Gujarat Exclusive > દેશ-વિદેશ > મુંબઈ: ડોંગરીમાં 100 વર્ષ જૂની ઈમારત ધારાશાયી, મૃતકોની સંખ્યા 14 પર પહોંચી

મુંબઈ: ડોંગરીમાં 100 વર્ષ જૂની ઈમારત ધારાશાયી, મૃતકોની સંખ્યા 14 પર પહોંચી

0
849

મુશળધાર વરસાદનો સામનો કર્યા બાદ દેશની આર્થિક રાજધાની મુંબઈની ડોંગરી વિસ્તારમાં મંગળવારે એક ચાર માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. હાલ મળતી માહિતી પ્રમાણે, મૃતકોની સંખ્યા 14 પહોંચી છે, જ્યારે ઈમારતના કાટમાળમાં હજું પણ 30-40 લોકો ફસાયા હોવાની આશંકા છે. 9 ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

આ દુર્ઘટનામાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જેજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રાહત અને બચાવ કામગીરી માટે સ્નિફર ડૉગની મદદ લેવાઈ રહી છે. આ અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશે જણાવ્યું કે, 15 પરિવારો હજુ પણ કાટમાળ હેઠળ દબાયેલા થે અને તેમને બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ ઈમારત 100 વર્ષ જૂની હોવાનું જાણવા મળ્યું છે.

બીએમસી અનુસાર, આજે બપોરે 11 વાગીને 48 મિનિટ પર ડોંગરીના ટાંડેલ ગલીમાં કેસરબાઇ નામની બિલ્ડિંગનો અડધો ભાગ પડી ગયો હતો. આ બિલ્ડિંગ અબ્દુલ હમીદ શાહ દરગાહની પાછળ છે અને ઘણી જૂની છે.

મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે ઉત્તર-પશ્ચિમ મુંબઇના મલાડમાં 2 જુલાઇએ એક દીવાલ પડતા 13 લોકોના મોત થયા હતા જ્યારે પૂણેમાં પણ એક દિવાલ પડતા સાત લોકોના મોત થયા હતા.

AIMIMના ધારાસભ્ય વારિસ પઠાણે કહ્યું- આ હત્યા છે

એઆઇએમઆઇએમના ધારાસભ્ય વારિસ પઠાણે કહ્યું કે આ દૂર્ઘટના નથી, હત્યા છે. હું છેલ્લા પાંચ વર્ષથી જર્જરિત બિલ્ડિંગનો મુદ્દો ઉઠાવી રહ્યો છું, કેટલીક વખત વિધાનસભાની અંદર મે સવાલ ઉઠાવ્યા છે. સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યુ પરંતુ આજ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

વારિસ પઠાણે કહ્યું કે, સરકાર આ લોકોને જ્યારે પણ નોટિસ આપે છે અને બિલ્ડિંગને ડેન્જર જોનમાં જાહેર કરે છે તો અહી રહેનારા લોકોને ચેમ્બુર વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવે છે. તે વિસ્તારમાં રહેવા લાયક પણ નથી. મે સરકારને કેટલીક વખત માંગ કરી કે આસપાસના વિસ્તારમાં શિબિર બનાવવામાં આવેસ પછી નવી બિલ્ડિંગ બનાવવામાં આવે અને તેમને ફરી રહેવાની પરવાનગી આપવામાં આવે.