Gujarat Exclusive > દેશ-વિદેશ > LAC પર તનાવ વચ્ચે મૉસ્કોમાં ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક

LAC પર તનાવ વચ્ચે મૉસ્કોમાં ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક

0
58

નવી દિલ્હી: LAC પર ચાલી રહેલા તનાવ વચ્ચે મૉસ્કોમાં ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે લગભગ અઢી કલાક સુધી બેઠક ચાલી હતી. વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીની સમકક્ષ વાંગ યીની વચ્ચે ચાલેલી આ બેઠક દરમિયાન સરહદ પર તનાવ ઓછો કરવા માટે 5 સુત્રની સહમતિ સધાઈ છે.

આ સાથે જ બન્ને પક્ષો એ બાબત પર રાજી થયા છે કે, વાટાઘાટો યથાવત રાખશે અને સૈનિકોને પાછળ હટાવવાની પ્રક્રિયામાં ઝડપ લાવશે.

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીની વિદેશ મંત્રી વાંગ યીએ સહમતિ વ્યક્ત કરી છે. તેમણે ભારત-ચીનના સબંધોને વિકસિત કરવા માટે બન્ને પક્ષોના નેતાઓની સામાન્ય સહમતિને પ્રાધાન્ય આપ્યું છે અને મતભેદોને વિવાદ ના બનવા દેવા જોઈએ.

બન્ને પક્ષો એ વાત પર સહમત થયા છે કે, આપસી સંવાદ જાળવી રાખવો જોઈએ. આ સિવાય જલ્દીમાં જલ્દી સૈનિકોને હટાવવાની પ્રક્રિયામાં પણ ઝડપ લાવવી જોઈએ અને તનાવ ઓછો કરવો જોઈએ. આ બધુ એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે ભારત અને ચીન તરફથી એકબીજા પર હવામાં ગોળીબાર કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જે બાદ સરહદ પર તનાવ વધી ગયો છે.

સરકાર સાથે સંકળાયેલા સુત્રોએ દાવો કર્યો છે કે, ચીની વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત દરમિયાન ભારતીય સમકક્ષ જયશંકરે સ્પષ્ટ કહ્યું છે કે, સરહદી વિસ્તારોમાં તમામ સમજૂતિઓનું પૂર્ણ પાલન થવાની આશા છે. એકતરફી રીતે સ્થિતિને બદલવાના પ્રયત્નને સ્વીકારવામાં નહીં આવે.

ન્યૂઝ એજન્સી ANI પ્રમાણે, ચીની વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચીન અને ભારત માટે બે પડોશી દેશો તરીકે મતભેદ હોવા સામાન્ય બાબત છે. ભારત અને ચીનના સબંધો ફરી એક વખત વણસ્યાં છે. બન્ને દેશો વચ્ચે સબંધો યોગ્ય દિશામાં આગળ વધતા રહેશે. કોઈ પણ એવા સંજોગો કે પડકાર નથી, કે જેને દૂર ના કરી શકાય.

આ પણ વાંચો: COVID-19ની ગાઇડલાઇન્સના ભંગ બદલ કતાર એરલાઇન્સને 1 લાખનો દંડ

આ બેઠક દરમિયાન ચીની વિદેશમંત્રીએ એમ પણ કહ્યું કે, સરહદી વિસ્તારોમાંથી સૈનિકોએ જેમ બને તેમ જલ્દી હટવું જોઈએ. જેથી સ્થિતિ વધારે વણસે નહીં. ચીન સમસ્યાઓના સમાધાન કરવા માટે બન્ને પક્ષો વચ્ચે વાતચીત કરવા માટે કાયમ તૈયાર છે.

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ભારતીય પક્ષ પણ સરહદ પર તનાવને વધારવા નથી માંગતો. ચીનને લઈને ભારતની નીતિ બદલાઈ નથી.

ચીની વિદેશ મંત્રાલય તરફથી દાવો કરવામાં આવ્યો કે, બન્ને નેતાઓ વચ્ચે ચાલેલી લાંબી બેઠક દરમિયાન વર્તમાન સ્થિતિ વિશે 5 સુત્રીય સર્વસંમતિ પર પહોંચી ગઈ છે.