Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજ્યમાં 21 ઑક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે

રાજ્યમાં 21 ઑક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે

0
225

Peanut Purchasing Support Price News:

  • કૃષિમંત્રી આરસી ફળદુએ આપી માહિતી
  • 1 થી 2૦ ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન થશે 
  • મણદીઠ રૂા.1055ના ભાવે 9૦ દિવસ સુધી ખરીદી પ્રક્રિયા  

અમદાવાદઃ ગુજરાતમાં 21 ઓક્ટોબરથી મગફળી ની ટેકાના ભાવે ખરીદી (Peanut purchasing support price) શરુ થશે. રાજ્યના કૃષિ મંત્રી આર.સી.ફળદુ (RC Faldu) એ આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે 1 થી 20 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશનની કરી શકાશે. જ્યારે મણદીઠ 1055રુપિયાના ભાવે 90 દિવસ સુધી ખરીદીની પ્રક્રિયા ચાલશે. મંત્રી ફળદુએ વધુમાં જણાવ્યું કે આગોતરી વાવણી કરી હોય તેવા ખેડૂતોને લાભ આપવા વહેલી ખરીદીનો નિર્ણય લેવાયો છે.

સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરાયો હતો.

આ પણ વાંચોઃ ટ્રેડરોની નફાકીય વેચવાલીના લીધે સોના-ચાંદી ઘટ્યા, રૂપિયામાં પણ ઘટાડો

કૃષિમંત્રી આરસી ફળદુએ જણાવ્યું કે,

“મગફળીની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા માટે 1 ઓક્ટોબરથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે અને 20 દિવસ રજિસ્ટ્રેશન ચાલુ રહેશે. ત્યારબાદ 21 ઓકટોબરથી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે. ખરીદીની પ્રક્રિયા રાજ્યમાં 90 દિવસ સુધી ચાલશે.”

સરકારની માર્ગદર્શિકા મુજબ નાફેડ ખરીદી કરશે

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ નાફેડ (NAFED) એજન્સી દ્વારા ખરીદી કરાશે. એ માટે ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ નોડલ એજન્સી તરીકે નિયુકત કરવામાં આવી છે. રાજ્યમાં ચાલુ વર્ષે સારો વરસાદ થવાના પરિણામે રવિ અને ઉનાળુ સીઝનમાં પણ ખેડૂતો વધુ વાવેતર કરી શકશે. મગફળી ખરીદીનો ટેકાનો ભાવ પ્રતિ મણ રૂ. 1055 છે.

આ પણ વાંચોઃ PM મોદીના જન્મદિવસે 70 વર્ષ પૂર્ણ થતાં હોવાથી 70 આંક મુજબ જ કાર્યક્રમો થશે

સામાન્ય રીતે લાભપાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે અધિક માસ છે અને જે ખેડૂતોએ વહેલી મગફળીનું વાવેતર કર્યું હતું એવા વિસ્તારના ખેડૂત અગ્રણીઓ દ્વારા ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા વહેલી કરવા માટે રજૂઆત કરતા  મુખ્યમંત્રીએ વહેલી ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.

કઠોળ પાકની ખરીદીનું પણ આયોજન

આરસી ફળદુએ ઉમેર્યું કે મગફળીની ખરીદી બાદ આગામી સમયમાં કઠોળ પાકોની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

નુક્સાનીનું વળતર પણ ચૂકવાશે

રાજ્યમાં અતિવૃષ્ટિના પરિણામે ઊભા પાકને 33 ટકાથી વધુ નુકસાન વેઠનારા ખેડૂતોને SDRFના ધોરણે સહાય કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ માટે સરવેની કામગીરી ચાલુ છે. જે પંદર દિવસમાં પૂર્ણ કરવાની છે. અંદાજે રાજ્યમાં 13લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. જે પૈકી ત્રણ લાખ હેક્ટર વિસ્તારમાં સરવેની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે અને જરૂર જણાશે તો ખેડૂતોના હિત માટે સરવેની કામગીરી લંબાવવામાં પણ આવશે.

આ પણ વાંચોઃ વિશ્વની સૌથી મોટી ઇ કંપની આપશે 1 લાખ નોકરીઓ, 12 પાસને પણ તક