Gujarat Exclusive > દેશ-વિદેશ > ઑક્સફોર્ડની કોરોના વૅક્સીનનું ટ્રાયલ ફરી થશે શરૂ, DCGIએ આપી મંજૂરી

ઑક્સફોર્ડની કોરોના વૅક્સીનનું ટ્રાયલ ફરી થશે શરૂ, DCGIએ આપી મંજૂરી

0
67
  • ભારતમાં કોરોના વૅક્સીનને લઈને સારા સમાચાર

  • સીરમ ઈન્સ્ટીટ્યૂટને કોરોના વૅક્સીનના બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલને મળી મંજૂરી

નવી દિલ્હી: કોરોના વાઈરસ મહામારી (Corona Pandemic) ના સંકટ વચ્ચે વિશ્વમાં સૌથી વધુ ચર્ચા કોરોનાની વૅક્સીન (Corona Vaccine)ને લઈને જ થઈ રહી છે. આ દરમિયાન ભારતમાં કોરોના વૅક્સીનને લઈને એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે.

દેશમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટને કોરોના વૅક્સીનના બીજા અને ત્રીજા ટ્રાયલને મંજૂરી મળી ગઈ છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DCGI)એ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા (SII)ને કોરોના વૅક્સીનના બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલને ફરીથી શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે.

ઑક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સીનનું દેશમાં પરીક્ષણ કરવાની મંજૂરી મળી ગઈ છે. DCGIના ડૉ વીજી સોમાનીએ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા (SII)ને દેશમાં ઑક્સફોર્ટ યુનિવર્સિટીની વૅક્સીનના ટ્રાયલને ફરીથી શરૂ કરવામાં મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો: Corona Case Update: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50 લાખને પાર

ઉલ્લેખનીય છે કે, આ વૅક્સીનનું અનેક દેશોમાં બીજા અને ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. જો કે એક વૉલેન્ટીયરની તબીયત બગડ્યા બાદ આ વૅક્સીનના ટ્રાયલ પર રોક લગાવી દેવામાં આવી હતી. DCGIએ પણ ભારતમાં વૅક્સીનના ટ્રાયલ પર રોક લગાવી હતી.

જો કે બ્રિટનમાં ખાનગી તપાસકર્તાઓ દ્વારા આ વૅક્સીનને સુરક્ષિત ગણાવાયા બાદ શનિવારે જ ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી હતી.

DCGIએ મંગળવારે ટ્રાયલ ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવા સાથે જ અનેક શરતો પણ લાગૂ કરી છે. SIIના ટ્રાયલ દરમિયાન વૉલેન્ટિયરના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવા અને કોઈ પણ પ્રકારની ગરબડ ના થાય તે માટે સાવધાની રાખવાનું કહેવામાં આવ્યું છે. જો કોઈ ગરબડ જણાય તો SIIને આપવામાં આવેલ દવાઓના ડોઝની તમામ જાણકારી DCGIને આપવાની રહેશે.

સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા (SII)એ એસ્ટ્રજેનેકા (AstraZeneca) અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિક્સિત કરવામાં આવી રહેલી વૅક્સીનનું ભારતમાં ટ્રાયલ ફરીથી શરૂ કરવા માટે મંજૂરી આપવાનો આગ્રહ કર્યો હતો.

જણાવી દઈએ કે, બ્રિટનની દવા નિર્માતા કંપનીના ટ્રાયલ દરમિયાન દર્દીઓમાંથી એકની તબીયત લથડતા વૅક્સીનના ટ્રાયલ પર 8 સપ્ટેમ્બરથી રોક લગાવી દીધી હતી. ભારતમાં બીજા તબક્કા માટે 26 ઓગસ્ટથી શરૂ થયેલા પરીક્ષણમાં 100 લોકોમાંથી પૂણેની ભારતીય વિદ્યાપીઠ મેડિકલ કૉલેજના 34 લોકોને આ વૅક્સીન આપવામાં આવી હતી. જેમાંથી કોઈને પણ સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા સર્જાયી નથી.