Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > કેમ ખાસ છે ટ્રીપલ તલાક બિલ, શું મુસ્લિમ મહિલાઓને મળશે તેમનો હક્ક?

કેમ ખાસ છે ટ્રીપલ તલાક બિલ, શું મુસ્લિમ મહિલાઓને મળશે તેમનો હક્ક?

0
731

ટ્રીપલ તલાક બિલ (Triple Talaq Bill) આખરે સંસદના બન્ને ગૃહોમાં પાસ થઈ ચૂક્યું છે અને હવે રાષ્ટ્રપતિ (President Of India) રામનાથ કોવિંદના (Ramnath Kovind) હસ્તાક્ષર થયા બાદ તે કાયદો બની જશે. મોદી સરકાર (Modi Govt) પોતાના ગત કાર્યકાળમાં ટ્રીપલ તલાક બિલને સંસદમાં પાસ કરાવવા માંગતી હતી, પરંતુ રાજ્યસભામાં અલ્પમત હોવાના કારણે તે શક્ય બન્યું નહતું. જો કે આ વખતે પણ સરકાર રાજ્યસભામાં (Rajyasabha) અલ્પમતમાં હોતી, પરંતુ સરકાર આ બિલને પાસ કરાવવામાં સફળ નીવડી.

રાજ્યસભામાં મંગળવારે બપોરે 12 કલાકે કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે ટ્રીપલ તાલક બિલ રજૂ કરતા જણાવ્યું કે, આજને દિવસ સદન માટે ઐતિહાસિક છે. 20થી વધુ ઈસ્લામિક દેશોમાં (Islamic Countries) ટ્રીપલ તલાક પ્રથા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે અને હવે ભારત જેવા દેશોમાં પણ આ અમલમાં નહી રહે. સુપ્રીમ કોર્ટે પણ તેને ગેરબંધારણીય ઠેરવ્યા છે.

બિલ પર વિપક્ષનો વિરોધ
સરકાર તરફથી રજૂ કરવામાં આવેલ ટ્રીપલ તલાક બિલ પર બોલતા નેતા વિપક્ષ ગુલામ નબી આઝાદે જણાવ્યું કે, આ બિલનો ઉદ્દેશ્ય મુસ્લિમ પરિવારોને તોડવાનો છે. સરકાર મુસ્લિમ મહિલાઓના નામે મુસલમાનોને ટાર્ગેટ કરી રહી છે. હવે આ બિલ મારફતે સરકાર ઘરના દીવાથી જ ઘરમાં આગ લગાવવા માંગી રહી છે.

આઝાદે વધુમાં જણાવ્યું કે, ઈસ્લામમાં લગ્ન સિવિલ કરાર છે અને તમે તેને ક્રિમિનલનું રૂપ આપી રહ્યાં છે. પોલીસ પાસે હવે વોરન્ટ વગર જેલમાં નાખવાનો હક્ક મળી રહ્યો છે. આ સાથે જ ત્રણ વર્ષની સજા, ભથ્થુ અને બાળકો તથા પત્નીનું ભરણપોષણ કરવાની જોગવાઈ પણ આ બિલમાં રાખવામાં આવી છે. જો કોઈ પતિને સજા મળે છે, તો શું તની પત્નીને સરકાર પૈસા પૂરા પાડશે.

હવે બિલ પાસ થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ તે કાયદો બની જશે, ત્યારે એક નજર નાંખી ટ્રીપલ તલાક બિલની 5 વિશેષ વાતો પર. જેના કારણે બિલની આલોચના કરનારા તેના આલોચના કરી રહ્યા છે, તો સમર્થન કરનારા આ બિલ દ્વારા મુસ્લિમ મહિલાઓની સ્થિતિમાં સુધારાનો દાવો કરી રહ્યા છે.

ટ્રીપલ તલાકની પાંચ પ્રમુખ વાત

1. ત્રણ તલાક એટલે કે તલાક-એ-બિદ્દત સંપૂર્ણ રીતે ગેરકાયદેસર બનાવી દીધો
2. ફરિયાદ પર પોલીસ વોરન્ટ વિના આરોપી પતિની ધરપકડ કરી શકે છે
3. ત્રણ તલાકનો કેસ જો કોર્ટમાં સાબિત થઈ ગયો, તો પતિને 3 વર્ષની જેલની સજા
4. મેજિસ્ટ્રેટ હવે મહિલાનો પક્ષ સાંભળ્યા વિના તેના પતિને જામીન નહીં આપી શકે
5. પીડિત મહિલા પતિ પાસે ભરણ-પોષણ માટે દાવો કરી શકે છે

સંસદના બન્ને ગૃહોમાં બિલ પાસે થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ઐતિહાસિક ગણાવ્યો છે. આ સાથે જ અન્ય કેન્દ્રીય મંત્રીઓએ પણ મુસ્લિમ મહિલાઓ માટે નવા યુગની શરૂઆત તરીકે જોઈ રહ્યા છે અને ગૃહમાં સભ્યોનો આભાર માન્યો.

હવે ટ્રીપલ તલાક બિલ પાસ થઈ ચૂક્યું છે અને તેની સાથે જોડાયેલ અને જોગવાઈઓ આકરી છે, પરંતુ જોવું પડશે કે તેનાથી શું મુસ્લિમ મહિલાઓની સ્થિતિમાં ખરેખર સુધારો આવે છે અને તેમને સમાજમાં બરાબરીનો હક્ક મળશે. હવે જ્યારે આ કાયદો બની જશે, મુસ્લિમ મહિલાઓની સ્થિતિમાં કેટલું પરિવર્તન આવે છે, તે જોવું રહ્યું.

ત્રણ તલાક બિલ રાજ્યસભામાં પાસ,પક્ષમાં 99 વિપક્ષમાં 84 મત પડ્યા