Gujarat Exclusive > દેશ-વિદેશ > LAC: ચુમારમાં ઘુસણખોરી કરી રહેલા ચીની સૈનિકોને ભારતીય જવાનોએ ભગાડ્યાં

LAC: ચુમારમાં ઘુસણખોરી કરી રહેલા ચીની સૈનિકોને ભારતીય જવાનોએ ભગાડ્યાં

0
82

નવી દિલ્હી: લાઈન ઑફ એક્ચ્યૂઅલ કંટ્રોલ (LAC) પર ચીન (China)ની ઘુસણખોરીની કોશિશ સતત વધતી જઈ રહી છે. ચીને મંગળવારે ચુમારમાં ઘુસણખોરીનો પ્રયત્ન કર્યો હતો. જો કે ભારતીય જવાનોને જોઈને ચીનના સૈનિકો પાછા વળવા મજબૂર બન્યા હતા.

ચીની સેના (PLA)ની લગભગ 7 થી 8 બખ્તરબંધ ગાડીઓ ચેપૂજી કેમ્પથી ભારતીય સરહદ તરફથી આગળ વધી રહી હતી. જો કે ભારતીય સેનાએ પણ ઘુસણખોરી રોકવા માટે પોતાના વાહનો તૈનાત કરી દીધા હતા. ભારતીય જવાનો ચીની સૈનિકોની કોઈ પણ પ્રકારની ઘુસણખોરી રોકવા માટે હાઈએલર્ટ પર છે.

અગાઉ સોમવારની રાત્રે ચીનના સૈનિકોએ બ્લેક ટૉપ અને હેલમેટ ટૉપમાં ઘુસણખોરીનો પ્રયત્ન કર્યો હતો. ચીની સૈનિકો અંધારાનો ફાયદો ઉઠાવીને ભારતીય સરહદમાં ઘુસી રહ્યાં હતા. જો કે ભારતીય સેનાના જાંબાજ જવાનોએ ચીનના નાપાક મનસૂબા પર પાણી ફેરવી દીધુ હતું.

ચીને 29-30 ઓગસ્ટની રાત્રે પણ ઘુસણખોરીનો પ્રયત્ન કર્યો હતો. જે વખતે પણ ભારતીય જવાનોએ તેના ઈરાદા નિષ્ફળ બનાવ્યા હતા.

આ પણ વાંચો: ગાંધીનગરમાં મળી વેધર વૉચ ગ્રૃપની બેઠક, રાજ્યમાં વરસાદની સ્થિતિની થઈ સમીક્ષા

જણાવી દઈએ કે, ભારત અને ચીન વચ્ચે મે મહિનાની શરુઆતના દિવસોથી જ તનાવની સ્થિતિ છે. 15 જૂને ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. જ્યારે સામે પક્ષે ચીનને પણ વ્યાપક નુક્સાન થયું હતું. ચીનના પણ 40થી વધુ સૈનિકો ભારતીય જાંબાઝ જવાનોના હાથે મોતને ભેટ્યા હતા. જો કે ચીન તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી કરવામાં આવ્યું.

જો કે હવે ઓગસ્ટમાં ફરીથી એક વખત નવી જગ્યા પર વિવાદ શરૂ થયો છે. પહેલાં જ્યાં વિવાદ હતો, હવે તે પેંગોંગ ઝીલના દક્ષિણ તરફ આવી ગયો છે.

ચીનની નાપાક હરકત પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે તનાવ વધી ગયો હતો. કારણ કે 29-30 ઓગસ્ટની રાત બાદ ચીની સૈનિકોએ સોમવારની રાત્રે પણ ઘુસણખોરીનો પ્રયત્ન કર્યો હતો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, તનાવને ઓછો કરવા માટે સૈન્ય સ્તરની વાતચીત થઈ રહી છે. આ દરમિયાન ચીની સૈનિકોએ ઘુસણખોરીનો ફરીથી પ્રયત્ન કર્યો. અમે રાજનયિક અને સૈન્ય લેવલે ચીન સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે.

બીજી તરફ ચીન સાથે ચાલી રહેલા તનાવ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહે હાઈલેવલ બેઠક યોજી હતી. જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર, NSA અજિત ડોભાલ, CDS જનરલ બિપિન રાવત અને સેના પ્રમુખ સામેલ થયા હતા. આ બેઠક લગભગ 2 કલાક ચાલી હતી.

સરહદ પર ભારતીય સેનાને ચીનની હરકતો અંગેની જાણકારી પહેલાથી જ હતી. ભારતીય સેનાની સ્પેશિયલ ઓપરેશન યુનિટ, શીખ લાઈટ ઈન્ફ્રેન્ટ્રીએ 29-30 ઓગસ્ટની રાત્રે ચીનના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. ગત એક સપ્તાહથી ભારતે બોર્ડર પર એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલને તૈનાત કરી દીધી છે. જેનાથી ચીની વિસ્તારોને ટાર્ગેટ કરી શકાય છે.