Gujarat Exclusive > રાજનીતિ > કોરોના પ્રોટોકોલ વચ્ચે સંસદનું ચોમાસુ સત્ર શરૂ, પ્રણવ મુખર્જીને અપાઈ શ્રદ્ધાંજલિ

કોરોના પ્રોટોકોલ વચ્ચે સંસદનું ચોમાસુ સત્ર શરૂ, પ્રણવ મુખર્જીને અપાઈ શ્રદ્ધાંજલિ

0
97

નવી દિલ્હી: કોરોના વાઈરસ મહામારી વચ્ચે આજથી 18 દિવસ સુધી સંસદનો ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે. આ સત્રમાં અનેક પરિવર્તનો પ્રથમ વખત જોવા મળી રહ્યાં છે. જેમાં બન્ને ગૃહોની બેઠક સવાર-સાંજ પ્રમાણે ગોઠવાઈ છે. આ ઉપરાંત આ સત્રમાં એક પણ રજા નહીં હોય.

સંસદ પરિસરમાં માત્ર એવા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે, જેમની પાસે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ હશે. આ દરમિયાન લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.

આ વખતે મોટાભાગનું સંસદીય કામકાજ ડિજિટલ માધ્યમથી થશે. આ ઉપરાંત સમગ્ર સંસદ પરિસરને સંક્રમણમુક્ત બનાવવાની સાથે જ ડૉરને પણ સેન્સર વાળા બનાવાયા છે.

છેલ્લા થોડા સમયમાં અનેક મંત્રીઓ અને સાંસદો કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે. જે એક ચિંતાનો વિષય છે. જો કે સત્રની શરૂઆત પહેલા તમામ સાંસદો સહિત સંસદભવનમાં કામ કરતાં કર્મચારીઓ મળીને કુલ 4 હજાર કરતાં વધુ લોકોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. સંસદ સત્ર સાથે સંકળાયેલી તમામ વાતો જાણો

સંસદની કાર્યવાહી દરમિયાન તકેદારીના ભાગરૂપે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવશે. જે અંતર્ગ લોકસભા સાંસદ રાજ્યસભાના ગૃહમાં બેસશે. અગાઉના સત્રોથી વિપરીત આ અનોખો ફેરફાર કોવિડ-19 મહામારીના સંક્રમણને ફેલાતું અટકાવવાના ભાગ રૂપે કરવામાં આવ્યો છે.

સત્રના પહેલા રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુ અને તેમના કર્મચારીઓએ રિહર્સલ પણ કર્યું. જેમાં જોવામાં આવ્યું કે, કેવી રીતે તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે. આ સાથે જ તમામ ઉપાયોની ચર્ચા પણ કરવામાં આવી છે. 14-સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુદી ચાલનારા આ સત્રના રિહર્સલ દરમિયાન નાયડૂએ YSR કોંગ્રેસ પાર્ટીના નેતા પરિમલ નાથવાણીને શપથ પણ અપાવ્યા હતા. જેઓ ત્રીજી વખત રાજ્યસભા માટે પસંદગી પામ્યાં છે.

આ પણ વાંચો: ભારતના VIP લોકોની જાસૂસી કરી રહ્યું છે ચીન, 10 હજાર લોકો પર પાડોશી દેશની નજર

શું હશે બદલાવ?
→ નીચલા ગૃહના સભ્યોને બેસવાની વ્યવસ્થા વિશે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, 257 સાંસદોને સદનના મુખ્ય કક્ષમાં 172 સાંસદોને વિઝિટર્સ ગેલેરીમાં બેસાડવા આવશે.

→ આ ઉપરાંત લોકસભાના 60 સભ્યો રાજ્યસભાના મુખ્ય કક્ષમાં બેસશે અને 51 સભ્યો રાજ્યસભાની ગેલેરીમાં બેસશે. રાજ્યસભાના ગૃહમાં બેસનારા સભ્યો લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેશે અને કાર્યવાહી વ્યવસ્થિત ચલાવવા માટે LED સ્ક્રિન લગાવવામાં આવશે.

→ સંસદની કાર્યવાહીમાં ભાગ લેનારા સભ્યોની હાજરી મોબાઈલ મારફતે એટલે કે ડિજિટલી લેવામાં આવશે.

→ આજે સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કાર્યવાહી સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ચાલશે. જ્યારે આવતીકાલ એટલે કે 15 સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ગૃહની કાર્યવાહી 1 થી 7 વાગ્યા સુધી આયોજિત થશે.

