે લોન રાહતનો નિર્ણય લેનારાઓને બેવડો માર પડી રહ્યો છે, કેમકે તેમણે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવુ પડી રહ્યુ છે. વ્યાજ પર વ્યાજ વસૂલવા માટે બેન્કો અમારી પર દબાણ લાવી રહી છે અને ન ચૂકવાય તો તેને નાદારી માની રહી છે. આ અમારા તરફથી નાદારી નથી. બધા ઉદ્યોગધંધા બેસી ગયા છે, પરંતુ રિઝર્વ બેન્ક ઇચ્છે છે કે બેન્કો કોરોના કાળમાં નફો કમાય.

તેની સાથે અરજદારો તરફથી કહેવાયું હતું કે રિઝર્વ બેન્ક દેશમાંથી કરોડો રૂપિયા લૂંટાઈ બહાર જતા રહ્યા ત્યારે ન જાગ્યુ. રિઝર્વ બેન્ક બેન્કોની નિયમનકાર છે, તેની એજન્ટ નથી.  વ્યાજ પર વ્યાજ એકદમ ખોટી બાબત છે. તેને ચાર્જ ન કરી શકાય.

ક્રેડાઈનું વલણ

રિયલ એસ્ટેટ ડેવલપર્સ માટે ક્રેડાઇએ જણાવ્યું હતું કે વ્યાજ પર વ્યાજ વસૂલવાથી એનપીએમાં વૃદ્ધિ થઈ શકે છે. હવે જો વ્યાજ માફ ન કરી શકાય તો ઓછામાં ઓછું તે સ્તરે ઓછું કરાય જેથી જમા કર્તાઓને ચૂકવણી કરી શકાય. આમ તેમને કમસેકમ છ મહિનાની રાહત આપી શકાય.

વાસ્તવમાં કેન્દ્ર સરકાર તરફથી રજૂઆતમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં સોગંદનામુ ફાઇલ કરી જણાવ્યું હતું કે લોન મોરેટોરિયમ બે વર્ષ માટે વધી શકે છે. પરંતુ આ અમુક સેક્ટરોને જ આપવામાં આવશે. મહેતાએ કોર્ટમાં તે સેક્ટરોની યાદી આપી છે જેમા તેને આગળ રાહત આપી શકાય છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કેન્દ્ર કાર્યવાહી કરી શકે

છેલ્લી સુનાવણીમાં લોકડાઉન પીરિયડમાં લોન મોરેટોરિયમના મામલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રની ઝાટકણી કાઢતા વ્યાજ માફી અંગે સાત દિવસમાં સોગંદનામુ કરી પરિસ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યુ હતુ.

કોર્ટે જણાવ્યું હતું કે લોકોની પરેશાનીઓની ચિંતા છોડીને તમે ફક્ત બિઝનેસ અંગે વિચારી ન શકો. સરકાર રિઝર્વ બેન્ક(RBI)ના નિર્ણયો પાછળ પોતાને છૂપાવે છે, જ્યારે તેની પાસે પોતે નિર્ણય લેવાનો અધિકાર છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ સરકાર બેન્કોને વ્યાજ પર વ્યાજ વસૂલતા રોકી શકે છે. અદાલતે ટિપ્પણી કરી હતી કે બેન્ક હજારો કરોડ રૂપિયા એનપીએમાં નાખી દે છે, પરંતુ થોડા મહિના માટે ટાળવામાં આવેલી ઇએમઆઇ પર વ્યાજ વસૂલવા ઇચ્છે છે.