Gujarat Exclusive > દેશ-વિદેશ > લૉકડાઉનમાં કેટલા મજૂરોના થયા મોત? સંસદમાં સરકારે આપ્યો જવાબ

લૉકડાઉનમાં કેટલા મજૂરોના થયા મોત? સંસદમાં સરકારે આપ્યો જવાબ

0
84

નવી દિલ્હી: 68 દિવસના રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન (India Lockdown) દરમિયાન કેટલા પ્રવાસી મજૂરો (Migrant Labour) ના મોત થયા હતા? જેની કેન્દ્ર સરકારને કોઈ જાણકારી નથી. સોમવારે એક પ્રશ્નનો જવાબ આપતા સરકારે સંસદમાં આ જાણકારી આપી હતી.

સરકારે કહ્યું કે, આ પ્રકારના કોઈ આંકડા એકઠા કરવામાં આવ્યા નથી. આથી મૃતકોના પરિવારજનોને વળતર આપવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો. કોરોના વાઈરસ મહામારીના કારણે કેટલા લોકોએ નોકરીઓ ગુમાવી? આ બાબતે પણ સરકારે કોઈ જવાબ આપ્યો નથી.

મૉનસૂન સેશનના પ્રથમ દિવસે સરકારને લેખિત પ્રશ્ન કરતા પૂછવામાં આવ્યું હતું કે,  “શું સરકારને જાણ છે કે, લૉકડાઉન દરમિયાન પોતાના ઘરે પરત ફરતાં સમયે હજારો પ્રવાસી મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો? શું સરકાર પાસે તેની કોઈ રાજ્ય પ્રમાણે યાદી છે કે કેમ?

આ સિવાય સરકારને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે, શું સરકારે એવા પીડિતોના પરિવારજનોને કોઈ વળતર કે આર્થિક સહાય પૂરી પાડી હતી?”

આ પ્રશ્નનો લેખિત જવાબ આપતા શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે, “એવા કોઈ આંકડો હાલ ઉપલબ્ધ નથી. આમ આવા કોઈ ચોક્કસ આંકડા એકત્ર કરવામાં આવ્યા જ નથી, તો પછી પીડિતોના પરિવારજનોને વળતર આપવાનો પ્રશ્ન જ પેદા નથી થતો.

પોતાના જવાબમાં મંત્રાલયે એમ પણ કહ્યું કે, તેમણે મહામારી દરમિયાન ગયેલી નોકરીઓ ઉપર પણ નજર નથી રાખી. આટલું જ નહીં, તેમની પાસે આ સંદર્ભે કોઈ ડેટા પણ નથી.”

લૉકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોને પડેલી સમસ્યાનું આકલન કરવામાં સરકારની નિષ્ફળતા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપ્યો હતો. જેમાં મંત્રાલયે કહ્યું કે, એક દેશ તરીકે ભારતે કેન્દ્ર અને રાજ્ય સરકારો, સ્થાનિક સંસ્થાઓ, રેસિડેન્ડ વેલફેર એસોસિએશન્સ, સ્વાસ્થ્ય કર્મચારી, સફાઈ કર્મચારીઓ સાથે મોટી સંખ્યામાં બિન સરકારી સંગઠનો (NGO)ની મદદથી કોરોના પ્રકોપના કારણે આવેલા માનવ સંકટ અને રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનનો સમગ્ર દેશે સામનો કર્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: ટ્રેનમાં મુસાફરોના ટેસ્ટિંગમાં આજે વધુ 17 પોઝીટીવ કેસો મળ્યા

પ્રવાસી મજૂરો માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા
મંત્રાલયે પોતાના જવાબમાં એ પણ જણાવ્યું કે, પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવા માટે ભારતીય રેલવેએ 4,611 થી વધુ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવી. આ ટ્રેનો મારફતે 63.07 લાખ કરતાં વધુ પ્રવાસી મજૂરોને અલગ-અલગ ઠેકાણે પહોંચાડવામાં આવ્યા છે.

સ્વતંત્ર ભારતનું સૌથી મોટુ પલાયન
જણાવી દઈએ કે, કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરૂપે માર્ચમાં લાગુ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન બાદ લાખો પ્રવાસી મજૂરો પગપાળા જ પોતાના ઘર તરફ જવા નીકળી પડ્યાં હતા. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં લોકોનું પલાયન જોવા મળ્યું હતુ.

“ઘર વાપસી” દરમિયાન અનેક મજૂરો અકસ્માત અને ટ્રેનની અડફેટમાં આવવાના કારણે મોતને ભેટ્યા હતા. જ્યારે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં પણ લગભગ 110 જેટલા મજૂરોના મોત થયા હતા.