Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > હોમ ક્વૉરન્ટાઇનનો ભંગ કરી મણિનગરનું દંપતિ પુના જતું રહ્યું, પોલીસ ફરિયાદ દાખલ

હોમ ક્વૉરન્ટાઇનનો ભંગ કરી મણિનગરનું દંપતિ પુના જતું રહ્યું, પોલીસ ફરિયાદ દાખલ

0
41
  • ટેસ્ટીંગ દરમિયાન દર્દી સંક્રમિત જણાય અને કોઇ લક્ષણ ના જણાય તો હોમ ક્વૉરન્ટાઇન
  • સંજીવની ઘર સેવાની ચકાસણી દરમિયાન દંપતિનાં ઘરે તાળું મળી આવ્યું
  • આ દર્દીની વિગતો સાથેની જાણ પુના મ્યુનિ. કોર્પોરેશનને કરી દેવાઇ છે


અમદાવાદઃ
હોમ ક્વૉરન્ટાઇન (Home quarantine) ની ગાઇડલાઇનનો ભંગ કરવા બદલ મણિનગર વોર્ડમાં રહેતાં કોરોના પોઝીટીવ દર્દી શ્રીમતિ નિલમબેન તથા તેમના પતિ મનીષભાઇ ગાયકવાડ સામે એપેડેમિક ડિસીઝ એક્ટ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ મ્યુનિ.નાં હેલ્થ વિભાગ દ્રારા મણિનગર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. દંપતિને હોમ ક્વૉરન્ટાઇન (Home quarantine) કરાયું હોવા છતાં તે દંપતિ પુના સારવાર લેવા પહોંચી જતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા કોરોનાની વૈશ્વિક મહામારીને અટકાવવા માટે અનેક વિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. જેમાં કોરોનાના દર્દીઓને વહેલીમાં વહેલી તકે શોધવા માટે શહેરમાં જુદી-જુદી જગ્યાએ તમામ અર્બન હેલ્થ સેન્ટરો, ધન્વંતરી રથ, સંજીવની વાન અને 104 હેલ્પ લાઇન દ્રારા લોકોના ઘર આંગણે ટેસ્ટીંગની સુવિધા પુરી પાડવામાં આવે છે. આ ટેસ્ટીંગ દરમિયાન જો કોઇ દર્દી સંક્રમિત મળી આવે અને તેને કોઇ લક્ષણ ના જણાય તો તેવા દર્દીને હોમ ક્વૉરન્ટાઇન કરવામાં આવે છે. આવા હોમ ક્વૉરન્ટાઇન દર્દીઓને સંજીવની વાન ઘર સેવા મારફતે મુલાકાત લેવામાં આવે છે.

શહેરના મણિનગરનાં શ્રીધર એપાર્ટમેન્ટમાં રહેતા મનીષભાઇ ગાયકવાડ ડ્રાઇવર તરીકેની છુટક કામગીરી કરે છે. જયારે તેમના પત્ની નિલમબેન અગાઉ સિધ્ધિ વિનાયક હોસ્પિટલમાં નોકરી કરતા હતા. ગઇ તા. 28મી જુલાઇનાં રોજ મિલ્લતનગર, મણિનગર ખાતે ઊભી રહેલી ધન્વંતરી રથમાં શ્રીમતિ નિલમબેન તથા મનીષભાઇ ગાયકવાડ ( રહે. શ્રીધર એપાર્ટમેન્ટ, ગુરુદ્રારાની સામે, મણિનગર ) ના એન્ટીજન ટેસ્ટ કર્યા હતાં. જેમાં શ્રીમતિ નિલમબેન ગાયકવાડ પોઝીટીવ જણાયા હતાં.

આ પણ વાંચોઃ અ’વાદનાં આ ગામમાં કોરોનાનાં 29 કેસ આવતા હાહાકાર, સુરતમાં ex કોર્પોરેટરનું નિધન

બાદમાં ધન્વંતરી રથના મેડિકલ ઓફીસર દ્રારા તેમને જરૂરી દવાઓ પુરી પાડી હતી અને તેમને હોમ ક્વૉરન્ટાઇન થવા માટે જણાવ્યું હતું. અર્બન હેલ્થ સેન્ટરની ટીમ તેઓની મુલાકાત લેશે તેમ જણાવી તેમને ઘરે જવા કહ્યું હતું. ત્યાર બાદ તે જ દિવસે અર્બન હેલ્થ સેન્ટરની ટીમ તેમના ઘરે જઇને વધારાની દવા પણ પુરી પાડી હતી. તેની સાથે તેમને 14 દિવસ હોમ ક્વૉરન્ટાઇન રહેવા માટે સૂચના આપી હતી. નિયમાનુસાર હોમ ક્વૉરન્ટાઇનના સ્ટીકર પણ લગાવેલા હતાં.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા હોમ ક્વૉરન્ટાઇન થયેલા દર્દીઓની સ્વાસ્થ્યની તપાસણી માટે સંજીવની ઘર સેવા શરૂ કરી છે. ગઇ તા. 31મી જુલાઇના રોજ સંજીવની ઘર સેવાની ચકાસણી દરમિયાન નિલમબેન તથા તેમના પતિ મનીષભાઇ ઘરે મળી આવ્યા ન હતાં. તેમના ઘરે તાળું હતું.

આજુબાજુનાં રહીશોને પૂછતાં કહ્યું, ‘તેઓ બહાર જતાં રહ્યાં છે’

આજુબાજુના રહીશોને પૂછતાં તેઓએ દર્દી બહાર જતાં રહ્યાં હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તેઓને 31મીના રોજ ટેલીફોનિક સંપર્ક પણ નિષ્ફળ ગયો હતો. જેથી 1લી ઓગસ્ટના રોજ દક્ષિણ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફીસર દ્રારા તેમનો ટેલીફોનિક સંપર્ક કરતાં તેઓ તથા તેમના પત્ની 28મી જુલાઇના રોજ મોડી રાત્રે પોતાના ખાનગી વાહનમાં પુના ખાતે પહોંચી ગયા છે. તેમના પત્ની પુનાની કોઇ ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યાનું જણાવ્યું હતું.

આમ, મનીષભાઇ ગાયકવાડ તેમનના પત્ની સંક્રમિત હોવા છતાં અને કોર્પોરેશનનાં અધિકારીઓએ તેમને બંનેને હોમ ક્વૉરન્ટાઇન થવાની સૂચના આપી હોવા છતાં હોમ ક્વૉરન્ટાઇનની ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો. જાતે જ સંક્રમિત વ્યક્તિને ઘરની બહાર લઇ જઇને પુના સુધીના માર્ગમાં અનેક વ્યક્તિઓ સંક્રમિત થાય તે પ્રકારનું કત્ય કર્યું છે.

આ બાબતની ગંભીર નોંધ લઇને મનીષ ગાયકવાડ તથા તેમના પત્ની શ્રીમતિ નિલમબેન વિરુદ્ધ હોમ ક્વૉરન્ટાઇનની ગાઇડલાઇનનો ભંગ કરવા બદલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ દર્દીની વિગતો સાથેની જાણ પુના મ્યુનિ. કોર્પોરેશનને કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ કોરોનાથી બગડતી સ્થિતિનો તાગ મેળવવા CM અને DyCM આજે સુરત જશે