Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ગુજરાત વિધાનસભાનો ઐતિહાસિક રેકોર્ડ, મોડી રાત સુધી ચાલી ચર્ચા

ગુજરાત વિધાનસભાનો ઐતિહાસિક રેકોર્ડ, મોડી રાત સુધી ચાલી ચર્ચા

0
1996

હિતેશ ચાવડા, ગાંધીનગર: 14મી ગુજરાત વિધાનસભાના 4થા સત્રની છેલ્લા દિવસની બેઠક 2 ઐતિહાસિક રેકોર્ડ સાથે હાલ ચાલુ છે. છેલ્લા દિવસની બેઠકમાં રાજ્ય સરકારના 9 જેટલા બિલ માટે ચર્ચા અને મતદાન હોય વિધાનસભાની બેઠક સવારે 10 વાગે ચાલુ થઈ હતી અને રાત્રે 12.08 વાગ્યા સુધી ચાલી હતી. જે ગુજરાતના ઈતિહાસની સૌથી લાંબી અને સૌથી મોડી રાત સુધી બેઠક ચાલવાનો રેકોર્ડ છે.

શુક્રવારે ચાલેલી ગુજરાત વિધાનસભાની મોડી રાતની બેઠકમાં 100 જેટલા ધારાસભ્યો, અધિકારીઓ, પત્રકારો અને કર્મચારીઓ લોકશાહીની ઐતિહાસિક ઘટનાના સાક્ષી બન્યા હતા.

આ અંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગઇ ટર્મ (2012-17) કરતાં વિધાનસભામાં આ ટર્મમાં શાંતિ જોવા મળી હતી.

જ્યારે વિપક્ષના નેતાએ જણાવ્યું કે, 8મી જાન્યુઆરી 1993માં વિધાનસભા રાત્રે 12.08 વાગ્યા સુધી ચાલી હતી અને આજે 12.08 વાગ્યા સુધી લાંબી ચાલી જેણે ગુજરાત વિધાનસભામાં ઇતિહાસ સર્જ્યો છે અને આજે વિધાનસભા સવારે 10 વાગ્યે ચાલુ થઈ હતી એટલે સૌથી લાંબી કાર્યવાહી ચાલવાનો પણ ઈતિહાસ સર્જાયો છે.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ગત રેકોર્ડમાં હું સાક્ષી હતો અને આજે પણ હું સાક્ષી છું અને વિરોધ પક્ષે નિરંજન પટેલ પણ તે વખતે મારી સાથે તે રેકોર્ડના સાક્ષી હતા.