Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ગુજરાતના કેટલાક ભાગોમાં 1 ઓગસ્ટથી ભારે વરસાદની આગાહી

ગુજરાતના કેટલાક ભાગોમાં 1 ઓગસ્ટથી ભારે વરસાદની આગાહી

0
279
  • બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યૂલેશનની અસર

  • મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે

  • ગુજરાતમાં સિઝનનો 41% વરસાદ નોંધાયો

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાનું આગમન તો થઈ ગયું છે, પરંતુ રાજ્યના કેટલાક ભાગો હજુ પણ વરસાદની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં છે. અગાઉ સૌરાષ્ટ્રમાં જ કૃપા વરસાવીને મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે હવે હવામાન વિભાગે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યૂલેશનની અસરના પગલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 લાખને પાર, 31 ઓગસ્ટ સુધી લૉકડાઉન લાગૂ

ગુજરાતમાં બુધવારે વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં જણાવાયું હતું કે,
“અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 41 ટકા વરસાદ વરસ્યો છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યૂલેશનની અસરથી ગુજરાતમાં આગામી શુક્રવારથી ભારે વરસાદ વરસી શકે છે.

જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને ગિરસોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.”

આ બેઠક દરમિયાન હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, સાયક્લોનિક સર્ક્યૂલેશનની અસર અત્યારથી શરૂ થઈ ગઈ છે. જો કે તેની સૌથી વધુ અસર 1 ઓગસ્ટથી દેખાવા લાગશે.

આ બેઠકમાં કૃષિ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધી 70.27 લાખ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોની વાવણી થઈ ચૂકી છે. ગત વર્ષે આજ સમય દરમિયાન 58.17 લાખ હેક્ટરમાં વાવણી કરવામાં આવી હતી.

સિંચાઈ વિભાગના જણાવ્યા પ્રમાણે, સારા વરસાદના કારણે રાજ્યના ડેમોમાં પાણીના સંગ્રહની સ્થિતિ સુધરી છે. હાલ રાજ્યના ડેમોમાં ક્ષમતા કરતા 50 ટકા વધુ સંગ્રહ થઈ ચૂક્યો છે.