Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ રેલવે સ્ટેશન પર 33 મુસાફરો કરોનો પોઝિટિવ મળ્યા

અમદાવાદ રેલવે સ્ટેશન પર 33 મુસાફરો કરોનો પોઝિટિવ મળ્યા

0
66
  • ત્રણ ટ્રેનમાં આવેલાં 1872 મુસાફરોના ટેસ્ટ કરાયાં

  • કાલુપુર રેલવે સ્ટેશન પર દિવસ દરમિયાન ચાલેલી ટેસ્ટિંગની કામગીરી

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મધ્ય ઝોનના હેલ્થ વિભાગ દ્રારા આજે કાલુપુર રેલ્વે સ્ટેશન (kalupur Railway Station) પર આવતી ટ્રેનના મુસાફરોની ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન 1872 મુસાફરોનું ટેસ્ટ કરવામાં આવ્યું હતું. તેમાંથી 33 મુસાફરોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમાંય સૌથી વધુ 26 કેસ અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસમાં આવેલા મુસાફરોના નીકળ્યાં હતા.

અમદાવાદ શહેરમાં નોવેલ કોરાના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા બહુઆયામી વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.

આ પણ વાંચો: 260 કરોડની ઠગાઈના આરોપી દંપતીએ ભાજપ અગ્રણી સુરેન્દ્ર રાજપુત પર આક્ષેપો કર્યા હતા

શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં સમય ઘણો વ્યતિત થતો હોવાની સાથો સાથ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરતાં હોવાથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે જ આજે અમદાવાદ રેલવે સ્ટેશન (kalupur Railway Station) પર ટેસ્ટીંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 519 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 3 પોઝિટિવ કેસો મળ્યા હતા.

તે જ રીતે રાજધાની સ્પેશ્યલ ટ્રેનમાં આવેલા 823 પ્રવાસીઓમાંથી 26 અને મુઝફ્ફરપુર સ્પેશ્યલ ટ્રેન મારફતે આવેલા 530 પ્રવાસીઓની ચકાસણીમાં 4 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આમ સરવાળે કુલ 1872 મુસાફરોનું આજે દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 33 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. આ મુસાફરોને મેડિકલ ટીમ દ્રારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. તેમ જ તેઓને જરૂરી તબીબી સારવાર અર્થે કોવીડ કેર સેન્ટર/ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.

આ પણ વાંચો: PSP પ્રોજેક્ટને AMCની નોટીસ, એક કરોડનો દંડ કેમ ના કરવો તે અંગે ખુલાસો માંગ્યો

382માંથી 24 માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ વિસ્તારો દૂર કરાયા

અમદાવાદ શહેરમાં 382 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો અમલમાં છે. તેમાંથી આજે ચર્ચા વિચારણાં બાદ 24 વિસ્તારોને દૂર કરવાનો નિર્ણય કરાયો હતો. જેથી આ 24 વિસ્તારો બાદ કરાતાં 358 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો રહ્યાં હતા. તેની સામે 22 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં ઉમેરાતાં આ આંકડો ફરી પાછો 380 પર પહોંચ્યો છે. જેમાં દક્ષિણ ઝોનમાં 6, પૂર્વ ઝોનમાં 3, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 6, તથા ઉત્તર ઝોનમાં 4, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3નો સમાવેશ થાય છે.