Gujarat Exclusive > યુથ > મનોરંજન > જન્મદિન વિશેષ: રિલ લાઈફમાં વિલન સોનૂ સૂદ રિયલ લાઈફમાં ‘સુપર હીરો’

જન્મદિન વિશેષ: રિલ લાઈફમાં વિલન સોનૂ સૂદ રિયલ લાઈફમાં ‘સુપર હીરો’

0
55
  • સોનૂ સૂદ કેવી રીતે બન્યો ગરીબોનો ‘મસીહા’?

  • કોરોના મહામારી વચ્ચે સોનૂ પ્રવાસી મજૂરો માટે બન્યો ‘સંકટ મોચક’

  • જન્મદિને પ્રવાસી મજૂરોને રોજગારી અપાવવાની કરી જાહેરાત

મુંબઈ: રીલ લાઈફમાં હંમેશા વિલન તરીકેના પોતાના અભિનયથી આગવી ઓળખ ઉભી કરનાર સોનૂ સૂદ રિયલ લાઈફમાં લાખો લોકો માટે “મસીહા” સાબિત થઈ રહ્યો છે. કોરોનાના કપરા કાળમાં સોનૂ સૂદને (Sonu Sood) સોશિયલ મીડિયા પર સુપર હીરો (Super Hero)થી લઈને ભગવાન સુદ્ધા કહેવામાં આવી રહ્યું છે.

આટલું જ નહીં કેટલાકે તો પોતાની દુકાનોનું નામ જ સોનૂ સૂદના નામ પર રાખી દીધુ છે, તો કોઈકે સોનૂ સૂદની મૂર્તિ સ્થાપીને મંદિર બનાવવાની વાત કરી રહ્યું છે. આ બધી વાતોથી એક વાત સ્પષ્ટ છે કે, સોનૂ સુદનું કામ કોરાના કાળમાં દરેક જણના હ્રદયને અવશ્ય સ્પર્શી ગયું છે. સોનુ સુદ આજે પોતાનો 47મો જન્મદિન (Sonu Sood Birthday) ઉજવી રહ્યો છે, ત્યારે આપણે તેની જીવન સફર પર એક નજર દોડાવીએ…

સોનૂ સૂદનો જન્મ 30 જુલાઈ 1973માં થયો હતો. સોનૂનું બાળપણ પંજાબના મોંગા જિલ્લામાં વીત્યું હતું. અહીં જ તેણે પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. જે બાદ આગળવા અભ્યાસ તેમણે નાગપુરથી કર્યો. સોનૂએ એન્જિનિયરિંગનો અભ્યાસ પણ કર્યો છે. આ દરમિયાન એક્ટિંગમાં રુચિ વધતા તેણે મોડલિંગની શરૂઆત કરી હતે. સોનૂએ મિસ્ટર ઈન્ડિયા કૉન્ટેસ્ટમાં ભાગ પણ લીધો હતો.

આ પણ વાંચો:  ‘ચાલો ઘરે મૂકી જઉ..!’ પ્રવાસી મજૂરો માટે સોનુ સુદે લોન્ચ કર્યો હેલ્પલાઈન નંબર

સોનૂએ એક્ટિંગમાં પોતાની કારકીર્દીની શરૂઆત 1999માં આવેલી તમિલ ફિલ્મ “કલ્લાઝાગર”થી કરી હતી. સોનૂએ 2002માં બોલિવૂડમાં ફિલ્મ “શહીદ-એ-આઝમ”થી ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેણે શહીદ ભગત સિંહની ભૂમિકા ભજવી હતી.

સોનૂએ તમિલ, તેલુગુ, કન્નડ, હિન્દી અને પંજાબી ભાષાઓની ફિલ્મોમાં કામક ર્યું છે. સોનૂએ અનેક બૉલીવૂડ ફિલ્મો કરી છે, પરંતુ વર્ષ 2010માં સલમાન ખાન સાથે આવેલી તેની ફિલ્મ “દબંગ”થી તેને આગવી ઓળખ મળી હતી. “દબંગ”માં છેદીલાલના નેગેટિવ રોલના કારણે તેને આઈફા એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મમાં સોનૂએ વિલનની ભૂમિકા બખૂબી ભજવી હતી.

સોનૂ તનૂશ્રી દત્તા અને ઈમરાન હાશ્મી સાથે “આશિક બનાયા આપને”માં પણ કામ કરી ચૂક્યો છે. સોનૂએ ફિલ્મ “શૂટઆઉટ એડ વડાલા”અને “હૈપ્પી ન્યૂ યર”માં પણ સારૂ કામ કર્યું હતુ. આ ઉપરાંત સોનૂ સુષ્મિતા સેન સાથે ટીવી કૉમેડી શૉને પણ જજ કરી ચૂક્યો છે.

