Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અયોધ્યા: રામ જન્મભૂમિ મંદિરનાં શિલાન્યાસમાં ગુજરાતનાં 8 સંતોને આમંત્રણ

અયોધ્યા: રામ જન્મભૂમિ મંદિરનાં શિલાન્યાસમાં ગુજરાતનાં 8 સંતોને આમંત્રણ

0
102
  • દેશભરમાંથી વિવિધ પરંપરાનું પ્રતિનિધિત્વ કરતાં 50 સંતો-મહંતોને આમંત્રણ
  • Ram Janmabhoomi : અયોધ્યામાં તડામાર તૈયારીઓ


અમદાવાદઃ
અયોધ્યા રામ જન્મભૂમિ (Ram Janmabhoomi) મંદિરનાં નિર્માણની શિલાન્યાસ વિધિ આગામી તા. 5મી ઓગસ્ટના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા થવાની છે. રામ જન્મભૂમિ (Ram Janmabhoomi) નાં આ અલૌકિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં ગુજરાતમાંથી આઠ સંતોને (Ram Janmabhoomi) ભૂમિપૂજનમાં ભાગ લેવા માટે આમંત્રણો પાઠવવામાં આવ્યા છે. જેમાં બી.એ.પી.એસ.ના વડા મંહત સ્વામીનો સમાવેશ થાય છે. જો કે તેમના સ્થાને અમદાવાદનાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના બે સ્વામીઓ ભાગ લેવા જવાના છે. જેમાં સંતવર્ય પૂ. બ્રહ્મવિહારી સ્વામી તથા પૂ. અક્ષરવત્સલ સ્વામી શિલાન્યાસ વિધિમાં ભાગ લેવા માટે અયોધ્યા જશે.

છેલ્લાં કેટલાંય વર્ષોથી રામ જન્મભૂમિને લઇને વિવાદ ચાલતો હતો. ત્યારે સુપ્રિમ કોર્ટનાં હુકમ બાદ રામજન્મ ભૂમિ માટે જમીન ફાળવવામાં આવી છે. મંદિરનાં નિર્માણથી માંડીને સમગ્ર કામગીરી માટે કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્રારા આ જમીનમાં મંદિરનું નિર્માણ કરવામાં આવશે. તેના માટેની ડિઝાઇન તૈયાર થઇ ગઇ છે. પરંતુ કોરોનાનાં કારણે મંદિરના શિલાન્યાસ વિધિનો કાર્યક્રમ અટક્યો હતો.

PM મોદીનાં હસ્તે રામ જન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનાં નિર્માણનો વિધિવત આરંભ થશે

તાજેતરમાં જ PMOમાંથી લીલીઝંડી મળતાં આ કાર્યક્રમ 5મી ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે રામ જન્મભૂમિ પર ભવ્ય રામમંદિરના નિર્માણનો વિધિવત આરંભ થશે. આ શિલાન્યાસ વિધિના ગૌરવવંતા ઐતિહાસિક કાર્યક્રમમાં દેશભરમાંથી વિવિધ પરંપરાનું પ્રતિનિધિત્વ કરતાં 50 સંતો મહંતોને નિમંત્રિત કરવામાં આવ્યાં છે. તે પૈકી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂ. મહંત સ્વામી મહારાજને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મહંત સ્વામી મહારાજે જણાવ્યું છે કે, “કરોડો ભક્તો અને સંતો મહાત્માઓની અનેક વર્ષોની શ્રદ્ધા, તપસ્યા, બલિદાનની ફલશ્રુતિ સ્વરૂપે ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનો આરંભ થઇ રહ્યો છે. તેનો અપાર આનંદ છે. આવનારી પેઢીઓ આ મંદિરમાંથી સનાતનધર્મ, સંસ્કૃતિ, સંસ્કારો, અધ્યાત્મ વગેરેની પવિત્ર પ્રેરણાઓ મેળવશે. બીજી બાજુ ગુજરાતનાં વધુ એક સંતમાં વડતાલ મંદિરનાં સત્સંગ મહાસભાનાં પ્રમુખ નૌતમ સ્વામીને પણ ભૂમિ પૂજનમાં ભાગ લેવા માટે આમંત્રણ અપાયું છે. ત્યારે હાલમાં કાલુપુર, ભૂજ સ્વામિનારાયણ સંસ્થાને આમંત્રણ મળ્યું છે કે નહીં તે અંગેની કોઇ જાણકારી મળી નથી.

