Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > હવે ગુજરાત સરકારના પાર્ટટાઇમ કર્મચારીઓને ચૂકવાશે ફિકસ પગાર

હવે ગુજરાત સરકારના પાર્ટટાઇમ કર્મચારીઓને ચૂકવાશે ફિકસ પગાર

0
1218

રાજ્ય સરકારની કચેરીઓમાં ફરજ બજાવતા પાર્ટ ટાઈમ કર્મચારીઓના મહેનતાણામાં વધારા અંગે નાણાં વિભાગે તા. 16 જુલાઇ 2019ના રોજ નાયબ સચિવને પરિપત્ર રજુ કર્યો છે. જેમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા હાઈકોર્ટના ચૂકાદાનો સ્વીકાર કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

પરિપત્રમાં જણાવ્યા અનુસાર, રાજય સરકારના ખાતાના વડા/કચેરીના વડા તેમજ તેમના હેઠળની કચેરીએ ખાતે ફરજો બજાવતા આવા અંશકાલીન કર્મચારીઓ કે, જેઓ તા.1/1/2019ના રોજ કે ત્યારબાદ ફરજ બજાવતા હોય તેઓને વર્ગ-4ના પગાર ધોરણમાં મળવાપાત્ર લઘુત્તમ પગાર ધ્યાને લઇને તે મુજબ ફિકસ પગાર રૂ.14,800/- ચુકવવાનો રહેશે. આ રકમ ફિકસ પગાર તરીકે ગણવાની રહેશે અને તેના ઉપર મોંઘવારી ભથ્થુ કે અન્ય કોઇપણ પ્રકારના ભથ્થા મળવાપાત્ર રહેશે નહી.

કોર્ટ કેસ સાથે સંકળાયેલ પીટીશનરોને આ લાભ આપવાનો રહેશે. આ સિવાયના સચિવાલયના વિભાગ/ખાતાના વડા/કચેરીના વડા હેઠળના આ પ્રકારના કોઇ અંશકાલીન કર્મચારીઓ હાલ સેવામાં ચાલુ હોય તો તેની સંબંધિત કચેરીએ જરૂરી ચકાસણી કરી ઉકત લાભ તેઓને મળવાપાત્ર થતો હોય તો નાણા વિભાગના પરામર્શમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની રહેશે.

અંશકાલીન કર્મચારીને છૂટા કરવામાં આવેલ હોય તો જો તેઓ વય નિવૃત્તિ મર્યાદા વટાવી ગયેલ ન હોય તો તેમને સેવામાં પરત લેવાના રહેશે અને તેમને પણ તા.1/1/2019 થી આ ફીકસ પગારનો લાભ આપવાનો રહેશે.

જો ઉકત તારીખ સુધીમાં તફાવતની ચુકવણી કરવામાં નહી આવે તો તેના પર 6 ટકા વ્યાજ ચુકવવાનો હાઇકોર્ટનો હુકમ છે. તે જોતા જો કોઇ વિભાગ/ખાતાના વડા/કચેરી દ્વારા સમયસર ચુકવણી કરવામાં નહીં આવે તો દંડનીય વ્યાજ માટે સંબંધિત અધિકારીની જવાબદારી નકકી કરવાની રહેશે. આ પ્રકારે નિયત થતો ફીકસ પગાર હવે પછી દર માસે નિયમીત રીતે ચુકવાય તે માટે સંબંધિત વિભાગ/ખાતા/કચેરીના વડાને જણાવવામાં આવે છે તેમ પરિપત્રમાં જણાવાયું છે.

સરકારી બેંકો વિરૂદ્ધ ગ્રાહકોની ફરિયાદોનો ઢગલો, 25 દિવસમાં 35 હજાર રાવ