Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ગાંધીધામ-અંજાર સહિત રાજ્યમાં 11 ATM તોડનાર મેવાત ગેંગ ઝડપાઇ, આ રીતે કરતા હતા ચોરી

ગાંધીધામ-અંજાર સહિત રાજ્યમાં 11 ATM તોડનાર મેવાત ગેંગ ઝડપાઇ, આ રીતે કરતા હતા ચોરી

0
576

કચ્છના ગાંધીધામ,અંજાર સહિત રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહિત ૧૧ બેંકના ATM તોડનારી મેવાત ગેંગને ઝડપી પાડવામાં આવી છે. છેલ્લા એકથી દોઢ વર્ષમાં કચ્છના અલગ અલગ શહેરમાં 11 ATM તોડીને લાખો રૂપિયાની ચોરી દ્વારા મેવાત ગેંગે ચકચાર મચાવી હતી જેને પોલીસે ઝડપી પાડી છે.

ગાંધીધામ, અંજાર અને પાલનપુર માં ATM તોડવાના બનેલા બનાવોને પગલે બોર્ડર રેન્જ ઇન્સપેક્ટર જનરલ ડી.બી. વાઘેલાએ ગંભીરતા સાથે તપાસ કરવાની પોલીસને તાકીદ કરી હતી. દરમ્યાન એલસીબીનાં ઇન્સપેક્ટર જે.પી. જાડેજાને તેમના આંતરરાજ્ય સોર્સ મારફત બાતમી મળી હતી કે, ATM ચોરીના બનાવોમાં હરિયાણાની મેવાત ગેંગ સંડોવાયેલી છે. જે પૈકીનો એક મુખ્ય માસ્ટર માઇન્ડ રાજસ્થાનમાં રહે છે અને ગુજરાતમાં ATM ચોરીને આખરી અંજામ આપે છે. જેને પગલે એક ટીમને રાજસ્થાનના જોધપુર રવાના કરવામાં આવી હતી. જોધપુરના ફ્લોદી તાલુકાના મલાર ગામમાંથી પોલીસે ATM ચોરીના માસ્ટર માઇન્ડ એવા હાસમદીન અલ્લાબચાયેખાન પઠાણને ઝડપી પાડ્યો હતો. ૪૬ વર્ષીય હાસમદીનની પૂછપરછમાં પૂર્વ કચ્છ પોલીસે ગુજરાતના ૯ શહેરોના ૧૧ ATM ચોરીના ભેદ ઉકેલી નાખ્યા હતા. છેલ્લા એક દોઢ વર્ષથી હાસમદીનની મેવાત ગેંગે ભરૂચ, સુરત, વડોદરા, અમદાવાદ, ગોધરા, રાજકોટ, ગાંધીધામ, પાલનપુર, અંજાર માં અલગ અલગ બેંકોના ૧૧ ATM તોડ્યા હતા.

પોલીસ પૂછપરછમાં ATM ચોરીની મૉડસ ઓપરેન્ડી વિશે રસપ્રદ માહિતી બહાર આવી છે. હાસમદીનની મેવાત ગેંગ મોબાઈલમાં ગુગલ મેપમાં GPS સિસ્ટમ દ્વારા હાઇવે રોડ ઉપર આવેલા ATM ને શોધીને તેમને ટારગેટ બનાવતી હતી. જોકે, એકવાર GPS દ્વારા ATM ટારગેટ કર્યા પછી ચોરી સમયે ગેંગના બધા જ સભ્યો મોબાઈલ બંધ કરી દેતા હતા. વળી, ચોરી કરવા માટે જે વાહન વાપરતા તે મહિન્દ્રા વ્હાઇટ યુટીલિટીને હરિયાણા પાસિંગની ટ્રક દ્વારા બનાવના સ્થળની આગળ સુધી લઈ જતા. એટલે ક્યાંયે કોઈ ટોલગેટ કે અન્ય જગ્યાએ વાહનનો પુરાવો મળે નહીં. ATM માં હાથમોજા પહેરીને ગેસ કટર દ્વારા કરન્સી ચેસ્ટના ભાગે કટિંગ કરીને ATM રહેલી રકમ કાઢી લેતા. ત્યારબાદ તેઓ યુટીલિટીમાં બેસીને ફરી જ્યાં ટ્રક રાખી હોય ત્યાં પહોંચી ને ટ્રકમાં યુટીલિટી જીપ ચડાવી નાસી છૂટતા હતા. જીપ અને ટ્રક બન્ને હરિયાણા પાસિંગની વાપરતા હતા. પોલીસે હવે ગેંગના અન્ય સભ્યો તેમ જ અન્ય ગુનાઓ વિશે હાસમદીનની વધુ પૂછપરછ કરવા તેના રિમાન્ડ મેળવવા સહિતની કામગીરી હાથ ધરી છે.

હરિયાણાના ૨૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો મેવાત છે. જ્યાં દેશના વિવિધ રાજ્યોમાં આવેલા ATM તોડીને તેમાંથી ચોરી કરનારી ૫૦ થી ૬૦ જેટલી ગેંગો સક્રિય છે. મેવાત ગેંગ તરીકે ઓળખાતા ATM ચોરીના આ બધા ગુનેગારો ખતરનાક છે. તેઓ પોલીસ ઉપર પણ હુમલો કરતા અચકાતા નથી. દરમ્યાન કચ્છમાં થયેલ ATM ચોરીના બનાવો પછી જિલ્લા કલેકટરે બહાર પાડેલ ગાઈડલાઈનને અનુસરવા આઈજી ડી.બી. વાઘેલાએ અને પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડે ૭૦ બેંક પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને તેમને સુરક્ષા ગાર્ડ સહિતની અન્ય સાવધાની રાખવા સૂચનાઓ આપી હતી. જોકે, કલેકટર કે પોલીસની સુચનાઓનું કચ્છની બેંકોએ કેટલું પાલન કર્યું એ તો રામ જાણે, પણ આજેય મોટા ભાગના ATM રામ ભરોસે જ છે.

ગુજરાત યૂનિ.ના કુલપતિ હિમાંશુ પંડ્યાએ ‘નીડ કમિટી’ના રિપોર્ટના ધજાગરા ઉડાવ્યા