Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ‘મેક ઈન ઈન્ડિયા’ને ફટકો! એક પછી એક ઑટો કંપનીઓ છોડી રહી છે ભારત

‘મેક ઈન ઈન્ડિયા’ને ફટકો! એક પછી એક ઑટો કંપનીઓ છોડી રહી છે ભારત

0
365
  • દેશના પરફોમન્સ ‘બાઈક લવર્સ’ માટે માઠા સમાચાર
  • Harley-Davidsonની સૌથી સસ્તી બાઈકનીં કિંમત ₹ 4.69 લાખ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “મેક ઈન ઈન્ડિયા” અભિયાનને એક મોટો ફટકો પડ્યો છે. અમેરિકાની મોટી વ્હીકલ મેન્યુફેક્ચરિંગ કંપની હાર્લી-ડેવિડસન (Harley-Davidson)એ ભારતમાંથી પોતાનો ધંધો સમેટવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ પોતાની પ્રોડક્ટ્સનું વેચાણ ઘટવા અને ખર્ચ વધવાના કારણે નફો ઘટતા ભારતમાં બિઝનેસ બંધ કરવાનું નક્કી કર્યું છે.

વિશ્વભરમાં Harley-Davidson પોતાની શાનદાર એન્જિન ક્ષમતા ધરાવતી બાઈક્સ માટે જાણીતી છે. છેલ્લા એક દાયકાથી કંપની ભારતમાં બિઝનેસ કરી રહી હતી.

આ અંગે કંપનીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, Harley-Davidson કેટલાક આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી પોતાનો ધંધો સમેટી રહી છે. જે અંતર્ગત ભારતમાં પણ તે પોતાના વાહનોના નિર્માણ અને વેચાણને બંધ કરવા જઈ રહી છે. કંપનીએ પોતાના ખર્ચાઓમાં લગભગ 75 મિલિયન ડૉલરનો કાપ મૂકવાની યોજના બનાવી છે.

આ પણ વાંચો: કૃષિ બિલના વિરુદ્ધ આજે ‘ભારત બંધ’, સમગ્ર દેશમાં રસ્તા પર ઉતરશે ખેડૂતો

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ Harley-Davidsonએ ખુલાસો કર્યો હતો કે, તે અમેરિકા જેવા ફાયદાકારક માર્કેટ પર વધારે ધ્યાન આપશે. આ સિવાય એવા બજાર, જ્યાં કંપનીને ખોટ થઈ રહી છે, ત્યાં ઓપરેશન બંધ કરશે.

હકીકતમાં Harley-Davidsonનું માનવું છે કે, કંપનીને ભારતમાં કરેલા રોકાણના પ્રમાણમાં નફો નથી મળી રહ્યો. આજ કારણસર અહીંથી કારોબાર સમેટી લેવાની યોજના બનાવી છે.

જો કંપનીના વાહનોના વેચાણના આંકડા પર નજર નાંખીએ તો, કંપનીએ નાણાંકીય વર્ષ 2019-20માં ભારતીય બજારમાં માત્ર 2500 બાઈક્સનું વેચાણ કર્યું છે. જ્યારે કોરોના કાળ દરમિયાન એપ્રિલ થી જૂનની વચ્ચે કંપની માત્ર 100 બાઈક્સનું વેચાણ કરી શકી હતી. સતત ઘટતી માંગ અને ખર્ચાઓ વધવાના કારણે ભારતમાં Harley-Davidson કંપનીના ધંધાને માઠી અસર પહોંચી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કંપનીના આ નિર્ણય બાદ ભારતમાં અંદાજે 70 કર્મચારીઓને નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે. ઈન્ડિયન માર્કેટમાં હાર્લે ડેવિડસનની સૌથી સસ્તી બાઈક સ્ટ્રીટ 750 છે, જેની એક્સ-શૉરૂમ પ્રાઈઝ 4.69 લાખ રૂપિયા છે.

જણાવી દઈએ કે, Harley-Davidson ભારતમાંથી પોતાનો ધંધો સમેટનારી અમેરિકાની ત્રીજી મોટી વાહન નિર્માતા કંપની છે. આ કંપનીનો હરિયાણામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવેલ છે, જે બંધ કરવાની નોબત આવી છે. અગાઉ 2017માં જનરલ મોટર્સે પણ ગુજરાતમાં પોતાનો પ્લાન્ટ વેચી માર્યો હતો. આ સિવાય ગત વર્ષે જ ફોર્ડે પણ પોતાનો ધંધો સમેટી લેતા મોટાભાગની મિલ્કત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે જૉઈન્ટ વેન્ચરમાં ટ્રાન્સફર કરી હતી.