Gujarat Exclusive > દેશ-વિદેશ > Parliament Session: સરકારે સ્વીકાર્યું- ભારતમાં ઈસ્લામિક સ્ટેટનું નેટવર્ક સક્રિય

Parliament Session: સરકારે સ્વીકાર્યું- ભારતમાં ઈસ્લામિક સ્ટેટનું નેટવર્ક સક્રિય

0
72

નવી દિલ્હી: હાલ વિશ્વભરમાં આતંકવાદી ગતિવિધિઓ ઝડપથી વધી રહી છે. જેને રોકવા માટે દુનિયાભરના નેતાએ એકજૂટ થઈને કોશિશ કરી રહ્યાં છે. ભારત પણ આતંકવાદની સમસ્યાનો સામનો બહુ પહેલાથી કરતું આવ્યું છે. આતંકવાદ મુદ્દે ભારત અનેક મોરચે લડી રહ્યું છે.

આતંકવાદના મામલે આજે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યસભામાં એક પ્રશ્નનો જવાબ આપ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ રાજ્યસભામાં એ વાતની જાણકારી આપી કે, દેશમાં 12 એવા રાજ્યો છે, જ્યાં ઈસ્લામિક સ્ટેટ (IS)ના આતંકવાદીઓ સૌથી વધુ સક્રિય છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યો પણ સામેલ છે.

રાજ્યસભામાં એવા રાજ્યોની વિગતે આપવામાં આવી, જ્યાં ISના આતંકવાદીઓ સૌથી વધુ સક્રિય છે. પોતાના લેખિત જવાબમાં ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું કે, NIAની તપાસમાં સામે આવ્યું છે કે ઈસ્લામિક સ્ટેટ (IS) કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં સૌથી વધુ સક્રિય છે.

કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ એક લેખિત જવાબમાં જણાવ્યું કે, 5 ઓગસ્ટ 2019 બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. 5 ઓગસ્ટ પહેલા એટલે કે 29 જૂન 2018 થી 4 ઓગસ્ટ 2019 સુધી ઘાટીમાં 455 જેટલી આતંકવાદી હુમલાની ઘટનાઓ સામે આવી હતી. જ્યારે 5 ઓગસ્ટ 2019થી 9 સપ્ટેમ્બર, 2020 સુધી આતંકવાદી હુમલાની 211 ઘટનાઓ નોંધાયી છે.

આ પણ વાંચો: સુશાંત કેસ: NCBની ઓફિસ પહોંચી શ્રુતિ મોદી, જયા સાહાની પણ થશે પૂછપરછ

કોરોના સંકટના કારણે હાલ કપરો સમય ચાલી રહ્યો છે. જેમાં સાંસદો સંસદ ભવનમાં એકઠા થઈ રહ્યાં છે. લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા સહિત અન્ય સુરક્ષાના ઉપાયો નક્કી કર્યાં છે. આમ છતાં પ્રથમ દિવસે જ 25 સાંસદોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

હાલ 200 જેટલા સાંસદો સંસદભવનમાં નથી આવી રહ્યાં. જેમાંથી મોટાભાગના 65 વર્ષથી વધુ ઉંમરના છે અને તેમાં પણ મોટી સંખ્યામાં સાઉથના રાજ્યોથી છે. તેઓ લાંબું અંતર કાપીને દિલ્હી આવવાનું ટાળી રહ્યાં છે.