Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત પોલીસ TikTok પાછળ પાગલ, હવે વડોદરાના PSIનો વીડિયો વાયરલ

ગુજરાત પોલીસ TikTok પાછળ પાગલ, હવે વડોદરાના PSIનો વીડિયો વાયરલ

0
5709

ગુજરાતમાં મોબાઈલ એપ્લીકેશન TikTokનું વળગણ લોકોની સાથે-સાથે હવે પોલીસોમાં પણ વધતું જઈ રહ્યું છે. મહેસાણા અને અમદાવાદની મહિલા પોલીસ કર્મચારીનો ટિકટોક વીડિયો બહાર આવ્યા બાદ હવે વડોદરાના એક PSIનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પીએસઆઈ લિપસોંગની સાથે-સાથે ખુરશીમાં બેઠા-બેઠા ડાન્સ પણ કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ અરૂણ મિશ્રાએ પોતાના ટિકટોક એકાઉન્ટ પર ગુરૂવારે રાત્રે 8 કલાકે જ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ એક ગીત પર લિપસોંગની સાથે-સાથે ગીતના બોલ પ્રમાણે વિવિધ એક્શન પણ કરી રહ્યા છે. પીએસઆઈનો ટિકટોક વીડિયો વાયરલ થતાંની સાથે જ વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ અંગે તપાસના આદેશ આપ્યા છે.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જયદીપ સિંહ જાડેજાને ટિકટોક પર વાયરલ થયેલા વીડિયોની તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે. હાલ તો ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ અરૂણ મિશ્રાનો આ ટિકટોક વીડિયો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે એ જોવાનું રહે છે કે, વડોદરા પોલીસ તેમની સામે શું કાર્યવાહી કરે છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસની શિસ્તના લીરેલીરા ઉડાવતા ટિકટોક વીડિયો છેલ્લા બે દિવસથી બહાર આવી રહ્યા છે. બુધવારે મહેસાણાની એક એલઆરડી મહિલા કર્મચારીએ પોલીસ લોકઅપ રૂમમાં વીડિયો બનાવીને પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટમાં મહિલા પોલીસ કર્મી સિવિલ ડ્રેસમાં હતી. આ ઉપરાંત, પોલીસ સ્ટેશનની બહારના પણ તેના વીડિયો બહાર આવ્યા હતા. લાંઘણજ પોલીસ મથકમાં ફરજ બજાવતી અલ્પિતા ચૌધરી નામની આ મહિલા કર્મચારીને યુનિફોર્મ વગર ફરજ બજાવવા અને ચાલુ ફરજ દરમિયાન પોલીસ સ્ટેશનમાં વીડિયો ઉતારવા બાબતે સસ્પેન્ડ કરવામાં આવી હતી.

TikTokનો ક્રેઝ! વધુ એક મહિલા પોલીસનો વીડિયો વાયરલ