Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ભાજપનું રાજયાશ્રય ધરાવતાં જયેશ સામે 40 ગુના, અર્જુન મોઢવાડિયાના BJP પર પ્રહાર

ભાજપનું રાજયાશ્રય ધરાવતાં જયેશ સામે 40 ગુના, અર્જુન મોઢવાડિયાના BJP પર પ્રહાર

0
285
  • વિદેશની ધરતી પરથી વિના રોકટોક નેટવર્ક ચલાવતો જામનગરનો જયેશ

  • સામાન્ય માણસને પાસામાં પુરી દેતી ભાજપ સરકાર જયલાને તાત્કાલિક પકડે : કોંગ્રેસ

અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ( GPCC )ના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ વિદેશની ધરતી પરથી વિના રોકટોક પોતાના મળતિયા દ્રારા જયેશ રાણપરીયા ઉર્ફે જયલો ખુલ્લેઆમ માફિયા નેટવર્ક ચલાવી રહ્યો છે. જયેશ રાણપરિયાનું નેટવર્ક તોડવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગયું છે. છેલ્‍લા પાંચ વર્ષથી જામનગર શહેરમાં ભાજપના રાજ્યાશ્રય અને ચોક્કસ પોલીસ અધિકારીઓ અને રાજનેતાઓની સાંઠગાંઠથી સોપારી આપીને હત્યા કરાવનાર, અનેક વેપારીઓ, બિલ્‍ડરોની જમીનો પડાવી લેનાર જયેશ સામે 40થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

ભાજપ સરકારની ઝાટકણી કાઢતાં અર્જુન મોઢવાડિયાએ એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે ગુજરાતમાં માસ્‍ક ન પહેરનાર સામાન્‍ય નાગરીક પોલીસ સામે કે રેવન્‍યુ અધિકારીઓ સામે રકજક કે દલીલો કરે તો તેમને પાસામાં પુરીને જેલમાં ધકેલી દેવાય છે. પરંતુ જામનગરના જયલાએ અનેક બિલ્‍ડરોની પોતાના મળતીયાઓ મારફત રૂ.150 કરોડ કરતાં વધારે કિમંતની જમીનના ખોટા દસ્‍તાવેજો બનાવી લીધાં છે. તેમનું નેટવર્ક બહાર લાવનાર વકિલની સોપારી આપીને હત્‍યા કરાવી છે, દાણચોરીથી વિદેશ રૂપિયાની સિગારેટનો મુદ્દામાલ પકડાયો તેમાં સંડોવાયો છે.

આ પણ વાંચો: તમિલશાળા બંધ કરી રાજ્ય સરકારે વડાપ્રધાન મોદીનું અપમાન કર્યુ

ખોટા દસ્‍તાવેજોથી જમીનો પોતાના મળતિયાઓના નામે કરવાના કિસ્‍સાઓ તો જામનગરથી માંડીને સુરત સુધીના છે તેના દસ્‍તાવેજી પુરાવાઓ છે. સોપારી આપીને એક બિલ્‍ડરની હત્‍યા કરાવવાની કોશિશનો ગુનો તો થોડા અઠવાડિયા પહેલાં જ બનેલો છે. જયલો પોતાના મળતિયાઓ સાથે વિદેશમાં બેસીને ખુલ્‍લે આમ ટેલિફોનીક વાતો કરે છે અને વેપારીઓ બિલ્‍ડરોને ધમકીઓ આપીને સોદાઓ-સેટલમેન્‍ટ કરાવીને સમાંતર સરકાર ચલાવે છે.

પોલીસ, વહિવટીતંત્ર અને ગાંધીનગરનું સચિવાલય જયલાના નેટવર્કના ટપોરીઓ, અમુક બિલ્‍ડરો અને રાજકિય આકાઓના નામ જાણે છે છતાં રાજ્યની ભાજપ સરકારે પગલાં લેવા તો દૂર રહ્યા પરંતુ આવા તત્‍વોને રાજ્યાશ્રય આપે છે. ભાજપની નમાલી સરકાર જયલા અને તેમના નેટવર્ક સામે નતમસ્‍તક થઈને ઉભી છે.

GPCCના પૂર્વ પ્રમુખે વધુમાં જણાવ્‍યું હતું કે ભાજપના 25 વર્ષના શાસનમાં જીલ્‍લે-જીલ્‍લે નવા ગુંડાઓ અને માફિયાઓ ઉભા થયા છે. હવે તો 107 જેટલા રેકોર્ડબ્રેક ગુનાઓ નોંધાયેલા હોય અને એક વર્ષ જેલમાં જઈ આવેલા હોય તેવા નમુનેદાર પ્રદેશ પ્રમુખ ભાજપને મળ્યા છે એટલે જીલ્‍લે-જીલ્‍લે આવા માફીયા તત્‍વો ગેલમાં આવી ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો: CBSEની માફક ગુજરાતમાં અભ્યાસક્રમ ઘટાડવા સરકારને Congressની માંગ

તેમણે એમ પણ જણાવ્યું હતુ કે સૌરાષ્‍ટ્ર, ગુજરાતના મોટા અને નાના શહેરોમાં જમીનોના ભાવો ઉચકાતા જમીન વિવાદોનો નિકાલ કરવામાં ભાજપનું કહ્યાગરા વહિવટીતંત્ર નિષ્‍ફળ ગયું છે. ત્યારે ગેરકાયદે ખાણકામ, દારુ-જુગારના અડ્ડાઓ, લુખ્ખાગીરી કરવા તત્વોએ પોલીસ, ભાજપની સંગાથે સમાજ જીવનનો કબ્‍જો લઈ સમાંતર સરકાર ચલાવે છે અને જામનગર કાયદો અને વ્‍યવસ્‍થાની તેમનું ઉત્તમ ઉદાહરણ બન્‍યું છે. પરંતુ બીજા જીલ્‍લાઓની કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ પણ જામનગરથી ઓછી બદતર નથી. જયલા સાથે સંકળાયેલા માફિયા નેટવર્ક અને બે-ત્રણ નામચીન બિલ્‍ડરો અને રાજકીય આકાઓ સામે ગુજસીટોક એકટ લગાડવા અને જયલાનો રાજ્યાશ્રય દૂર કરાવીને તેને તાત્‍કાલિક જબ્બે કરવાની તેમણે માગણી કરી છે.