Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > પારેખ્સ હોસ્પિટલની કોરોનાના 7 દર્દીને સોલા-સિવિલ ભેગા કરવા તાકીદ

પારેખ્સ હોસ્પિટલની કોરોનાના 7 દર્દીને સોલા-સિવિલ ભેગા કરવા તાકીદ

0
55
  • ઓક્સિજન પરના સાત દર્દીઓને ખસેડવાનું કહી પારેખ્સે માનવતા નેવે મૂકી
  • ઓક્સિજન નહીં હોવાનું કારણ ધરીને લીધું પગલું, દર્દીના સગાંઓ ચિંતામાં મૂકાયાં
  • કોર્પોરેશન અને ખાનગી હોસ્પિટલો વચ્ચે દર્દીઓને ખો આપવાના વધી રહેલા બનાવ

અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસમાં વધારો થવાની સાથે કોર્પોરેશન અને તેણે એમઓયુ કરેલી ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓને ખો આપવાના બનાવ વધી રહ્યા છે.  તેના લીધે આવા વધી રહેલા બનાવમાં દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓની હેરાનગતિમાં વધારો થયો છે. શહેરના સેટેલાઇટ શ્યામલ ચાર રસ્તા પાસે આવેલી પારેખ્સ હોસ્પિટલે કોરોનાના દર્દીઓને ફરજીયાત સોલા સિવિલમાં લઇ જવા માટે સૂચના આપતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. તેમની પાસે ઓક્સિજન ઉપલબ્ધ નહીં હોવાનું જણાવીને દર્દીઓને ખસેડી લેવાની સૂચના આપી હતી. જો કે ઓક્સિજન પર રહેલાં દર્દીઓને કેવી રીતે ખસેડવા તે બાબતે અસમજસમાં મૂકાઇ છે.

ઓક્સિજન પર રહેલા દર્દીને કેવી રીતે ખસેડવા

કોર્પોરેશન તરફથી ઓક્સિજન પૂરું પાડવાની કામગીરી ખાનગી એજન્સીને અપાઇ હોવાની વાત જણાવી છે, પરંતુ દર્દીઓ ખસેડવા બાબત કોઇ સ્પષ્ટતા કરી નથી. ત્યારે આ કોવિડ હોસ્પિટલે પોતાના નહીં બલ્કે કોર્પોરેશનની ભલામણથી દાખલ થયેલા દર્દીઓને ખસેડવાનું પગલું ભર્યું હોવાથી આ હોસ્પિટલને કોર્પોરેશનની યાદીમાંથી દૂર કરવામાં આવશે કે કેમ તે મામલે વિવાદ સર્જાયો છે.

કોર્પોરેશને મોકલેલા દર્દીઓને પરત મોકલાતા હોબાળો

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી ખાનગી હોસ્પિટલ સાથે એમ.ઓ.યુ. કરીને તેમને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરી છે. કોર્પોરેશન તરફથી દાખલ થનારા દર્દીઓને હોસ્પિટલ તરફથી દાખલ કરવાથી માંડીને તેમની દવા તેમ જ હોસ્પિટલનું બિલ કોર્પોરેશન ચુકવવાનું રહે છે. આજે 7 થી વધારે દર્દીઓના સગાઓને હોસ્પિટલ તરફથી એએમસી ઓક્સિજન આપતું નહી હોવાથી તમને અહીથી ખસેડવા પડશે તેવું દર્દીઓને કહેતાં જ હોબાળો મચી ગયો છે. આ બાબતે મોડી સાંજ સુધી કોર્પોરેશન તરફથી કોઇ ખુલાસો કરવામાં આવ્યો ન હતો.

મોડી રાત્રે કોર્પોરેશને કર્યો ખુલાસો

આખરે રાત્રિના કોર્પોરેશન તરફથી જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં શ્યાલમલ ચાર રસ્તા પાસે આવેલી પારેખ્સ હોસ્પિટલે એએમસીના દર્દીઓને ઓક્સિજન આપતું નહીં હોવાથી 7થી વધારે કોરોનાના દર્દીઓને ફરજિયાત સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવા માટે દર્દીના સગાંઓને તમારે દર્દીઓને અહીંથી ખસેડવા પડશે તેમ જણાવતી હોવાનું કોર્પોરેશનના ધ્યાન પર આવ્યું છે. પારેખ્સ હોસ્પિટલ દ્રારા કોસ્મિક એજન્સી પાસેથી મેડિકલ ઓક્સિજન મેળવવામાં આવે છે.

કોર્પોરેશન દ્વારા ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા નિર્દેશ

આ એજન્સી એક પ્રાઇવેટ એજન્સી છે. કોસ્મિક એજન્સીએ પારેખ્સ હોસ્પિટલને જરૂરિયાત મુજબનો ઓક્સિજન પુરો પાડવામાં સક્ષમ ના હોઇ, તેના દ્રારા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવા અંગે જણાવ્યું છે. એમઓયુ મુજબ તમામ લોજિસ્ટિક, દવાઓ, ફૂડ, ઓક્સિજન વગેરે હોસ્પિટલ દ્રારા જ આપવાની થાય છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન આ પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યુ છે. તે ઓક્સિજનના સપ્લાયર અને પ્રોડ્યુસરના સંપર્કમાં પણ છે. આ ઉપરાંત તેણે ઓક્સિજનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે તેઓને નિર્દેશ આપ્યો છે.