Gujarat Exclusive > દેશ-વિદેશ > Covid-19 In India: 24 કલાકમાં સૌથી વધુ 83,883 નવા કેસ, વધુ 1043ના મોત

Covid-19 In India: 24 કલાકમાં સૌથી વધુ 83,883 નવા કેસ, વધુ 1043ના મોત

0
58
  • એક જ દિવસમાં કોરોના વાઈરસના 11,70,000થી વધુ ટેસ્ટ કરાયા

  • દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 38.53 લાખ પર પહોંચી

  • 24 કલાકમાં અમેરિકા અને બ્રાઝીલ કરતાં વધુ કેસ નોંધાયા

નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી (Corona Pandemic) પર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 83,883 નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જે અત્યાર સુધી એક દિવસમાં નોંધાયેલ સૌથી મોટો આંકડો છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 1043 લોકોના મરણ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 38 લાખને પાર પહોંચી ચૂક્યો છે.

આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસ ઉમેરાવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 38,53,407 પર પહોંચી ચૂકી છે. જ્યારે કુલ 67,376 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

હાલ દેશમાં 8,15,538 કોરોનાના એક્ટિવ કેસો છે. જો કે રાહતની વાત છે કે, અત્યાર સુધી 29,70,493 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. એટલે કે, તેઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 11,70,000થી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા.

આ પણ વાંચો: ચીનને ઘેરવા અમેરિકા આતુર, ભારત સહિતના દેશો સાથે મળીને બનાવી રહ્યું છે રણનીતિ

ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને બ્રાઝીલમાં કોરોના પોઝિટિવ કેસ પ્રતિદિન ભારતની સરખામણીમાં ઘણાં ઓછા વધી રહ્યાં છે. જો કે વિશ્વમાં કોરોના દર્દીઓના સૌથી વધુ મરણ આજ બે દેશોમાં થઈ રહ્યાં છે. અમેરિકા-બ્રાઝીલમાં એક કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. જ્યારે 3,13,000 જેટલા લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.

છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 40,899 કેસ અને 1067 મરણ, જ્યારે બ્રાઝીલમાં 48,632 પોઝિટિવ કેસ અને 1218 મરણ નોંધાઈ ચૂક્યાં છે.

છેલ્લા 7 દિવસમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોના દર્દીઓ સ્વસ્થ થવાની ઝડપ છેલ્લા એક સપ્તાહમાં ધીમી થઈ ગઈ છે. 26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર વચ્ચે રિકવરી રેટ 1.1 ટકાનો જ સુધારો થયો છે. જો કે અગાઉના સપ્તાહે રિકવરી રેટમાં 2.3 ટકાનો વધારો નોંધવામાં આવ્યો હતો.

ગત એક સપ્તાહથી દેશમાં વિશ્વના સૌથી વધુ કોરોના સંક્રમિતો મળવા સાથે જ એક્ટિવ કેસોમાં પણ ઝડપથી વધારો થવા લાગ્યો છે. 26-ઓગસ્ટથી 1 સપ્ટેમ્બરની વચ્ચે એક્ટિવ કેસ દરરોજ 1.5 ટકાના દરે વધીને 76,431 થઈ ગયા છે. જેઓ હાલ હોસ્પિટલો કે હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે. એક્ટિવ કેસોની સંખ્યામાં અચાકન 1.11 ટકાનો વધારો ચિંતાનો વિષય જરૂર છે.

દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ
→ મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાના રેકોર્ડ બ્રેક 17,433 નવા કેસ સામે આવ્યાં છે. આ સાથે જ અત્યાર સુધી રાજ્યમાં 8,25,000થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. છેલ્લા 24 કલાકમાં જીવલેણ વાઈરસ 292 દર્દીઓને ભરખી ચૂક્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી મોતને ભેટનારા લોકોની કુલ સંખ્યા વધીને 25,195 પર પહોંચી ગઈ છે.

→ દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે એક જ દિવસમાં 2509 નવા કોરોના કેસ સામે આવ્યાં છે. આ સાથે જ અહીં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,79,569 પર પહોંચી ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 4481 પર પહોંચી ગઈ છે.

→ બિહારમાં બુધવારે 1969 નવા કેસ સામે આવ્યાં છે. આ સાથે જ અત્યાર સુધી 1,40,234 લોકો કોરોનાનો શિકાર બન્યાં છે. જ્યારે વધુ 13 લોકોના મરણ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 722 પર પહોંચી ગયો છે.

→ ઉત્તર પ્રદેશમાં બુધવારે એક જ દિવસમાં 5716 નવા કેસ સામે આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી 2,41,439 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. જ્યારે વધુ 75 કોરોના સંક્રમિતોના મરણ નોંધાયા છે.