Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રબારીવાસમાં ગેલેરી સાથે જમીન પર પટકાતાં યુવકનું મોત

રબારીવાસમાં ગેલેરી સાથે જમીન પર પટકાતાં યુવકનું મોત

0
64
  • સારંગપુર દોલતખાનામાં આવેલા રબારી વાસમાં બનેલી ઘટના

  • સાત જણાંને ફાયરબ્રિગ્રેડની ટીમે સહી સલામત બહાર કાઢયા

અમદાવાદ: શહેરના સારંગપુર દોલતખાનામાં આવેલા રબારી વાસ (Rabarivas)માં ગઇ મોડીરાત્રે મકાનની ગેલેરીના ભાગ સાથે જમીન પર પટકાતાં માનુરામ રૂપા મીણા નામના યુવકનું મોત નિપજયું હતું. જ્યારે મકાનમાં ફસાયેલા સાત જણાને ફાયરબ્રિગ્રેડની ટીમે સહી સલામત નીચે ઉતાર્યા હતા. એસ્ટેટ વિભાગે મકાન ખાલી કરાવીને તૂટી ગયેલ ગેલેરી પૈકીનો ભયજનક ભાગ દૂર કર્યો હતો.

સારંગપુર દોલતખાનામાં આવેલા રબારી વાસ (Rabarivas)માં બે માળનું મકાન આવેલું છે. આ મકાનના સેકન્ડ ફલોર પર ભાડેથી રહેતાં માનુરામ રૂપા મીણા ( આશરે ઉં.વ. 30 ) સેકન્ડ ફલોરની ગેલેરીમાં શનિવારે રાત્રે ઊંઘી રહ્યા હતા. રાત્રિના બે વાગ્યાની આસપાસ ધડાકાભેર ગેલેરી તૂટીને નીચે પડી હતી. તેની સાથે માનુરામ પણ ઊંઘમાં જ જમીન પર પટકાતાં મુત્યુ પામ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગ્રેડ સહિત મ્યુનિ. કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યારે મકાનમાં ફસાયેલા સાતથી આઠ જણાંને ફાયરબ્રિગ્રેડના જવાનોએ સહી સલામત નીચે ઉતાર્યા હતા.

આ પણ વાંચો: વડોદરા એક્સપ્રેસ વે પરથી 1 કરોડના MD ડ્રગ્સ સાથે ASI પકડાયો: 5ની ધરપકડ

તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આ મકાન મોહનભાઇ હિરાભાઇ રબારી તથા રાજુભાઇ નારણભાઇ રબારીની માલિકીનું છે. આ મકાનમાં ભાડુઆતો રહેતાં હતા. મરનાર માનુરામ મીણા મૂળ રહેવાસી રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના દરિયાવત તાલુકાના લાટામગરી ગામના વતની હતા. તેઓ અહીંયા ભાડેથી રહેતા હતા. અને કાલુપુર મસ્કતી માર્કેટમાં આવેલા મહારાજા ચવાણાની દુકાનમાં નોકરી કરતાં હતા. બીજા ભાડુઆતોમાં ઇશ્વર બિહારીલાલ ચાઉલા ( ઉં.વ. 51 ), વિજયભાઇ ( ઉં.વ. 42 ) ગ્રાઉન્ડ ફલોર પર રહેતા હતા. જયારે ફર્સ્ટ ફલોર પર નારણભાઇ સુલશીંઘ ( ઉં.વ. 43 ), સુરેન્દ્રસીંહ રામનરેશ યાદવ ( ઉં.વ. 35 ) રહેતા હતા. જયારે સેકન્ડ ફલોર પર વિશાલ બાલિનાર ( ઉં.વ. 20 ), દિનેશ કમજી ( ઉં.વ. 21 ) તથા ગૈતમ હોમલા ( ઉં.વ. 29 ) અને કેશુલાલ માનારામ મીણા ( ઉં.વ. 38 ) રહેતા હતા.

આ પણ વાંચો: નર્મદા: એક શિક્ષક અને બે વિદ્યાર્થીનીઓનો આ પ્રોજેકટ વિશ્વના નકશામાં સ્થાન પામશે

ધડાકાભેર ગેલેરી તૂટેલી હોવાથી મોડીરાત્રે પણ આસપાસના રહીશો ત્યાં દોડી આવ્યા હતા. બીજી તરફ એસ્ટેટ વિભાગે મકાનનો ભયજનક ભાગ તોડી નાંખ્યો હતો.