Gujarat Exclusive > દેશ-વિદેશ > લોકડાઉનના લીધે 29 લાખ કેસો અટકાવી શકાયાઃ ડો. હર્ષવર્ધન

લોકડાઉનના લીધે 29 લાખ કેસો અટકાવી શકાયાઃ ડો. હર્ષવર્ધન

0
77

નવી દિલ્હીઃ સંસદ(Parliament)ના ચોમાસુ સત્ર (Monsoon session) )નો પ્રારંભ થઈ ગયો છે ત્યારે કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને (Harshvardhan) જણાવ્યું હતું કે લોકડાઉન(Lockdown)ના લીધે 29 લાખ સુધીના કોરોના કેસ અને 78,000 સુધીના મોત અટકાવવામાં મદદ મળી છે.

હર્ષવર્ધને જણાવ્યું હતું કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન સરકારનો હિંમતભર્યો નિર્ણય હતો અને ભારત દ્વારા આજે પણ કોરોનાને ડામવા માટે સામૂહિક ધોરણે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. સરકારના આ નિર્ણયના લીધે કોરોનાના 14થી 29 લાખ કેસો અને 37,000થી 78,000 મોત અટકાવી શકાયા છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસનો આંકડો આજે 50 લાખને પહોંચવાની નજીક છે અને મોત પણ 78,000થી ઉપર થઈ ચૂક્યા છે. આ સિવાય કોરોનાના કેસમાં ભારત હવે અમેરિકા પછી બીજા નંબરે આવી ગયું છે અને કોરોનાના કેસ વધવાની આ જ ગતિ જારી રહી તો દિવાળી સુધીમાં ભારત અમેરિકાને પણ વટાવી ટોચના ક્રમે આવી જશે તેમ માનવામાં આવે છે.

ડો. હર્ષવર્ધને (Harshvardhan) જણાવ્યું હતું કે કોવિડ-19ની (Covid-19) રસી  (Vaccine) લોન્ચ કરવાની કોઈ તારીખ હજી સુધી નક્કી થઈ નથી. આ રસી આગામી વર્ષના પ્રથમ ક્વાર્ટર સુધીમાં તૈયાર થઈ શકે છે.

તેમની આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે બ્રિટિશ નિયમનકારો પાસેથી મંજૂરી મળ્યા પછી ફાર્મા જાયન્ટ એસ્ટ્રા ઝેનેકા(Astra zeneca)એ કોવિડ-19 રસીના ટ્રાયલ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે. તેના ભારતીય ભાગીદાર સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા(Serum Institute of india)એ પણ યુકેની લાલઝંડી પછી ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા (DGCI))એ જારી કરેલી કારણદર્શક નોટિસના પગલે ટ્રાયલ અટકાવી દીધા હતા. જો કે હવે તે ટ્રાયલ ફરીથી શરૂ થઈ ગયા છે.

તેમણે ખાતરી આપી હતી કે સરકાર રસીના માનવીય ટ્રાયલમાં પૂરેપૂરી સાવધાની રાખી રહી છે. વેક્સિનની સલામતી, ખર્ચ, મૂડી, કોલ્ડ-ચેઇન જરૂરિયાત, ઉત્પાદનની સમયરેખા વગેરે મુદ્દાઓ પર તલસ્પર્શી ચર્ચા થઈ રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.એક વખત આ રસી તૈયાર થઈ જાય પછી જેને સૌથી વધુ જરૂર છે તેને પૂરી પાડવામાં આવશે. પરંતુ પ્રધાને જણાવ્યું હતું કે તેમને રસીનો પ્રથમ ડોઝ મળતા આનંદ થશે. ભારતમાં કેટલીક રસીના ટ્રાયલ ચાલી રહ્યા છે. હાલમાં અમે આગાહી કરી શકીએ તેમ નથી કે કઈ રસી સૌથી વધારે અસરકારક હશે. પરંતુ 2021ના પ્રથમ ક્વાર્ટરમાં આપણે ચોક્કસપણે પરિણામો જાણી શકીશું.