Gujarat Exclusive > દેશ-વિદેશ > Covid-19: દેશમાં સૌથી વધુ 1133 લોકોના મોત, 24 કલાકમાં 75,809 નવા કેસ

Covid-19: દેશમાં સૌથી વધુ 1133 લોકોના મોત, 24 કલાકમાં 75,809 નવા કેસ

0
36

નવી દિલ્હી: ભારતમાં દિન-પ્રતિદિન કોરોના (Corona Virus)ને લઈને સ્થિતિ ચિંતાજનક થતી જઈ રહી છે. હાલ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા (Corona Positive Case) 42.80 લાખના આંકડાને પાર કરી ચૂકી છે. આ સાથે જ ભારત વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં બીજા સ્થાને પહોંચી ગયું છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, 24 કલાકમાં 75,809 નવા કેસો સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 1133 લોકોના મરણ નોંધાયા છે. જે અત્યાર સુધી કોઈ એક દિવસમાં નોંધાયેલો મરણનો સૌથી વધુ આંકડો છે.

આમ નવા કેસો ઉમેરાવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 42,80,423 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 72,775 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યાં છે.

હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 8,83,697 છે. જો કે રાહતની વાત એ છે કે, અત્યાર સુધીમાં 33,23,951 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. એટલે કે તેઓ કોરોના સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

જણાવી દઈએ કે, ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો એક લાખ સુધી પહોંચવામાં 110 દિવસનો સમય લાગ્યો હતો. હવે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આથી હવે દેશમાં દર એક-બે દિવસની અંદર એક લાખ નવા કેસો ઉમેરાતા જાય છે.

જો રિકવરી રેટની વાત કરીએ તો, દેશમાં કોરોના રિકવરી રેટ 77.65 ચાલી રહ્યો છે. ગત 24 કલાકમાં 73,521 કોરોના દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યાં છે. હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની ટકાવારી 20.64 ટકા છે.

જો મૃત્યુદરની વાત કરીએ તો, દેશમાં 1.70 ટકા મૃત્યુદર છે. જ્યારે પોઝિટિવિટી રેટ ઘટીને 6.90 ટકા પર આવી ગયો છે. એટલે કે, દેશમાં જેટલા ટેસ્ટિંગ થઈ રહ્યાં છે, તેમાંથી 6.90 ટકા સેમ્પલ પોઝિટિવ આવી રહ્યાં છે. એક જ દિવસમાં 10,98,621 સેમ્પલોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે. આ સાથે જ અત્યાર સુધી કુલ ટેસ્ટની સંખ્યા 5,06,50,128 પર પહોંચી ચૂકી છે.

આ પણ વાંચો: બિહાર ચૂંટણી: શું NDA તૂટશે? LJP 143 ઉમેદવારો ઉતારી શકે છે મેદાનમાં

વિવિધ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ

→ મહારાષ્ટ્રમાં 16,429 નવા કેસ અને વધુ 423ના મોત. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 9,23,641 પર પહોંચી ગઈ છે. જ્યારે 27,027 લોકોના મોત થયા છે.

→ રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1580 નવા કેસો આવ્યા, જ્યારે વધુ 14 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 92,536 પર પહોંચી ગઈ છે.

→ હિમાચલ પ્રદેશમાં વધુ 245 નવા કેસ સામે આવવા સાથે જ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 7660 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં 54 લોકોના મરણ નોંધાયા છે.

→ કોરોનાથી મોત મામલે તમિલનાડુ દેશમાં બીજા નંબર પર. મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુમાં 5 હજારથી વધુના મોત
→ અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને સિક્કિમમાં 10થી ઓછા મરણ