→ સંસદીય કાર્યવાહીમાં શનિવાર અને રવિવારે રજા નહીં હોય. જેનો અગાઉ કેટલીક વિપક્ષી પાર્ટીઓએ વિરોધ પણ કર્યો હતો.

→ તમામ સાંસદોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ લોકસભા અને રાજ્યસભામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખીને બેસવા માટે કાચની શીટ લગાડવામાં આવી છે.

→ સદનમાં પ્રવેશ કરનારા તમામ લોકોના શરીરનું તાપમાન માપવા માટે થર્મલ ગન અને થર્મલ સ્કેનરનો ઉપયોગ કરવામાં આવશે.

હોબાળા બાદ પ્રશ્નકાળને મળી મંજૂરી
કોરોનાનું કારણ આપીને પહેલા સરકારે આ મૉનસુન સેસનમાં પ્રશ્નકાળને હટાવી દીધો હતો. જેને લઈને ઘણો જ હોબાળો થયો હતો. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે, હવે સરકાર ઈચ્છી રહી છે કે, તેમને સંસદમાં કોઈ સવાલ ના પૂછવામાં આવે.
આ તમામ આરોપો બાદ આખરે સંસદ સત્રમાં પ્રશ્નકાળને મંજૂરી આપવામાં આવી છે. જો કે આ પ્રશ્નકાળ માત્ર 30 મિનિટનો જ રહેશે. જેમાં માત્ર લેખિત પ્રશ્નો જ પૂછી શકાશે.

આ બિલ રજૂ કરી શકે છે સરકાર
કેન્દ્ર સરકાર સંસદના આ મૉનસૂન સેશનમાં અનેક મહત્વના બિલ રજૂ કરી શકે છે. ભાજપ મહાસચિવ ભુપેન્દ્ર યાદવે સંસદ ડાયરીમાં જણાવ્યા મુજબ, સરકારની નજર 23 બિલો પર ચર્ચા અને તેને પાસ કરાવવા પર છે. જેમાં 11 બિલો એવા છે, જે અધ્યાદેશનું સ્થાન લેશે. આમાંથી કૃષિ અને બેંકિંગ નિયમો સાથે સંકળાયેલા 4 બિલોનો વિપક્ષ વિરોધ કરી શકે છે.

ટેક્સેસન એન્ડ અધર લૉજ ઑર્ડિનેન્સ, 2020
બેંકિંગ રેગ્યુલેશન (એમેન્ડમેન્ટ) ઑર્ડિનેન્સ, 2020
સેલેરી એન્ડ એલાઉન્સ ઑફ મિનિસ્ટર્સ એમેન્ડમેન્ટ ઓર્ડિનેન્સ, 2020
સેલેરી, એલાઉન્સીઝ એન્ડ પેન્શન ઑફ મેમ્બર ઑફ પાર્લિયામેન્ટ એમેન્ડમેન્ટ ઑર્ડિનેન્સ 2020
એસેન્સિયલ કમોડિટીઝ એમેન્ડમેન્ટ ઑર્ડિનેન્સ
ફાર્મર્સ પ્રોડ્યૂસ ટ્રેડ એન્ડ કૉમર્સ ઓર્ડિનેન્સ, 2020
ઈન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ ઑર્ડિનેન્સ, 2020
હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ ઓર્ડિનેન્સ, 2020
એપિડમિક ડિસીઝ એમેન્ડમેન્ટ ઓર્ડિનેન્સ, 2020

એવી પણ અટકળો થઈ રહી છે કે, આ સંસદ સત્રમાં વસ્તી નિયંત્રણ કાયદા માટે પ્રાઈવેટ મેમ્બર બિલ લાવવામાં આવી શકે છે. જેને લઈને હોબાળો થવાની પૂરેપૂરી શક્યતા છે. વસ્તી નિયંત્રણના બિલને લઈને ભાજપના અનેક મોટા નેતાઓ તરફથી છેલ્લા ઘણા સમયથી નિવેદનો આપવામાં આવી રહ્યાં છે. જ્યારે વિપક્ષી પાર્ટીઓ તેનો વિરોધ કરી રહી છે. આમ છતાં સરકાર તરફથી સત્તાવાર રીતે આ બિલને લઈને કોઈ જાણકારી આપવામાં આવી નથી.