Gujarat Exclusive > રાજનીતિ > યેદિયૂરપ્પા આજે જ મુખ્યમંત્રી પદની શપથ લેવા તૈયાર, રાજ્યપાલને મળશે

યેદિયૂરપ્પા આજે જ મુખ્યમંત્રી પદની શપથ લેવા તૈયાર, રાજ્યપાલને મળશે

0
940

કર્ણાટકમાં એચડી કુમારસ્વામીની સરકાર પડી ભાગ્યા બાદ હવે નવી સરકારના ગઠન માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના બીએસ યેદિયૂરપ્પા આજે રાજ્યપાલ વજૂભાઈ વાળા સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. બીએસ યેદિયૂરપ્પાનું કહેવું છે કે, તેઓ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને આજે જ શપથ અપાવવા માટે આગ્રહ કરશે. જાણવા મળી રહ્યું છે કે, યેદિયૂરપ્પા આજે બપોરે 12:30 કલાકે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે.

અગાઉ કહેવામાં આવતું હતું કે, ભાજપ બળવાખોર ધારાસભ્યોને લઈને સ્પીકર રમેશ કુમારના નિર્ણયની રાહ જોવા માંગે છે, પરંતુ હવે અચાનક શુક્રવારે સવારે સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

જણાવી દઈએ કે, 24 જુલાઈના રોજ કર્ણાટક વિધાનસભામાં એચડી કુમારસ્વામીની સરકાર ફ્લોરટેસ્ટમાં નિષ્ફળ થઈ હતી. કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને માતેર 99 અને ભાજપને 105 મત મળ્યા હતા. એવામાં યેદિયૂરપ્પાના મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો બન્યો છે.

ગુરૂવારે કર્ણાટકના ભાજપ નેતાઓએ નવી દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં કર્ણાટકના નેતાઓએ અમિત શાહને રાજ્યની રાજકીય સ્થિતિથી વાકેફ કર્યા હતા.

3 બળવાખોર ધારાસભ્યો અયોગ્ય
જો બળવાખોર ધારાસભ્યોની વાત કરવામાં આવે તો, સ્પીકરે ગુરૂવારે સાંજે 3 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા છે. સ્પીકરે આ ત્રણ ધારાસભ્યોને વિધાનસભામાં હાલના કાર્યકાળ સુધી અયોગ્ય જાહેર કર્યા છે. આ ધારાસભ્યો હાલનો વિધાનસભા કાર્યકાળ સમાપ્ત થાય ત્યાં સુધી અયોગ્ય રહેશે. આ ધારાસભ્યોમાં કોંગ્રેસના રમેશ જારકિહોલી અને મહેશ કુમાત્તલ્લી ઉપરાંત અપક્ષ ધારાસભ્ય આર શંકરનો સમાવેશ થાય છે.