Gujarat Exclusive > દેશ-વિદેશ > SCOની બેઠકમાં પાકિસ્તાને ખોટા નક્શાનો કર્યો ઉપયોગ, ભારતે અધવચ્ચે ચર્ચા છોડી

SCOની બેઠકમાં પાકિસ્તાને ખોટા નક્શાનો કર્યો ઉપયોગ, ભારતે અધવચ્ચે ચર્ચા છોડી

0
74
  • SCO દેશોની સુરક્ષા સબંધી બેઠકમાં પાકિસ્તાનની અવળચંડાઈ

  • પાકિસ્તાની NSA દ્વારા રજૂ કરાયો ખોટો નક્શો

  • નક્શામાં છેડછાડથી નારાજ ભારતે બેઠકનો કર્યો બહિષ્કાર

નવી દિલ્હી: દરેક આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ભારત વિરુદ્ધ કંઈને કંઈ અવળચંડાઈ કરવી અને કાશ્મીર રાગ આલાપવાની પાકિસ્તાનની આદત યથાવત છે. પાકિસ્તાનના એક પ્રતિનિધિ દ્વારા એક “કાલ્પનિક” નક્શામાં ભારતીય ભૂભાગને પાકિસ્તાનના હિસ્સા તરીકે દર્શાવવામાં આવ્યાના વિરોધમાં ભારતે મંગળવારે શાંઘહાઈ સહયોગ સંગઠન (SCO)ના સભ્ય દેશોની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકનો બહિષ્કાર કર્યો છે.

મંગળવારે શાંઘહાઈ સહયોગ સંગઠન (SCO)ના સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની એક મહત્વની બેઠક હતી. જેમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે પાકિસ્તાનની કરતૂતોનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

આ બેઠકમાં પાકિસ્તાની PM ઈમરાન ખાનના રાષ્ટ્રીય સુરક્ષા બાબતોમાં ઉપ-સહાયક મોઈન યુસૂફે ભાગ લીધો હતો. વર્ચ્યુઅલ બેઠકમાં પાકિસ્તાની પ્રતિનિધિની પાછળ જે નક્શો લગાવવામાં આવ્યો હતો, તેમાં સમગ્ર કાશ્મીર પાકિસ્તાનમાં દર્શાવવામાં આવ્યું હતું. ડોભાલે તેનો વાંધો ઉઠાવ્યો અને આ બેઠક અધવચ્ચે પડતી મૂકી દીધી હતી.

વિદેશ મંત્રાલયના સુત્રો પ્રમાણે, પાકિસ્તાને ભારતના ભૌગોલિક ભાગને પોતાના નક્શામાં દર્શાવીને SCOના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. SCOના તમામ સભ્યો વચ્ચે એકબીજાના ભૌગોલિક અખંડતા અને સંપ્રભૂતાનો આદર કરવાની સમજૂતિ છે. જેનો પાકિસ્તાને ભંગ કર્યો છે.

ભારતે પાકિસ્તાન તરફથી રજૂ કરાયેલા આ ગેરકાયદેસરક નક્શા પર વાંધો ઉઠાવ્યો અને SCOના હાલના અધ્યક્ષને આ વાતથી વાકેફ પણ કરાવ્યા છે.

આ પણ વાંચો: Life On Vinus: વૈજ્ઞાનિકોને મોટી સફળતા, શુક્ર ગ્રહ પર મળ્યા જીવન હોવાના સંકેત

બીજી તરફ આ બેઠક આયોજિત કરનારા રશિયાના NSA નિકોલાઈ પાતૃસેવએ SCO બેઠકમાં ભાગ લેવા આવેલા ભારતીય NSA અજીત ડોભાલનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, રશિયા પાકિસ્તાનના ના નાપાક પગલાનું સમર્થન નથી કરતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, પાકિસ્તાનનું આ ભડકાવનારું પગલું SCOમાં ભાગ લેવાના ભારતના નિર્ણયને અસર નહીં કરે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને તાજેતરમાં કાશ્મીરના એક મોટા ભાગને પોતાના નક્શામાં સામેલ કરવાનો કાયદેસરનો નિર્ણય કર્યો હતો. જો કે જમીની સ્તરે તેનો કોઈ અર્થ નથી, પરંતુ કૂટનીતિક મંચો પર પાકિસ્તાન તેનો ઉપયોગ કરવા લાગ્યું છે.

પાકિસ્તાને દરવખતની જેમ કાશ્મીર રાગ આલાપ્યો કે, કેવી રીતે કાશ્મીરના કારણે ક્ષેત્રીય શાંતિ જોખમાઈ છે. SCOમાં ભારત, પાકિસ્તાન, રશિયા ઉપરાંત ચીન, તજાકિસ્તાન, કિર્ગિસ્તાન, ઉઝ્બેકિસ્તાન અને કઝાખસ્તાન પણ સભ્ય છે.