Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નેતાઓ કોરોનાની ઝપેટમાં, પુરવઠા મંત્રી જયેશ રાદડીયા પોઝિટિવ અને અભય ભારદ્વાજની તબિયત કથળી

નેતાઓ કોરોનાની ઝપેટમાં, પુરવઠા મંત્રી જયેશ રાદડીયા પોઝિટિવ અને અભય ભારદ્વાજની તબિયત કથળી

0
118
  • રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટતા એક પછી એક નેતાઓ ઝપેટમાં
  • પુરવઠા મંત્રી જયેશ રાદડીયા અને જામનગર ગ્રામ્યના MLA રાઘવજી પટેલ પણ કોરોનાની ઝપેટમાં
  • સી.આર પાટીલ સંક્રમિત તો બીજી બાજુ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત વધારે કથળી

અમદાવાદ : ધીરે-ધીરે કોરોના ઘટવાને બદલે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં એક પછી એક રત્નકલાકારોથી માંડીને રાજકીય નેતાઓથી લઇને ડૉક્ટરો સહિત સૌ કોઇને પોતાના શિકાર બનાવતો જાય છે. રાજ્યમાં એક પછી એક મંત્રીઓ કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે. જાણે કે હવે કોરોના રાજકીય યાત્રાએ નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યનાં પુરવઠા મંત્રી જયેશ રાદડીયા (Jayesh Radadiya) અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. બીજી બાજુ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ (Abhay Bharadwaj) ની તબિયત પણ વધારે કથળી હોવાનું સામે આવ્યું છે.

હાલ રાજ્યમાં એક પછી એક ભાજપના નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ભાજપનાં નેતાઓમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. છેલ્લાં કેટલાંક સમયથી અનેક નેતાઓને મળી ચૂકેલ મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જો કે, તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને મોટી રાહત થઈ છે.

રાજકોટમાં રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. ગઇ કાલે રાત્રે ઓક્સિજન લેવલ ડાઉન થતા તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. 31 ઓગસ્ટનાં રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ તેમનો પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ પુલવામામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, બંને બાજુએથી ફાયરિંગ શરૂ

રાજ્યનાં ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબત તથા કુટીર ઉદ્યોગ, છાપકામ અને સ્ટેશનરી વિભાગનાં મંત્રી જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે તેમણે ખુદે ટ્વિટ કરીને માહિતી પણ આપી છે કે, “મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી હું હોમ ક્વૉરન્ટાઇન થઇ રહ્યો છું.” તેમણે છેલ્લાં અઠવાડીયા દરમિયાન તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, તેઓ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન તેમની સાથે હતા. થોડાંક દિવસોથી તેમને કોરોનાના લક્ષણો પણ જણાતા હતાં. જેથી તેઓએ ટેસ્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ ઉપરાંત સુરતની જો વાત કરીએ તો સુરત ભાજપના બે કોર્પોરેટરોના પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. સુરતમાં અમિતસિંહ રાજપૂત અને મુકેશ દલાલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમિત મનપાની ડ્રેનેજ કમિટીના ચેરમેન છે જ્યારે મુકેશ દલાલ માજી સ્થાયી સમિતિ અધ્યક્ષ છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેઓએ પણ તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

આ પણ વાંચોઃ ચીનના જૂઠ્ઠાણાનો પર્દાફાશ, વુહાનની સરકારી લેબમાં જ બન્યો કોરોના વાઈરસ!