Gujarat Exclusive > દેશ-વિદેશ > બેન્કો લોન મામલે ગ્રાહકોની સમસ્યા ઉકેલેઃ સીતારમને આપી મુદત

બેન્કો લોન મામલે ગ્રાહકોની સમસ્યા ઉકેલેઃ સીતારમને આપી મુદત

0
112
  • લોન રાહત પૂરી થઈ છે ત્યારે પણ ઋણધારકોને ટેકો આપવો જરૂરી
  • કોરોનાની અસર ઋણધારકોની શાખપાત્રતા પર પડવી જોઈએ નહી

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામને ગુરુવારે બેન્કોને તેના ઋણધારક ગ્રાહકોને રાહત આપવાની સ્કીમ 15 સપ્ટેમ્બર સુધીમાં લાવવા જણાવ્યું હતું.  તેમણે કોવિડ-19ના લીધે સ્ટ્રેસમાં આવેલી બેન્ક લોન સંદર્ભમાં રિઝોલ્યુશન ફ્રેમવર્કના અમલીકરણ માટે આજે કોમર્સિયલ બેન્કો અને એનબીએફસીના ટોપ મેનેજમેન્ટ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

નાણાપ્રધાને બેન્કો પાસેે શેની ખાતરી માંગી?

નાણાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે રિઝોલ્યુશન સ્કીમ 15 સપ્ટેમ્બર 2020 સુધીમાં લાવવામાં આવે અને તેની જાગૃતિ માટે મીડિયા કેમ્પેઇન ચલાવવામાં આવે. તેમણે બેન્કોને તેમની વેબસાઇટ પર હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી સહિતની પ્રાદેશિક ભાષામાં આ રિઝોલ્યુશન ફ્રેમવર્ક અંગેની જાણકારી નિયમિત રીતે અપડેટ કરતા રહેવા અને તેમની ઓફિસો તથા બ્રાન્ચો સુધી સતત પહોંચાડતા રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ કોવિડ-19ના કારણે લોન EMIમાં રાહત બે વર્ષ સુધી લંબાવી શકાયઃ કેન્દ્ર-રિઝર્વ બેન્ક

ઋણધારકોને કોઈપણ રીતે રાહત અપાય

બેન્કરો સાથેની બેઠકમાં સીતારામને તે બાબત પર ભાર મૂક્યો હતો કે લોન ચૂકવણી પર મોરેટોરિયમનો અંત આવી ગયો છે ત્યારે પણ બેન્કોએ ઋણધારકોને ટેકો આપવો જ જોઈએ અને કોવિડ-19ના કારણે સર્જાયેલી સ્થિતિની ઋણધારકની શાખપાત્રતા પર બેન્કોએ અસર પાડવી જોઈએ નહી.

નાણાપ્રધાને મુખ્યત્વે બે મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ. એક તો લેણદારો તાત્કાલિક બોર્ડની માન્યતા પ્રાપ્ત નીતિવાળો ઠરાવ લાવે, તેની સાથે યોગ્ય ઋણધારકોને ઓળખી કાઢે અને તેમના સુધી પહોંચે તથા બીજું બેન્કોએ દરેક કારોબારમાં પ્રાણ ફૂંકવા માટે એક ટકાઉ રિઝોલ્યુશન પ્લાનનો ઝડપી અમલ કરે.

આ પણ વાંચોઃ ‘લોકો પરેશાન છે, પરંતુ બેન્ક વ્યાજ પર વ્યાજ વસૂલવામાં રોકાયેલી છે’

આ દરમિયાન બેન્કોએ ખાતરી આપી છે કે તેઓ તેમની રિઝોલ્યુશન પોલિસીઓ સાથે તૈયાર થઈ જશે અને યોગ્ય ઋણધારક સુધી પહોંચવા માટેના પ્રયાસો શરૂ કરી દેશે અને તેઓ આ માટે રિઝર્વ બેન્કે નિયત કરેલી માર્ગદર્શિકાઓનું પાલન કરશે.

રિઝર્વ બેન્ક પણ કરશે મદદ

નાણા મંત્રાલયે અહીં રિઝર્વ બેન્કે પણ સાથે રાખીને તે સુનિશ્ચિત કરવા કહ્યુ છે કે રિઝોલ્યુશન પ્રક્રિયામાં રિઝર્વ બેન્ક લેણદારોને મદદ કરે.આમ આના પગલે આગામી સમયમાં લોન મોરેટોરિયમ પછી લોન રિસ્ટ્રક્ચરિંગના મોરચે ઋણધારકોને સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ સંદર્ભમાં ઋણધારકોનો સુપ્રીમ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મોરચે ઋણધારકોને કઈ રીતે મદદ કરી શકાય તેની કાર્યપ્રણાલિ કે રૂપરેખા તૈયાર કરવામાં આવે અને પછી તે કોર્ટમાં રજૂ કરવામાં આવે. આ કેસમાં ગઈકાલે તેઓના વકીલે જણાવ્યું હતું કે લોકો કોરોનાથી પરેશાન છે અને બેન્કો વ્યાજ પર વ્યાજ વસૂલવામાં લાગેલી છે.