Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટમાં તાવ-શરદીની દવા લેવા આવનાર તમામના કરાશે કોરોના ટેસ્ટ

રાજકોટમાં તાવ-શરદીની દવા લેવા આવનાર તમામના કરાશે કોરોના ટેસ્ટ

0
53

રાજકોટ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાઈરસે (Corona Virus) હાહાકાર મચાવ્યો છે. રાજકોટ (Rajkot)માં પણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આક્રમક પગલાં છતાં સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેને પગલે રાજકોટ મહાનગર પાલિકાએ માઈક્રો પ્લાનિંગ કર્યું છે.

સતત વધી રહેલા કોરોનાના કેસને કાબૂમાં લેવા માટે હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સહિત અમદાવાદના નિષ્ણાંત ડૉક્ટરોની ટીમોએ રાજકોટમાં ધામા નાંખ્યા છે. આ ઉપરાંત હવે કોરોના વાઈરસના લક્ષણો ધરાવતા લોકોની ઓળખ માટે વહીવટી તંત્રએ મેડિલક સ્ટોર્સના માલિકોની મદદ લેવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: રાજકોટ: કોવિડ વૉર્ડમાં કોરોના સંક્રમિત દર્દીઓની મદદ કરશે ‘સોના’!

રાજકોટમાં તાવ, શરીરમાં કળતર, શરદી અને ઉધરસ સહિતની દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના વેચાતી હોય છે. આથી આવી રીતે દવાઓ લેવા આવનારા દર્દીઓના કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે.

આ અંગે વિગતો આપતા રાજકોટના મ્યૂન્સિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું કે, ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના શરદી-તાવની દવાઓ લેનારા લોકોના નામ-સરનામા સહિતની વિગતો મેડિકલ સ્ટોર્સના માલિકોએ ફરજીયાત રાખવાની રહેશે.

આ માટે રાજકોટ મનપા ટૂંક સમયમાં એક નવું સોફ્ટવેર પણ બનાવશે. જેમાં આવા દર્દીઓના નામ-સરનામા અને કોન્ટેક્ટ નંબર સહિતની વિગતો આવરી લેવામાં આવશે. આમ કરવાનો મુખ્ય હેતુ જણાવતા કમિશનરે કહ્યું કે, આવા લોકોમાં જોવા મળતા શરદીના સામાન્ય લક્ષણો ગંભીર કોરોનામાં ફેરવાય તે પહેલા જ તેમને સમયસર જરૂરી સારવાર પૂડી પાડવાનો છે. જેથી કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવામાં મહદઅંશે સફળતા મેળવી શકાશે.

ઉલ્લેખનીય છે કે, ગત મહિને રાજકોટ મનપા દ્વારા “લડેગા રાજકોટ, જીતેગા રાજકોટ” ઓડિયો ગીતનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ધનવંતરી રથ, સંજીવની રથ અને આજે વિશેષ ૧૦૪ સેવા રથ કાર્યરત કરવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં 1311 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 16 લોકોના મરણ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 1,03,006 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 3094 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.