આ પણ વાંચોઃ રામમંદિરઃ ભૂમિપૂજન પહેલાં અયોધ્યા થશે સીલ, ઠેરઠેર ગોઠવાશે સ્નાઇપર્સ

અયોધ્યા મંદિરની ઝાંખી

– અયોધ્યા રામમંદિરની ડિઝાઇન આર્કીટેક ચંદ્રકાન્તભાઇ સોમપુરાએ તૈયાર કરી છે.

– આખુંય ક્ષેત્ર વિસ્તાર 100થી 120 એકરમાં છે.

– મંદિરનું બાંધકામ 76 હજારથી 84 હજાર સ્કવેરફૂટ છે.

– આર્કિટેકની સ્ટાઇલ નગર છે.

– ઘુમ્મટ : 5

– ઊંચાઇ : 161 ફૂટ

– પહોળાઇ : 280 ફૂટ

– લંબાઇ : 300 ફૂટ

કયા 8 સંતોને નિમંત્રણ અપાયા?

1. મહંતસ્વામી (BAPS સ્વામિનારાયણ સંસ્થા)

2. અવિચલદાસજી (સતકેવલ જ્ઞાનપીઠ, સારસા)

3. પરમાત્માનંદજી (સંયોજક મહામંત્રી, હિન્દુ ધર્મ આચાર્ય મહાસભા)

4. માધવપ્રિયદાસજી (અધ્યક્ષ, SGVP ગુરુકુળ)

5. આચાર્ય કષ્ણમણી (જામનગર પ્રણામી સંપ્રદાય)

6. અખિલેશ્વરદાસજી (મહંત, સરસપુર રામજી મંદિર)

7. શાંતિગીરી મહારાજ (વડીયાવીર, ઈડર)

8. નૌતમ સ્વામી ( વડતાલ, સ્વામિનારાયણ મંદિર, લક્ષ્મીનારાયણ દેવ ગાદી )

શિલાન્યાસમાં શ્રી રામયંત્રનું પૂજન અર્પણ કરાશે

આજથી 30 વર્ષ પહેલાં શ્રી રામજન્મભૂમિના નિર્માણ માટે શ્રી રામશિલાનાં પૂજનનું રાષ્ટ્રીય આંદોલન આરંભાયું ત્યારે 16 ઓગસ્ટનાં રોજ ગુજરાતમાં પ્રથમ રામશિલાનું વેદોક્ત વિધિપૂર્વક પૂજન કરીને પૂ. પ્રમુખ સ્વામી મહારાજે કર્યું હતું. દાયકાઓ સુધી શ્રી રામ જન્મભૂમિ માટે આસ્થાપૂર્વક પ્રાર્થના કરી રહેલાં પ્રમુખ સ્વામી મહારાજે રામમંદિરના નિર્માણની પ્રથમ રામશિલાનું પૂજન કર્યું હતું. સને 1989માં તે દિવસ પણ રક્ષાબધનનો હતો. યોગાનુયોગ આ જ પવિત્ર રક્ષાબંધન તા.3જી ઓગસ્ટનાં રોજ તેમના અનુગામી પૂ. મહંત સ્વામી મહારાજ પણ શ્રી રામમંદિરના શિલાન્યાસમાં સ્થાપિત થનારા શ્રી રામયંત્રનું પૂજન કરીને તે સંતો દ્રારા અયોધ્યા મોકલાવશે અને શિલાન્યાસમાં પોતાની શ્રધ્ધાપૂર્ણ પુષ્પાંજલિ અર્પશે.

ભગવાન સ્વામિનારાયણનો જન્મ અયોધ્યા નજીકનાં છપૈયામાં થયો હતો

ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ પણ ભગવાન શ્રી રામની જેમ અયોધ્યાની નજીક આવેલા છપૈયા ગામે રામનવમીનાં પવિત્ર દિવસે જ થયો હતો. પોતાના બાલ્યાકાળનાં છ વર્ષો તેઓએ અયોધ્યામાં વિતાવ્યા હતાં. તિર્થનગરી અયોધ્યાના પ્રત્યેક મંદિરમાં નિત્ય દર્શન અને કથાનો સતત લાભ લેનાર બાળવયનો તેઓએ વૈદાદિક શાસ્ત્રોનો અભ્યાસ પણ અહીં જ કર્યો હતો. અહીંથી જ 11 વર્ષની ઉંમરે તેઓએ અખિલ ભારતની તીર્થ યાત્રાનો પ્રારંભ કર્યો હતો.

આ પણ વાંચોઃ અયોધ્યામાં છવાયો ઉત્સવી માહોલ, ભૂમિ પૂજનના કાર્યક્રમની તડામાર તૈયારી