Gujarat Exclusive > રાજનીતિ > આખરે કર્ણાટકમાં ‘કમળ’ ખીલ્યું, યેદિયૂરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા

આખરે કર્ણાટકમાં ‘કમળ’ ખીલ્યું, યેદિયૂરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા

0
1034

કર્ણાટકમાં એચડી કુમારસ્વામીની સરકાર પડી ભાગ્યા બાદ હવે નવી સરકારના ગઠન માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી (BJP)ના બીએસ યેદિયૂરપ્પાએ રાજ્યપાલ વજૂભાઈ વાળા સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. યેદિયૂરપ્પાએ રાજ્યપાલને શપથ ગ્રહણ સમારોહ આજે જ આયોજિત કરવાનો આગ્રહ કર્યો હતો, જેને રાજ્યપાલને મંજૂર કર્યો હતો. જે બાદ કર્ણાટક ભાજપના અધ્યક્ષ બીએસ યેદિયૂરપ્પાએ ચોથી વખત કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યપાલ વજૂભાઈ વાળાએ યેદિયૂરપ્પાને શપથ અપાવ્યા હતા. રાજ્યપાલે તેમણે વિધાનસભામાં એક સપ્તાહની અંદર બહુમત સાબિત કરવા જણાવ્યું છે.

જણાવી દઈએ કે, 24 જુલાઈના રોજ કર્ણાટક વિધાનસભામાં એચડી કુમારસ્વામીની સરકાર ફ્લોરટેસ્ટમાં નિષ્ફળ થઈ હતી. કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને માતેર 99 અને ભાજપને 105 મત મળ્યા હતા. એવામાં યેદિયૂરપ્પાના મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો બન્યો છે.

ગુરૂવારે કર્ણાટકના ભાજપ નેતાઓએ નવી દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં કર્ણાટકના નેતાઓએ અમિત શાહને રાજ્યની રાજકીય સ્થિતિથી વાકેફ કર્યા હતા.

3 બળવાખોર ધારાસભ્યો અયોગ્ય
જો બળવાખોર ધારાસભ્યોની વાત કરવામાં આવે તો, સ્પીકરે ગુરૂવારે સાંજે 3 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા છે. સ્પીકરે આ ત્રણ ધારાસભ્યોને વિધાનસભામાં હાલના કાર્યકાળ સુધી અયોગ્ય જાહેર કર્યા છે. આ ધારાસભ્યો હાલનો વિધાનસભા કાર્યકાળ સમાપ્ત થાય ત્યાં સુધી અયોગ્ય રહેશે. આ ધારાસભ્યોમાં કોંગ્રેસના રમેશ જારકિહોલી અને મહેશ કુમાત્તલ્લી ઉપરાંત અપક્ષ ધારાસભ્ય આર શંકરનો સમાવેશ થાય છે.

યેદિયૂરપ્પા આજે જ મુખ્યમંત્રી પદની શપથ લેવા તૈયાર, રાજ્યપાલને મળશે