Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > ટેલિકોમ કંપનીઓને AGR ચૂકવવા દસ વર્ષનો સમય આપતી સુપ્રીમ કોર્ટ

ટેલિકોમ કંપનીઓને AGR ચૂકવવા દસ વર્ષનો સમય આપતી સુપ્રીમ કોર્ટ

0
77
  • સુપ્રીમ કોર્ટના નિર્ણયના લીધે વોડાફોનને હવે તાળા નહીં વાગે
  • કેન્દ્રએ ટેલિકોમ કંપનીઓ માટે 20 વર્ષની રાહત માંગી હતી

નવી દિલ્હીઃ એજીઆર (AGR)ની બાકી નીકળતી રકમની ચૂકવણીના મુદ્દે સુપ્રીમ કોર્ટે (Supreme court) છેવટે ટેલિકોમ કંપનીઓ (telecom companies) માટે રાહત ભર્યો નિર્ણય લેતા તેમને દસ વર્ષ આપ્યા છે. તેઓએ હવે દસ વર્ષના સમયગાળામાં કેન્દ્રને 1.5 લાખ કરોડની રકમની ચૂકવણી કરવાની રહેશે.

ન્યાયાધીશ અરુણ મિશ્રાની આગેવાની હેઠળની બેન્ચે આ રકમ હપ્તામાં જમા કરાવવા અને 2031 સુધીમાં બાકી નીકળતી રકમ જમા કરાવવા કહ્યુ છે. કેન્દ્રએ કોર્ટને વિનંતી કરી હતી કે તેઓને 20 વર્ષ આપવામાં આવે, પરંતુ કોર્ટે ટેલિકોમ કંપનીઓને દસ વર્ષ આપ્યા છે.

આ પણ વાંચોઃ ભારતનો GDP ઘટીને -23.9%: ચાર દાયકાનો તીવ્ર ઘટાડો નોંધાયો

કોર્ટે જણાવ્યું હતું કે ટેલિકોમ કંપનીઓએ વર્તમાન નાણાકીય વર્ષના અંતે તેમની બાકી નીકળતી રકમના દસ ટકા રકમ ચૂકવવાની રહેશે. કોર્ટે કોરોનાના કારણે તેમને પહેલો હપ્તો ચૂકવવા માટે 31 માર્ચ 2021 સુધીનો સમય આપ્યો છે.

કોર્ટે આ સાથે તે સ્પષ્ટતા કરી છે કે આ હપ્તાની ચૂકવણીમાં કોઈપણ પ્રકારની નાદારી નોંધાઈ તો ટેલિકોમ કંપનીઓએ ફક્ત કોર્ટનો તિરસ્કાર જ નહી પરંતુ વિલંબિત ચૂકવણી માટે પેનલ્ટી પણ ચૂકવવી પડશે.

કોર્ટે આ ઉપરાંત ઇન્સોલ્વન્સીમાં ગયેલી કંપનીના સ્પેકટ્રમ વેચી શકાય તે કોઈ ચુકાદો આપવા ઇન્કાર કર્યો છે અને આ વાત એનસીએલએટી પર છોડી દેવાનું કહ્યું છે. જો કે કોર્ટના ચુકાદા છતાં પણ વોડાફોન આઇડિયાનો શેર 16.68 ટકા ઘટીને 8.49 થયો હતો. તે ગઇકાલે 10.19 પર બંધ આવ્યો હતો. તેનાથી વિપરત ભારતી એરટેલનો શેર 4.80 ટકા ઉચકાઈને 538.60 થયો હતો, જે ગઈકાલે 513.95 પર બંધ આવ્યો હતો.

આ પણ વાંચોઃ corona Effect: દેશમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ હજુ પણ બંધ જ રહેશે

સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના પગે વોડાફોન આઇડિયાને હાલમાં તાળા વાગતા બચી ગયા છે. આમ હાલમાં આ કંપનીના અસ્તિત્વને કોઈ વાંધો આવે તેમ નથી. તેના પગલે કંપનીના દસ હજાર કર્મચારીઓ પર જોબ લોસની લટકતી તલવાર બંધ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે જો કોર્ટે આ મામલે આકરુ વલણ અપનાવ્યું હોત તો વોડાફોન આઇડિયાને રીતસરના તાળા મારવાનો સમય આવ્યો હોત, પરંતુ કોર્ટે કંપનીની વર્તમાન સ્થિતિ અને કોરોનાના વર્તમાન સમયગાળાને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું આકરું પગલું લેવાનું ટાળ્યુ છે, જો કે તેણે કેન્દ્રને કંપનીઓને એજીઆર ચૂકવવા 20 વર્ષનો લાંબો સમયગાળો આપવાની વિનંતીને પણ નકારી છે. જો કે દસ વર્ષ જેટલો લાંબો સમયગાળો મળવો પણ હાલના સંજોગોમાં ટેલિકોમ કંપનીઓ માટે ઘણી મોટી વાત છે.