Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અતિવૃષ્ટિથી નુકસાની ભોગવી રહેલા ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત

અતિવૃષ્ટિથી નુકસાની ભોગવી રહેલા ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત

0
87
  • ખેડૂતોના પાકને થયેલા નુકસાનને લઇ યોજાઇ કેબિનેટ બેઠક
  • ખેતીના પાકને થયેલા નુકસાન અંગે સર્વે કરાશે
  • અતિવૃષ્ટિનો સામનો કરી રહેલા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય

ગાંધીનગર : આજે ગાંધીનગરમાં મહત્વની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતોના મુદ્દે (Gujarat farmers news) ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં પાક નુકસાન અંગે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં અતિવૃષ્ટિનો સામનો કરી રહેલા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના વિશે કૃષિમંત્રી આર.સી ફળદુએ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું કે, “રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદથી ખેતીના પાકને જે નુકસાન થયું છે તે અંગે સર્વે કરાશે. સર્વેના રિપોર્ટ મુજબ રાજ્ય સરકાર ખેડૂતોને સહાય ચૂકવશે.”

આર.સી ફળદુએ જણાવ્યું કે,

“આગામી 15 દિવસમાં નુકસાનીના સર્વે અંગેની કામગીરી હાથ ધરાશે. સર્વેનાં રિપોર્ટને આધારે રાજ્ય સરકાર વળતર ચૂકવશે. રાજ્ય સરકાર ખેડૂતોમાં 33 ટકાથી વધુ નુકસાન થવા બદલ સહાય આપશે. એ પણ SDRFના ધોરણો પ્રમાણે આ સહાય ચૂકવાશે.”

આ પણ વાંચોઃ ભાજપના વધુ એક MLA કોરોના સંક્રમિત, થોડાં દિવસ અગાઉ PAનું થયું હતું મોત

જો કે સતત વરસી રહેલા ભારે વરસાદથી ખેડૂતોના (Gujarat farmers news) ખેતીના પાકને નુકસાન થયું હોવાનું તેમને સ્વીકાર્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, “રાજ્યના કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવાના આદેશો આજે કેબિનેટ બેઠકમાં અપાયા છે. આગામી 15 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર નુકસાનીવાળા તમામ ખેડૂતોને સહાયતા આપશે. 33 ટકાથી વધુ નુકસાન થવા બદલ સહાય અપાશે.”

વધુમાં તેમણે જણાવ્યું કે, “જો કે ભગવાનની દયાથી વરસેલા સારા એવા વરસાદ વરસતા વરસાદે ખેડૂતોને બે વર્ષનો કોલ આપી દીધો છે. રાજ્યમાં અંદાજે 116 ટકાથી વધુ વરસાદ થયો છે. ખેડૂતોના કૂવાના બોરમાંથી પાણી છલકાઇને બહાર આવી ગયા છે. જો કે અતિશય પાણીને કારણે કઠોળના પાકને નુકસાન પણ થયું છે તેમજ કેટલાંકને તો ફુગ પણ આવી ગઇ છે. જો કે રવિ સીઝન, ઉનાળુ સીઝન માટે ખેડૂતો આ પાણીનો ખૂબ લાભ ઉઠાવશે. અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન પણ થયું છે. પરંતુ આગામી રવિ સીઝન તથા ઉનાળુ સીઝન માટે ખેડૂતો આ પાણીનો ભરપૂર ફાયદો ઉઠાવી શકશે. કુદરતે આગામી બે વર્ષ માટે પહોંચી જાય તેટલું પાણી આપી દીધું છે.”

આ પણ વાંચોઃ છેલ્લાં 30 વર્ષમાં 8મી વાર ગુજરાતમાં નોંધાયો 40 ઇંચથી વધુ વરસાદ