Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: ગોતાના વિષ્ણુધારા ક્રોસ રોડ પર અડચણરૂપ ટ્રાફિક સર્કલ હટાવવાની લોકમાંગ

અમદાવાદ: ગોતાના વિષ્ણુધારા ક્રોસ રોડ પર અડચણરૂપ ટ્રાફિક સર્કલ હટાવવાની લોકમાંગ

0
295

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલી હદે પોલમપોલ ચાલી રહી છે તેનુ મોટું અને ગંભીર ઉદાહરણ સામે આવ્યુ છે. શહેરના ગોતા વોર્ડના વિષ્ણુધારા ક્રોસ રોડ (ટીપી-32) પર હાલમાં એક મસમોટું ટ્રાફિક સર્કલ ઉભું કરવામાં આવી રહ્યુ છે. ગંભીર બાબત એ છે કે, આ ચાર રસ્તા પર હાલમાં કોઇપણ પ્રકારની ટ્રાફિકની સમસ્યા નથી તો પણ વિના કારણે મસસોટું ટ્રાફિક સર્કલ ઉભુ કરાતા ભવિષ્યમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે તેવું દેખાઈ રહ્યું છે.

આ વિસ્તાર મુખ્યમાર્ગથી અત્યંત અંદરની તરફ આવેલો છે. આ સાથે જ વિસ્તારમાં હજી તો વોલ ટુ વોલ પાકા રોડ અને વરાસાદી લાઇનો સહિતના પ્રાથમિક કામો બાકી છે. બીજી ગંભીર બાબત એ છે કે, આ વિસ્તારમાં ઠેરઠેર ઉત્તર ગુજરાત વીજ કંપનીની ઓવરહેડ વીજ લાઇનો અને તેના સેંકડો થાંભલા આવેલા છે. જેને દૂર કર્યા વગર ભાજપના નેતા (બિપીન પટેલ-ગોતા)ની સીધી ભલામણથી અને તેમની વ્યક્તિગત વાહવાહી માટે એએમસીના ગાર્ડન વિભાગ દ્વારા કોઇપણ પ્રકારની સ્થળ મુલાકાત વગર આ સર્કલને મંજૂરી આપી દેવાઇ છે અને કામ શરૂ થઇ ગયુ છે.

વાસ્તવિકતા એ છે કે, રોડ હજી સંપૂર્ણ ખુલ્યો નથી અને બન્યો નથી, તેમ છતા વીજ કંપનીના થાંભલાઓની નજીક જ આ સર્કલ બનાવી દેવાયુ છે. ડિઝાઇન પણ એટલી હદે ખોટી બનાવાઇ છે કે જેના કારણે સર્કલ ઉંચુ બની રહ્યુ છે. જેથી સામેથી આવતા વાહનો તો જોઇ શકાતા જ નથી. જેથી અકસ્માતો વધવાની સંભાવના જોવાઇ રહી છે

જયારે આ સમગ્ર મામલામાં સૌથી મોટી ગંભીરતા એ છેકે આ સર્કલ બનવા અંગે ગોતા વિસ્તારના સ્થાનીક કોર્પોરેટરો અજાણ છે, કારણ કે સર્કલ બનાવતા પૂર્વે સ્થાનીક કોર્પોરેટરનો અભિપ્રાય પત્ર તેમના લેટર પેડ ઉપર આપવાનો હોય છે. આ મામલામાં ટ્રાફિક વિભાગનો અભિપ્રાય લેવાયો છે કે નહી તે અંગે પણ શંકાઓ ઉઠી છે. આ તમામ બાબતોને લઇને સ્થાનીકોમાં ભાજપના આ નેતા સામે રોષ છે અને સાથે જ એએમસી તંત્ર સામે પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે. બીજી તરફ ભાજપના આંતરીક રાજકારણને લઇને વિસ્તારના સ્થાનીકોને મુશ્કેલીઓ વેઠવી પડે તેવી સંભાવના છે. હાલ આ સર્કલના નિર્માણને લઇે વિરોધ છે આ સર્કલ તાત્કાલીક તોડીને રોડ પહેલાની જેમ ખુલ્લો થાય એવી માંગણી છે.

અમદાવાદના પ્રિયાંકે પરેશાનીને પરાસ્ત કરી, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના 8 મહિના બાદ મેરેથોનમાં દોડ્યો