યુવા ફિલ્મમાં સોનૂના અભિનયની ભરપુર પ્રશંસા થઈ હતી. આ ઉપરાંત સોનૂએ “કહાં હો તુમ”, “જોધા અકબર”, “એક વિવાહ એસા ભી”, “દબંગ” અને “રમૈયા વસ્તાવૈયા” સહિતની ફિલ્મોમાં પણ ઉત્કૃષ્ઠ અભિનય કર્યો છે.

આ પણ વાંચો: સુશાંત બાદ વધુ એક અભિનેતાનો આપઘાત, ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં

‘સુપર હીરો’ સોનૂ સૂદ
કોરોનાના કપરા સમયમાં પ્રવાસી મજૂરોને પોતાના ઘરે પહોંચાડવામાં મદદ કરીને સોનૂ સોશિયલ મીડિયામાં છવાઈ ગયો હતો. કોરોનાના કપરા સમયમાં ગરીબોની મદદ કરનાર સોનૂ સોશિયલ મીડિયામાં મસીહા તરીકે ઓળખાવા લાગ્યો હતો. હાલ પણ સોનૂ જરૂરિયાતમંદોની મદદ કરવા માટે અગ્રેસર છે.

સોનૂએ પોતાની મદદનો વિસ્તાર વધારી દીધો છે. પહેલા જે સોનૂ માત્ર લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાના વતન પહોંચાડી રહ્યો હતો. તે હવે ખેડૂતોને ટ્રેક્ટર અપાવવાથી લઈને નોકરીઓ અપાવવા જેવા કામ પણ કરવા લાગ્યો છે.

તાજેતરમાં જ અભિનેતા અનુપમ શ્યામની મદદ માટે સોનૂ જ આગળ આવ્યો હતો. આ ઉપરાતં બિહારના એક શખ્સે ઘરે પહોંચ્યા બાદ સોનૂનું મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. જો કે એક્ટરે ઈન્કાર કરીને આ રૂપિયાથી કોઈ ગરીબની મદદ કરવાનું જણાવ્યું હતું.

પ્રવાસી મજૂરોને રોજગાર અપાવશે સોનૂ સૂદ
આજે જ્યારે સોનૂ પોતાનો જન્મદિન ઉજવી રહ્યો છે, ત્યારે આ અવસરે પણ તેણે પુણ્ય કમાવવાનું નક્કી કર્યું છે. સોનૂએ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે કે, હવે તેઓ પ્રવાસી મજૂરોને નોકરી અપાવવામાં મદદ કરશે. પૂરથી પ્રભાવિત બિહાર અને આસામમાં તેઓ પોતાના અભિયાનને વેગ આપવા જઈ રહ્યાં છે. આ અવસરે તેમણે 3 લાખ જેટલા પ્રવાસી મજૂરોને નોકરી અપાવવા માટે અભિયાન આદર્યું છે.

સોનૂ સૂદે પ્રવાસી રોજગાર (http://PravasiRojgar.com) નામે એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં તેણે અનેક મોટી કંપનીઓ સાથે કૉન્ટ્રાક્ટ કર્યો છે.

કહેવાય છે કે, સોનૂ હવે પોતાનો જન્મદિન નથી ઉજવતો. આવી પાછળ એક ખાસ કારણ છે. સોનૂએ એક ઈન્ટર્વ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, તેની માતાના અવસાન બાદથી તેણે પોતાનો જન્મદિન સેલિબ્રેટ કરવાનું બંધ કરી દીધુ છે. હવે પોતાના જન્મદિને સોનુ પોતાના ફ્રેન્ડ્સ અને પરિવાર સાથે સમય પસાર કરે છે.

સોનૂના અંગત જીવનની વાત કરીએ તો, તેના લગ્નને 26 વર્ષ થઈ ચૂક્યા છે. સોનૂની પત્નીનું નામ સોનાલી છે. જે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. સોનૂ અને સોનાલીની મુલાકાત એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન થઈ હતી. જે બાદ બન્ને જણાએ 25 સપ્ટેમ્બર 1996માં લગ્ન કર્યા હતા.

સોનૂ અને સોનાલી બન્ને અલગ-અલગ રાજ્યોથી છે. સોનૂ જ્યાં પંજાબી પરિવારમાંથી આવે છે, તો સોનાલી તમિલિયન છે. સોનૂએ જણાવ્યું હતું કે, સોનાલી તેના જીવનમાં આવનારી પ્રથમ યુવતી હતી. બન્નેના બે પુત્રો આયાન અને ઈશાંત છે. આ ઉપરાંત સોનૂની મોનિકા અને માલવિકા નામે બે બહેનો પણ છે.