Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બિન શૈક્ષણિક-શૈક્ષણિક સ્ટાફને બઢતી તથા ઉચ્ચત્તર પગાર ધોરણ માટે હવેથી શું ફરજિયાત?

બિન શૈક્ષણિક-શૈક્ષણિક સ્ટાફને બઢતી તથા ઉચ્ચત્તર પગાર ધોરણ માટે હવેથી શું ફરજિયાત?

0
219
  • રાજ્ય સરકારનાં ધારાધોરણો મુજબ બિન શૈક્ષણિક-શૈક્ષણિક સ્ટાફને માટે ફરજિયાત પરીક્ષા
  • સરકારી કર્મચારી બાદ હવે શાળાના કર્મચારીઓની બઢતી અને ભરતીમાં પણ નિયમો લાગુ પડશે

મનોજ કે. કારીઆ, અમદાવાદ : રાજ્યનાં સરકારી કર્મચારીઓને માટે હિન્દીની પરીક્ષા પાસ કરવી ફરજિયાત હતી. ઉપરાંત સીધી ભરતી અને બઢતી અન્વયે કોમ્પ્યુટર કૌશલ્યની તાલીમ જરૂરી હોવાનો નિર્ણય અગાઉ સરકારે કર્યો હતો. પરંતુ હવે રાજ્યનાં શિક્ષણ વિભાગે રાજ્યની બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ (Non-academic and academic staff) એ પણ બઢતી અને ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવવા માટે રાજ્ય સરકારનાં ધારાધોરણો મુજબ હિન્દીની પરીક્ષા, ખાતાકીય પરીક્ષા અને કોમ્પ્યુટર કૌશલ્ય ( CCC ) ની તાલીમ પરીક્ષા પાસ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

આ પણ વાંચોઃ ગંભીર બેદરકારી : રાજપીપળા કોવિડ હોસ્પિ.માં દર્દીએ સારવાર માટે 8 કલાક રાહ જોવી પડી!

રાજ્યનાં સરકારી કર્મચારીઓ માટે હિન્દીની પરીક્ષા પાસ કરવાનું ઠરાવ્યું છે. ઉપરાંત સરકારની ઇ-ગર્વનન્સ નીતિ (E-Governance Policy) અન્વયે સીધી ભરતી/બઢતી અન્વયે વર્ગ-3નાં કર્મચારીઓ માટે CCC અને વર્ગ-1 અને 2નાં કર્મચારીઓ માટે CCC પ્લસ કોમ્પ્ટર કૌશલ્યની તાલીમ અને પરીક્ષાના આયોજન અંગે જોગવાઇ કરેલી છે. 2007માં રાજ્યની બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનાં બિન શૈક્ષણિક કર્મચારીઓને બઢતી / ઉચ્ચત્તર પગાર ધોરણ માટે પાત્ર થનારા કર્મચારીઓ માટે તાત્કાલિક અસરથી ખાતાકીય પરીક્ષાની જોગવાઇ દાખલ કરવામાં આવેલી હતી.

જેને ધ્યાને લઇ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે (Gujarat Board of Secondary and Higher Secondary Education) રાજ્યની બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ (Non-academic and academic staff) ને ઉચ્ચત્તર પગાર ધોરણ યોજના માટે હિન્દીની પરીક્ષા, ખાતાકીય પરીક્ષા અને કોમ્પ્યુટર કૌશલ્ય (CCC) તાલીમ પરીક્ષા પાસ કરવાની ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974માં વિનિયમ 24 ( 1 ) તરીકે નવી જોગવાઇ દાખલ કરવા દરખાસ્ત કરી હતી. જેના પર ચર્ચા વિચારણાં બાદ રાજ્ય સરકારે ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974નાં વિનિયમ 24માં આ બાબતનો ઉમેરો કરવાનો ઠરાવ કર્યો છે. જેથી હવે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને પણ બઢતી કે ઉચ્ચત્તર પગારધોરણ મેળવવા ઉપરોક્ત પરીક્ષામાં ઉત્તીર્ણ થવું પડશે.

Pankaj Patel

ઉચ્ચત્તર પગાર ધોરણ માટેની 50 હજારથી વધુ ફાઇલો પડતર

ગુજરાત રાજય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પૂર્વ પ્રમુખ પંકજભાઇ પટેલ એ જણાવ્યું છે કે, જયારે શિક્ષકોની નિમણૂંક કરાઇ ત્યારે તેમને હિન્દી તથા કોમ્પ્યુટરની તાલિમ અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. અને મારી જાણકારી મુજબ 50 કે 55 વર્ષથી વધુ વય ધરાવતાં કર્મચારીઓને કોમ્પ્યુટર તાલિમમાંથી મુક્તિ આપવામાં આવી છે. સરકારમાં થતાં નિયમો આમ તો સીધા શિક્ષણ વિભાગમાં લાગુ કરાતા નથી. પરંતુ આ ઠરાવ સીધો જ અમલી બનાવી દેવાયો છે.

પરંતુ જે શિક્ષકો સરકારે દર્શાવેલી લાયકાત પૂર્તતા ધરાવતાં હોવા છતાં આજે 9 વર્ષ પછીના લાભો 10થી 15 વર્ષ થઇ જવા છતાંય તેમની ફાઇલો સરકારમાં પડતર છે. ત્યાં સુધી કે ઘણાં શિક્ષકોને 20 વર્ષ થઇ ગયા હોય તેમની ફાઇલો પણ સરકારમાં પડયાં છે. આમ હાલમાં સરકારમાં એક અંદાજ મુજબ 50 હજારથી વધુ ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવવા માટેની ફાઇલો પડતર છે. તેમાં સરકારી વિભાગો કરતાં શિક્ષકોની ફાઇલોની સંખ્યા વધુ છે. સરકારમાં દરરોજ 100 જેટલી ફાઇલોનો નિકાલ થાય છે. જો પુરો સ્ટાફ હોય તો જ દરરોજ 300 ફાઇલોનો નિકાલ થાય છે. આમ નિયમ પ્રમાણે સંપૂર્ણ લાયકાત ધરાવતા શિક્ષકોને પણ હજુ સરકારી લાભ મળ્યાં નથી.

અંદાજે દોઢેક લાખથી વધુ કર્મચારીઓને લાગુ પડશે

સને 2012 13ની સ્થિતિએ રાજયમાં કુલ 37,551 પ્રાથમિક શાળાઓ છે. તે પૈકી 30535 ગ્રામ્યમાં અને 7016 શાળાઓ શહેરોમાં આવેલી છે. દરેક શાળામાં શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફનો ઓછામાં ઓછો 5 જણાંનો સ્ટાફ ગણવામાં આવે તો પણ અંદાજે 20 હજાર જેટલો થાય. તે જ રીતે ગ્રાન્ટેડ તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પણ શિક્ષકો તથા સ્ટાફ 80 હજારની આસપાસ હોવાની સંભાવના છે. જયારે સરકારી શાળાના સ્ટાફની વાત તો જુદી છે. તમામ સ્ટાફની ગણતરી કરીએ તો અંદાજ પ્રમાણે 1.50,000 લાખથી વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. મતલબ કે સરકારના આ નવા ઠરાવની અસર આટલા સ્ટાફને થશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી આગાહી, ચોમાસાની વિદાય પહેલા વરસાદના અંતિમ રાઉન્ડની વકી